ભારતના હવામાન રિપોર્ટથી પાકિસ્તાન છંછેડાયું

Tuesday 12th May 2020 13:54 EDT
 

કોરોના મહામારી વિશે સમાચારો અને અહેવાલો વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે નવા તણાવના મુદ્દા પર ખાસ કોઈનું ધ્યાન ગયું લાગતું નથી પરંતુ, બે દેશો ફરી કાશ્મીર અને ખાસ કરીને ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ સંદર્ભે આમનેસામને આવી ગયા છે. ભારતીય હવામાન વિભાગે ઐતિહાસિક પગલું ભરી જમ્મુ-કાશ્મીર, લદાખ ઉપરાંત, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ સહિત પાકિસ્તાને ગુપચાવેલા કાશ્મીરના હવામાનનો રિપોર્ટ આપવાનું શરૂ કર્યું છે, જે હવે પછી નિયમિત રીતે જાહેર કરાશે. સ્વાભાવિક રીતે જ આ પગલાં દ્વારા ભારતે, આ વિસ્તારો પર પોતાનો હકદાવો સ્થાપિત કરતાં પાકિસ્તાન છંછોડાયું છે.
કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ કરવા તેમજ જમ્મુ-કાશ્મીર અને લદાખ સહિતના પ્રદેશોને કેન્દ્રશાસિત વિસ્તારોમાં ફેરવી દેવાથી પાકિસ્તાન અકળાયેલું હતું જ. તેમાં વળી ભારતે આ વેધર બુલેટિન શરૂ કરીને કોથળામાં પાંચશેરી મારતાં પાકિસ્તાને ફરી એક વખત કાશ્મીર રાગ છેડ્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાન સરકારના એક સુધારાને માન્ય રાખતા ચુકાદામાં ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો છે. ભારતે આનો સ્પષ્ટ વિરોધ કરતાં જણાવ્યું હતું કે બળથી કબજે કરાયેલા આ વિસ્તારોમાં દખલગીરી કરવાનો પાક. ન્યાયતંત્ર કે સરકારને કોઈ અધિકાર નથી. મહારાજા હરિસિંહે કાશ્મીર જોડાણખત હેઠળ જમ્મુ અને કાશ્મીરના વિસ્તારો ભારતના જ હવાલે કરેલા છે, તેને પાકિસ્તાને માન્ય રાખવું પડશે.
પાકિસ્તાન ઘણાં સમયથી ગિલગિટ-બાલ્ટિસ્તાનને પોતાના પાંચમા પ્રાંત તરીકે પ્રસ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યું છે તેના ભાગરૂપે જ ત્યાં ચૂંટણી કરાવવાની હિલચાલ આદરી છે. ઈમરાન સરકારને કંઇ આ વિસ્તારોના લોકોને લોકશાહી આપવાનો પ્રેમ ઉભરાઈ ગયો નથી. કોરોનાના વાઈરસના સૌથી વધુ કેસ હોવાં છતાં, ઈસ્લામાબાદ તરફથી વધ્યુંઘટ્યું ભંડોળ અપાય છે. કોરોનાના દર્દીઓને ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ ધકેલી દેવાય છે.
વાસ્તવિકતા એ પણ છે કે ભૌગોલિક સ્થિતિના કારણે ગિલગિટ-બાલ્ટિસ્તાન ભારત અને પાક. ઉપરાંત ચીન માટે પણ વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. ચીનનો મહત્ત્વાકાંક્ષી ચાઇના-પાક. કોરિડોર આ પ્રદેશમાંથી જ પસાર થાય છે. હવે પાક. શાસકો ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી કરાવીને ચીનનો ફાયદો કરાવવા માંગે છે. ચીનની યોજનાનો ભારત વિરોધ કરે છે તેનું કારણ આ જ છે. પાક. અને ચીન કોરોનાનો ઉપયોગ ગિલગિટ - બાલ્ટિસ્તાન પર પોતાનો અંકુશ વધારવા કરી રહ્યા છે. સ્થાનિક તંત્રને મદદ કરવાના બહાને પાકિસ્તાને લશ્કરી દળોનો વ્યાપ વધારી દીધો છે. ચીને પણ કોરિડોરના રક્ષણના ઓઠા હેઠળ પોતાના સૈનિકો મોટા પાયે ઉતારેલા છે. તો બીજી તરફ, ગિલગિટ અને બાલ્ટિસ્તાનના લોકો પણ લશ્કરી દળોનો વિરોધ કરીને સંપૂર્ણ સ્વતંત્રતાની માગણી કરી રહ્યા છે. તેમને ભારત સાથે જ રહેવું છે પરંતુ, પાકિસ્તાન લશ્કરી બૂટ હેઠળ તેમને કચડી રહ્યું છે.
પાકે. ગેરકાયદે પચાવી પાડેલા ગિલગિટ-બાલ્ટિસ્તાન - મુઝફ્ફરાબાદને તેના કબજામાંથી ખૂંચવી લેવા ભારત સક્રિય બન્યું હોવાનું જણાય છે. તેના પહેલા પગલાં તરીકે આ વિસ્તારોના હવામાન બૂલેટિનો શરૂ કરાયા છે. જોકે, માત્ર આટલું કરવાથી તે ભારતને ફરી મળી જવાના છે એવું નથી. આના માટે વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક આવશ્યક છે અને ઈમરાન સરકારને ભારતીય સૈન્યના આક્રમણનો જ વધુ ડર લાગે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાઈરસ સામેની લડાઈમાં સફળતા મેળવ્યાં પછી પાકિસ્તાનને લોકડાઉન કરી દે તો કોઈ નવાઈ લાગશે નહિ.


comments powered by Disqus