ચીનમાં વાઇરસથી પ્રભાવિત લોકો તેમજ મૃતકોના આંકડાઓ પણ સતત વધતા રહ્યા છે. છેલ્લે સરકારી આંકડો ૧૦૦૦થી વધુ મૃતક અને ૪૦,૦૦૦થી વધુ ચેપગ્રસ્તોનો આવ્યો છે. ચીનના વુહાનથી સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહેલો કોરોના વાઇરસ વૈશ્વિક મહામારીનું સ્વરૂપ લઈ શકે છે કારણ કે આ વાઇરસ હવામાં ફેલાઈને લોકોને ચેપગ્રસ્ત બનાવી રહ્યાનો ઘટસ્ફોટ ચીન દ્વારા કરાયો છે. જો જીવલેણ વુહાન વાઇરસ હવા દ્વારા એટલે કે ‘એરોસોલ ટ્રાન્સમિશન’ મારફત ફેલાતો હશે તો નવી પરિસ્થિતિ શું હશે તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી.
આમ પણ ચીનમાં સામ્યવાદી શાસન હોવાથી તેના લોખંડી પરદા પાછળની સાચી હકીકતો દુનિયા સમક્ષ આવતી નથી ત્યારે અફવાઓ કે અટકળોનું સામ્રાજ્ય પ્રસરે છે. આવી જ એક બાબત સોશ્યલ મીડિયા પર જોવા મળી છે કે ચીન સરકારે કોરોનાવાઇરસથી ચેપગ્રસ્ત આશરે ૨૫,૦૦૦ નાગરિકોને સામૂહિક મોતને ઘાટ ઉતારી દેવા માટે સુપ્રીમ કોર્ટની પરવાનગી માગી છે, જેથી તેમનો ચેપ અન્યોમાં પ્રસરે નહિ.
સમસ્ત વિશ્વ સામે આ વાઇરસ વિરાટ પડકાર સમાન બની રહ્યો છે. પ્રશ્ન એ કરી શકાય કે આ વાઇરસનો અચાનક ઉદ્ભવ કેવી રીતે થયો? કોઈ પણ વાઇરસ ગમે ત્યારે ત્રાટકી શકે છે. સામાન્યપણે, વાઇરસ અથવા વિષાણુ પ્રાણીમાંથી મનુષ્યમાં આવતા હોવાની થિયરી છે. વુહાન કોરોના વાઇરસનો ચેપ પહેલાં ચામાચીડિયામાંથી અને હવે કીડીખાઉં પ્રાણી પેગોલિનમાંથી મનુષ્યને લાગ્યો હોવાની વર્તમાન થિયરી છે. ૨૦૦૨-૦૩માં ચીનમાંથી ‘સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ’ (‘સાર્સ’)નો વાઇરસ ફેલાયો હતો, જેના કારણે સમગ્ર વિશ્વમાં આશરે ૮૦૦ના મોત થયા હતા. જોકે, ચીન દ્વારા કોરોના વાઇરસના ઉદ્ભવ વિશે પૂરતી માહિતી ન અપાતી હોવાનાં આક્ષેપો વચ્ચે નિષ્ણાતો બાયોલોજિકલ વેપન્સની થિયરી તરફ અંગૂલિનિર્દેશ કરી રહ્યા છે.
પશ્ચિમી મીડિયાજગતના અહેવાલો અનુસાર તો ચીનમાં જૈવિક શસ્ત્રો બનાવવાના પ્રયોગો દરમિયાન જ કોઈ લેબોરેટરીમાંથી કોરોના વાઇરસ બહાર પ્રસરી ગયો છે. વુહાનમાં આવેલી ધ વુહાન ઈન્સ્ટિટયૂટ ઓફ વાઇરોલોજી ખાતે ઘાતક વાઈરસ પર સંશોધન થતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
જો જૈવિક શસ્ત્રો વિકસાવાઇ રહ્યાનો આક્ષેપ સાચો હોય તો સમગ્ર વિશ્વ પર વિષાણુ યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી કારણ કે વિશ્વની મહાસત્તાઓ સહિતના દેશો આવા જૈવિક શસ્ત્રોના સંશોધનોમાં લાગેલાં છે. વૈશ્વિક સંધિ અનુસાર તો કોઈ દેશને બાયોલોજિકલ કે કેમિકલ્સ વેપન્સ તૈયાર કરવાની છૂટ નથી પરંતુ, ખાનગી રાહે સંશોધનો ચાલતાં જ રહે છે અને જો આવા શસ્ત્રો ત્રાસવાદીઓને હાથ લાગી જાય તો શું થાય તેની તો કલ્પના પણ કરી શકાતી નથી.
વિશ્વમાં બીજા ક્રમનું અર્થતંત્ર ધરાવતું ચીન પોતાના કરોડો કામદારોના કારણે વિશ્વનું પ્રોડક્શન પાવર હાઉસ ગણાય છે. આજે વુહાન કોરોના વાઇરસના કારણે સમગ્ર ચીનમાં જાણે તાળાબંધી લાગી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ મહામારીની નકારાત્મક અસર વિશ્વના અર્થતંત્રો પર પડે તે સ્વાભાવિક છે. આમાંથી ભારતને પણ બાકાત ગણી શકાય નહીં. ભારતની આયાત-નિકાસ પર નોંધપાત્ર વિપરિત અસર અર્થતંત્રને વધુ સુસ્ત બનાવી શકે છે.
અલબત્ત, તમામ પરિસ્થિતિઓ વચ્ચે આશાનું ઉજળું કિરણ પણ જોવા મળી રહ્યું છે. બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોના નિષ્ણાતો કોરોના વાઇરસને નાથવાની રસી વિકસાવવાના કાર્યમાં લાગી છે અને પ્રાથમિક સફળતાના દાવા પણ થઈ રહ્યા છે. જોકે, ખાટલે મોટી ખોડ એ છે કે ગમેતેટલી ઝડપ થાય તો પણ હજારો અસરગ્રસ્તોને આપવા યોગ્ય રસીનું ઉત્પાદન કરવામાં ઓછામાં ઓછાં ત્રણથી છ મહિના લાગી જાય તેમ છે. આ સમયગાળા સુધીમાં તો વુહાન કોરોના વાઇરસ કેટલાનો ભોગ લેશે તેની શું ખબર?
