શ્રમિકો વિના ઉદ્યોગધંધા પાંગળા રહેશે

Tuesday 12th May 2020 13:53 EDT
 

વિશ્વમાં ભારત સહિતના દેશોમાં લોકડાઉનના કારણે કોરોના વાઇરસને મારી હઠાવવામાં ધારી સફળતા મળી કે નહિ તે અલગ બાબત છે પરંતુ, દેશોના અર્થકારણ પર તેની વિપરીત અસર અવશ્ય થઈ છે. ભારત સરકાર અર્થવ્યવસ્થાને પુનઃ ચેતનવંતી બનાવવા ઉદ્યોગો અને વ્યવસાયોને ફરી ખોલવા આગળ વધી રહી છે. લોકડાઉન ખોલવું પણ સરળ નથી કારણ કે તેની સાથે આર્થિકની સાથોસાથ માનવીય સંજોગો પણ સંકળાયેલા છે. રોજગારી અને રોજીરોટીની સમસ્યા છે. વિશ્વના મોટા ભાગના દેશો આ મૂંઝવણ અનુભવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દોમાં કહીએ તો ‘જાન અને જહાન’ બંને વચ્ચે સમતુલા જાળવવાની આવશ્યકતા છે. ઉદ્યોગ-ધંધા સહિતની આર્થિક પ્રવૃત્તિઓ ઠપ છે ત્યારે તેમને દોડતા કરવા માટે આવશ્યક માનવબળ ક્યાંથી મળશે તે યક્ષપ્રશ્ન છે. કાપડઉદ્યોગ હોય કે હીરાઉદ્યોગ, બાર-રેસ્ટોરાં હોય કે કન્સ્ટ્રક્શન સહિતની મોટા ભાગની આર્થિક પ્રવૃત્તિઓમાં પરપ્રાંતી મજૂરો પાયાસમાન છે અને વિષમ પરિસ્થિતિ એ છે કે મહાનગરો, શહેરોમાં વસેલા લાખો માઈગ્રન્ટ વર્કર્સ કર્મભૂમિ છોડીને જન્મભૂમિ તરફ દોડી રહ્યા છે.
બીજી તરફ, આર્થિક મજબૂરી અથવા સારા જીવન માટે તેઓ વતનથી દૂર અન્ય રાજ્યોના શહેરોમાં વસવા આવ્યા હતા તેવા જ કારણે શહેરો છોડીને જઈ રહ્યા છે. મોટા ભાગના રોજમદારો ફરી શહેરોમાં પરત ફરવા માગતા નથી તે પણ હકીકત છે કારણ કે મજબૂરીની હાલતમાં તેમને પડખે ઉભા રહેવા કોઈ તૈયાર થતું નથી તે સમજાઈ ગયું છે. મોટા ભાગની સરકારી યોજનાઓ કાગળ પર જ છે અન્યથા પરિવારો પારિવારિક અને સામાજિક સુરક્ષાના લક્ષ્ય સાથે પગપાળા વતન તરફ હિજરત કરી જતા હોય તેવા દૃશ્યો જોવા પડે નહિ. જોકે, આવી સુરક્ષા થોડા સમય માટેની જ છે. હજી જિંદગી આગળ જીવવાની છે જ ત્યારે બધાને પોતાના વતનમાં જ કામકાજ મળી જશે તે નિશ્ચિત નથી. જોકે, સરકારોએ માનવીય સંવેદના દાખવી પરપ્રાંતી મજૂરોને વતનભેગા કરવા વિશેષ ટ્રેનો દોડાવી તે પણ હકીકત છે.
ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિતની સરકારોએ ચીનમાંથી ઉચાળા ભરવા તૈયાર વિદેશી ઉદ્યોગોને આવકારવા યોજનાઓ જાહેર કરી છે તે સાચું પરંતુ, જે ઉદ્યોગો મરવાના વાંકે જીવી રહ્યા હોય તેમના માટે લાભકારી યોજનાઓ જાહેર કરાતી નથી તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. વિદેશી ઉદ્યોગો આવશે, મૂડીરોકાણ લાવશે, રોજગારી વધશે, સારી વાત છે પરંતુ, મજૂરો ક્યાંથી આવશે? આ માટે મહાજનો અને ઉદ્યોગોએ મજૂરોને જતા અટકાવવા માગણી કરી છે. ધ કોન્ફડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)એ તમામ વર્કર્સને ફરીથી નોકરી કે ફરજ પર હાજર થઈ જવાનો આદેશ કરવામાં આવે તેવો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં ઉદ્યોગોના લાભની વધારે પરંતુ, કામદારોને લાભ થાય તેવી ઓછી રજૂઆત છે. ફરજ અને ગરજ બંને પક્ષે છે. વિષમતા કેવી છે. વર્ષ ૨૦૧૭ના આર્થિક સર્વે અનુસાર આર્થિક કારણોસર બીજા રાજ્યોમાં વસવાટ કરતા હોય તેવા લોકોની સંખ્યા ૧૦ કરોડથી વધુ છે. મોટા ભાગના પરપ્રાંતી શ્રમિકો વતનભેગા થવા સાથે બેરોજગારી પણ વધી જવાની છે. શ્રમિકો હાજર હોવા છતાં ઉદ્યોગ-ધંધા તેમના વિના પાંગળા બની જશે.
એક વાત સાચી છે કે મોટા ભાગના પરપ્રાંતી મજૂરો પાછા આવશે પરંતુ, તેમાં લાંબો સમય લાગી જશે. સરકારે મજૂરોને ધ્યાનમાં રાખી વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવાની જરૂર પણ લાગે છે. લોકડાઉનથી જાનહાનિ અંકુશમાં રાખી શક્યા છીએ. હવે જીવન-નિર્વાહનો પડકાર છે. કોરોના મહામારી સામે લડવા તાકીદના ધોરણે કામગીરી કરાઈ છે તે જ રીતે બેહાલ નાગરિકોની સ્થિતિ સુધારવા પણ યુદ્ધના ધોરણે કામ કરવું પડશે. રોજગારીની સાથે જીવન ટકાવવાના અન્ય લાભ મળી રહે તેવી આગવી વ્યવસ્થા ઊભી કરવી પડશે. આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘વર્લ્ડ રિસોર્સ ઈન્સ્ટિટ્યૂટ’ના ડોક્ટર ઓ.પી. અગ્રવાલ સાચું જ કહે છે કે મજૂરોને આપણે બોજો સમજતા આવ્યા છીએ પરંતુ, તેઓ કોઈ પણ અર્થવ્યવસ્થા માટે જરૂરિયાત છે, જેમની દેખભાળ રાખવી આપણી ફરજ છે.


comments powered by Disqus