ન્યૂ યોર્કઃ કોરોનાના વધતાં સંક્રમણ વચ્ચે દુનિયા ઉત્સુકતાપૂર્વક વેક્સિનની રાહ જોઈ રહી છે પણ શરૂઆતની વેક્સિન ફક્ત ૫૦ ટકા કારગત સાબિત થઈ શકે છે. કોરોના વેક્સિનમાં પણ એવું જ થશે. એટલે કે જેમને વેક્સિન અપાશે તેમનામાંથી અડધા જ કોરોનાથી સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. જોકે અત્યાર સુધીના રિસર્ચ જણાવે છે કે માસ્ક મહામારીને ૯૮ સુધી રોકી રાખે છે. જો માસ્ક પહેરનારા બે વ્યક્તિ સાથે ઊભા હોય અને બંનેએ માસ્ક પહેર્યુ હોય તો ચેપ એકબીજાને થવાની આશંકા ૯૮ ટકા સુધી ઘટી જાય છે. આમ આપણે કહી શકીએ કે માસ્ક શરૂઆતની વેક્સિનની તુલનાએ વધુ અસરકારક સાબિત થશે.
હાલ તો વેક્સિન પણ મળી નથી. એટલા માટે મહામારીને કાબૂમાં રાખવા માટે દરેક વ્યક્તિની ફરજ છે કે તે માસ્ક પહેરે. ખાસ કરીને યુવાનો, કેમ કે તેમનામાં લક્ષણ નહીંવત પ્રમાણમાં દેખાય છે એટલા માટે તેમને ખબર નથી હોતી કે તે ચેપગ્રસ્ત છે. પછી જ્યારે તે ઘરે આવે તો પરિવારના બીજા લોકો માટે ઘાતક સાબિત થઈ જાય છે.
રિપોર્ટ અનુસાર, કોઇના મતે વેક્સિન મળવામાં ઓછામાં ઓછા બે મહિના લાગશે. તો કોઇ કહે છે કે છ મહિનાથી તેના પછી દરેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં લાંબો સમય લાગી શકે છે. આ સંજોગોમાં કોરોના સામે લડવામાં માસ્ક જ સૌથી અસરકારક હથિયાર છે.
માસ્ક લગાવનારાને ખાસ અસર નહીં કરે
ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનના જણાવ્યા અનુસાર માસ્ક શરીરમાં પ્રવેશતાં વાઈરસની માત્રાને ૯૦ ટકા અટકાવી દે છે. તેનાથી વાઈરસનો લોડ ઘટી જાય છે, જોકે એન્ટિબોડી વિકસિત થતા જાય છે. તેનાથી દર્દીની હાલત ગંભીર થતી નથી.
વેક્સિન મળે ત્યાં સુધી માસ્ક જરૂરી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના જણાવ્યા અનુસાર જ્યાં સુધી કોઈ શહેર-વિસ્તારના ૮૦ ટકા લોકોને વેક્સિન નહીં મળી રહે ત્યાં સુધી ત્યાં મહામારીને રોકવા માટે માસ્ક જ સૌથી મોટું હથિયાર બનશે.
આટલું ધ્યાન અવશ્ય રાખો...
• તમારા ખુદના માસ્કને સ્પર્શ્યા બાદ પણ સાબુથી હાથ જરૂર ધૂઓ • જો માસ્ક ભીનું થઈ જાય તો તાત્કાલિક બદલો • રૂમાલ કે દુપટ્ટાથી મોં ઢાકવું કારગત નથી • માસ્ક થ્રી-લેયર હોવો જોઈએ • વાત કરતી વખતે માસ્ક ક્યારેય ન હટાવશો.

