સંક્ષિપ્ત સમાચાર (યુકે)

Wednesday 12th February 2020 05:12 EST
 

• બંધ થતાં એટીએમથી બેંકોને ફાયદો, ગ્રાહકોને મુશ્કેલી

હજારો ફ્રી-ટુ-યુઝ કેશ મશીન્સ બંધ થવાથી અથવા ફી વસૂલતા થયા હોવાથી રોકડ નાણાં ઉપાડવા ઈચ્છતા ગ્રાહકોને બે વર્ષ અગાઉ કરતાં ખૂબ વધારે નાણાં ચૂકવવા પડે છે. એટીએમમાંથી કેશ ઉપાડવા માટે ગ્રાહકોએ ચૂકવવા પડતાં નાણાંની કુલ રકમ ગયા વર્ષે ૨૯ મિલિયન પાઉન્ડ વધીને ૧૦૪ મિલિયન પાઉન્ડ થઈ હોવાનું કન્ઝ્યુમર ગ્રૂપ Which? દ્વારા જણાવાયું હતું. તેનાથી ઉલટું સમગ્ર બ્રિટનમાં કેશ પોઈન્ટમાં ઘટાડાને લીધે બેંકોને જાન્યુઆરી ૨૦૧૮થી ૧૨૦ મિલિયન પાઉન્ડની બચત થઈ હતી.

• કાર્બન ઉત્સર્જન ઘટાડવા મકાનમાલિકોને સબસિડી

૨૦૫૦ સુધીમાં કાર્બન ઉત્સર્જનને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં બ્રિટનને મદદરૂપ થવા માટે બજેટ આયોજનમાં મકાનમાલિકોને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે સબસિડી અપાશે. ચાન્સેલર સાજિદ જાવિદની વિચારણા હેઠળની દરખાસ્તો મુજબ સરકાર મકાનોને અપગ્રેડ કરવા માટે ‘શેર ધ કોસ્ટ’ યોજના અમલી બનાવવા વિચારી રહી છે. કાર્બન ટેસ્ટની નવી નીતિઓથી સરકારના ૨૦૫૦ સુધીના લક્ષ્યને પૂરું કરવામાં યોગદાન મળે છે કે કેમ તે જોવા વ્હાઈટહોલમાં હાથ ધરાયેલા અભિયાનના ભાગરૂપ છે.

• HRT દવાઓની અછતનો ફાયદો ઉઠાવતા ઓનલાઈન કેમિસ્ટ

હોર્મોન રિપ્લેસમેન્ટની દવાઓ માટે મહિલાઓ NHSની કિંમત કરતાં ચારગણા નાણાં ચૂકવે છે. ડોક્ટરોએ કેમિસ્ટ પર આક્ષેપ કર્યો હતો કે તે મેનોપોઝની સારવારની અછતનો ગેરલાભ ઉઠાવે છે.GPs ની અવગણના કરીને ખાનગીમાં ઓનલાઈન પ્રોડક્ટ ખરીદતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. દર્દીએ તેમાં કેટલાંક પ્રશ્રોનો જવાબ આપવાનો હોય છે અને ટૂંકમાં મેડિકલ હિસ્ટ્રી દર્શાવવાની હોય છે. ૨૦૧૮થી આ દવાઓની અછત હોવાથી હજારો મહિલાઓને અસર થઈ રહી છે.

• બીબીસી લાઈસન્સ ફીમાં એપ્રિલથી £૩નો વધારો

કમ્પલ્સરી ફીને બદલે વોલન્ટરી સબસ્ક્રિપ્શન રાખવાથી બીબીસીને દર વર્ષે ૧૬ બિલિયન પાઉન્ડનો ખર્ચ થશે તેવા વિશ્લેષણ બાદ આગામી એપ્રિલથી પરિવારોએ દર વર્ષે ટેલિવિઝન લાઈસન્સ માટે વધારાના ૩ પાઉન્ડ ચૂકવવા પડશે. કેમ્પેનર્સ ફોર ધ એલ્ડરલી દ્વારા જણાવાયું હતું કે લાઈસન્સ માટે વર્ષે ૧૫૪.૫૦ પાઉન્ડને બદલે ૧૫૭.૫૦ પાઉન્ડ ચૂકવવા પડશે તે ૭૫ વર્ષથી વધુની વયના ૩.૭ મિલિયન લોકો માટે વધુ એક આંચકા સમાન છે. ટૂંક સમયમાં આ લોકોના ફ્રી લાઈસન્સ પાછા ખેંચી લેવાશે.

• ડિઝલ બસોના સ્થાને ઈલેક્ટ્રીક બસો દોડાવવાની યોજના

બ્રિટનમાં હવાને શુદ્ધ રાખવા અને ભીડને નિયંત્રણમાં લેવા માટેની સરકારી યોજના મુજબ હવે ડિઝલ બસોના સ્થાને ઈલેક્ટ્રીક બસો દોડાવાશે. તેમાં એક ટાઉન અથવા સીટીને બેટરી સંચાલિત બસોનો કાફલો ખરીદવા માટે ૫૦ મિલિયન પાઉન્ડનું ફંડ અપાશે. તેને ૨૦૨૫ સુધીમાં તમામ ઈલેક્ટ્રીક બસોનું બ્રિટનનું પ્રથમ ટાઉન અથવા સીટી બનાવાશે. બસ પ્રવાસને વધુ ભરોસાપાત્ર અને હરિયાળો બનાવવા માટે ૧૭૦ મિલિયન પાઉન્ડના ભાગરૂપે આ ગ્રાન્ટ અપાશે.

• એપલ iPhoneના ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા

પ્રથમ ત્રિમાસિક ગાળામાં એપલના આઈફોનના ઉત્પાદનમાં દસમા ભાગનો ઘટાડો થવાની એનાલિસ્ટોએ ચેતવણી આપી હતી. કોરોનાવાયરસને લીધે ચીનથી આવતા પાર્ટ્સનો પુરવઠો ખોરવાઈ ગયો છે. અમેરિકાની આ કંપની ચીનમાંથી મોબાઈલના પાર્ટ્સ ખરીદે છે અને તેા સ્માર્ટફોન્સના એસેમ્બલીંગ માટે તેના કોમર્શિયલ પાર્ટનરોને નાણાં ચૂકવે છે.

• સ્ટ્રેસને લીધે રજા રાખતા કર્મચારીઓની સંખ્યામાં વધારો

સ્ટ્રેસ સંબંધિત તકલીફોને લીધે દર્દી કામ કરવાની સ્થિતિમાં નથી તેમ જણાવતી ડોક્ટરની નોટ્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. GQ Littlerના રિપોર્ટમાં જણાવાયું હતું કે ગયા વર્ષે ૭૪૧,૨૧૦ ફીટ નોટ્સ અપાઈ હતી જે અગાઉના વર્ષની સંખ્યા કરતાં છ ટકા વધારે હતી. આ સમયગાળા દરમિયાન કુલ ફીટ નોટ્સની સંખ્યા ચાર ટકા વધીને ૯.૭ મિલિયન થઈ હતી. કામના સ્થળે ફેરફારને આધારે કદાચ કર્મચારી કામ કરવા લાયક થઈ શકે તેમ જણાવતી ફીટ નોટ્સની સંખ્યા ગયા વર્ષે ૬૬૮,૭૨૦થી વધીને ૬૨૯,૪૪૦ થઈ હતી.

• સ્ટેટીન્સ લેવાથી દર્દીની પ્રવૃત્તિઓ ઘટે

સ્ટેટીન્સ અને બ્લડ પ્રેશરની દવાઓની આપણે જેટલી માનીએ તેટલી અસર ન થાય કારણ કે લોકો તેને ઓછાં સ્વસ્થ જીવન માટેના ‘ફ્રી પાસ’ સમાન ગણે છે. ૪૦,૦૦૦ લોકોના અભ્યાસમાં જણાયું હતું કે જે લોકોએ આ દવાઓ લેવાનું શરૂ કર્યું તેમનું સ્વાસ્થ્ય બગડવાની વધુ શક્યતા જણાઈ હતી. તેમને હૃદયરોગ અને સ્ટ્રોકના જોખમને કારણે સારવાર અપાય તે છતાં આ દવાઓ લેવાથી તેમનામાં પ્રવૃત્તિનું પ્રમાણ ઘટવાની અને વજન વધવાની શક્યતા રહે છે.

• ડ્રગના વેપારમાં ટીનેજર્સને સંડોવવા પેરન્ટ્સને લોભાવતી ગેંગ

ટીનેજરોને પોતાના વ્યવસાયમાં સામેલ કરવા માટે ડ્રગનો વેપાર કરતી ગેંગ તેમના પેરન્ટ્સને સંખ્યાબંધ ગીફ્ટ્સ અને રોકડ રકમ આપે છે. શિક્ષણવિદો, યુથ વર્કરો અને ભૂતપૂર્વ ગેંગ્સ્ટર્સે જણાવ્યું હતું કે આ ગેંગના લોકો તેમના બાળકોને ગુનાખોરીની દુનિયામાં લઈ જતાં પહેલા પોતે તકલીફમાં મદદ કરનારા પ્રામાણિક માણસ છે તેવો દેખાવ કરીને સંવેદનશીલ માતાઓને ભોળવી નાખે છે. સ્ટ્રીટ પર એક બાળક સાથે રહેતા પેરન્ટ્સ સહેલાઈથી ભોળવાઈ જાય છે.

• જેલ સ્ટાફને હંમેશા પોતાના પર હુમલો થવાની દહેશત

બ્રિટનની જેલોનું વાતાવરણ માં જોખમભર્યું હોવાનું ભૂતપૂર્વ પ્રિઝન ગવર્નર ઈયાન એચીસને જણાવ્યું હતું. આતંકવાદી ગુનેગારોની સંભાળ રાખતો જેલનો સ્ટાફ આ વિસ્તારમાં તલવારની ધાર પર પોતાની ફરજ બજાવતો હોય છે. ઉંચી દીવાલો તથા શારીરિક અક્ષમતા પણ ગુનેગારોના દિમાગમાં રહેલા તિરસ્કારને દૂર કરી શકતી નથી. ગુનેગારો તેમને બંધક બનાવીને ફિલ્મી ઢબે તેમનું ધડ અલગ કરીને હત્યા કરી નાખશે તેવો સ્ટાફને સતત ભય રહે છે.

• ગુનાની તપાસમાં વિલંબથી લોકોમાં પોલીસ પ્રત્યે રોષ

કારચોરી અને લૂંટ જેવા દરરોજ બનતા ગુનાઓની તપાસમાં પોલીસની નિષ્ફળતાથી લોકોમાં રોષ હોવાનું વોચડોગે જણાવ્યું હતું. અતિ સામાન્ય ગુનાઓમાંથી કેટલાંકમાં ગુનેગારોને ઝડપી લેવામાં નિષ્ફળતાથી પોલીસ અને લોકો વચ્ચેના સંબંધોનો અંત આવ્યો હોવાનું કહીને સિનિયર અધિકારી મેટ પારે પ્રશ્ર કર્યો હતો કે સામાન્ય ગુનાઓના ચાર ટકા કરતા ઓછાં કેસોમાં એક શકમંદ પર આરોપ મૂકવામાં આવે તેવી પરિસ્થિતિ સમાજ ક્યાં સુધી સહન કરે ?

• GCSE ઈંગ્લિશમાં ઈમિગ્રન્ટ્સના બાળકોનો સારે દેખાવ

બ્રિટનમાં જન્મેલા અને ઈંગ્લિશ બોલતાં બાળકો GCSE મેથ્સ અને ઈંગ્લિશમાં ઈમિગ્રન્ટ્સના બાળકો કરતાં પાછળ હોવાનું સરકારી આંકડામાં જણાયું હતું. વધારાની ભાષા તરીકે ઈંગ્લિશ બોલતાં ટીનેજર્સ બે મુખ્ય વિષયમાં સારી રીતે પાસ ( ગ્રેડ ૯થી ૫ – જૂની ગ્રેડિંગ સિસ્ટમમાં A* બરાબર જે હાઈ C બરાબર છે ) થવામાં તેમના ક્લાસમેટ્સ કરતાં આગળ છે.

• કેન્સરનાશક કોષ ક્લિનિકલ ટ્રાયલના પ્રથમ ટેસ્ટમાં પાસ

ટ્યુમર્સ પર આનુવંશિક રીતે હુમલો કરવા માટે તૈયાર કરાયેલા રોગ પ્રતિકારક કોષોનો ઉપયોગ કરીને કેન્સરની સારવાર કરવામાં આ કોષો માનવી પરના પરીક્ષણમાં સફળ રહ્યા હતા. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે દર્દીના રોગ પ્રતિકારક કોષોમાં ફેરફાર કરવા માટે Crisper – Cas9 તરીકે ઓળખાતા એક પ્રકારના આનુવંશિક કોષોનો સફળતાપૂર્વક ઉપયોગ કરી શકાય.

• આતંકી હુમલાના સ્થળે જવા પેરામેડિક્સને ખાસ ટ્રેનિંગ અપાશે

સ્ટ્રેધામ હુમલા વખતે પોલીસ અધિકારીઓની કામગીરીનો બચાવ કરતા ટ્રોપોલિટન પોલીસ કમિશનર ડેમ ક્રેસીડા ડિકે જણાવ્યું હતું કે આતંકવાદી હુમલો થયો હોય તેવા જોખમી સ્થળે પ્રવેશવા માટે પેરામેડિક્સને ખાસ ટ્રેનિંગ અપાશે. સાઉથ લંડનમાં સ્ટ્રેધામ હાઈ રોડ આર્મ્ડ પોલીસની સતત સર્વેલન્સ હેઠળ હોવા છતાં આતંકવાદી સુદેશ અમ્માને બે લોકો પર સ્ટેબિંગ કર્યું હતું.

• પરિવારની હત્યાનો પ્રયાસ કરનારા નકલી ડોક્ટરને જેલ

મેડિકલ અભ્યાસમાં નપાસ થયેલા અને છેલ્લાં દસ વર્ષથી ક્વોલિફાઈડ ડોક્ટર હોવાનો દેખાવ કરનારા વિદ્યાર્થી ૩૫ વર્ષીય સત્યા ઠાકોરે તેનો ભેદ ખૂલી જશે તેવા ડરથી બર્ક્સના રેઝબરી ખાતેના નિવાસસ્થાને તેની સાસુ, પત્ની અને અન્ય બે લોકોનું સ્ટેબિંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. રેડિંગ ક્રાઉન કોર્ટે તેને હત્યાના પ્રયાસના ત્રણ કાઉન્ટ પર દોષી ઠેરવ્યો હતો અને ૨૮ વર્ષની જેલની સજા કરી હતી.

• સતત ચોથા વર્ષે જ્યૂઝ વિરોધી ઘટનાઓ વિક્રમજનક સ્તરે

યુકેમાં સતત ચોથા વર્ષે સૌથી વધુ યહૂદીઓ વિરોધી ઘટનાઓ નોંધાઈ હતી. મોનિટરીંગ ચેરિટી કોમ્યુનિટી સેફ્ટી ફર્સ્ટ (CST) દ્વારા જણાવાયું હતું કે લેબરમાં સર્જાયેલી કટોકટી અને સોશિયલ મીડિયા અટેક્સના લીધે આ વધારો થયો હતો. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું,‘એન્ટિસેમિટીઝમનો સામનો કરવા અને આ ઘટનાઓ દ્વારા સમાજમાં સર્જાતી અસહિષ્ણુતા માટે આપણે વધુ કાર્યવાહીની જરૂર છે.

• ગેપ યર લેતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીઓ દ્વારા નાણાંની ઓફર

નોટિંગહામ અને એક્સેટર સહિતની રસેલ ગ્રૂપ યુનિવર્સિટીઓએ નિયત સંખ્યા કરતાં વધુ વિદ્યાર્થીઓેને પ્રવેશ આપ્યા પછી વિદ્યાર્થીઓને ગેપ યર લેવા માટે હજારો પાઉન્ડ ચૂકવવાની ઓફર કરી હતી. ગયા વર્ષે નોટિંગહામ યુનિવર્સિટીએ મેડિકલ કોર્સના વિદ્યાર્થીઓેને એક વર્ષ અભ્યાસ મુલતવી રાખવા માટે ૨,૦૦૦ પાઉન્ડની અને નર્સિંગના ૫૯ ગ્રેજ્યુએટ્સને ૧,૦૦૦ પાઉન્ડની ઓફર કરી હતી. .


comments powered by Disqus