ગુજરાતમાં બિનનિવાસી ગુજરાતીઓની સહાય માટે કાર્યરત સંસ્થા એનઆરજી સેન્ટર

- જિતેન્દ્ર ઉમતિયા Tuesday 13th October 2020 16:37 EDT
 
 

ગુજરાત સરકારના સહયોગથી અમદાવાદમાં કાર્યરત એન.આર.જી. સેન્ટરમાં દિગંત સોમપુરાની થોડા દિવસ અગાઉ ફરી માનદ ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. શ્રી સોમપુરા અગાઉ સેન્ટરના વાઈસ ચેરમેન તેમજ કમિટી મેમ્બર રહી ચૂક્યા છે. તેઓ છેલ્લાં દસ વર્ષથી એનઆરજી સેન્ટર - અમદાવાદ સાથે સંકળાયેલા છે. દિગંત સોમપુરાએ ‘ગુજરાત સમાચાર’ને આપેલી વિશેષ મુલાકાતમાં સેન્ટરની કામગીરી વિશે વિગતવાર માહિતી આપી હતી. ગુજરાત બહાર વસતી કોઈ પણ ગુજરાતી વ્યક્તિ તેમનો ગમે તે સમયે સંપર્ક કરીને કોઈ માહિતીની પૂછપરછ કરે તો તેઓ સહેજ પણ વિલંબ કર્યા વિના તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે.

તેઓ અમેરિકાથી પ્રકાશિત થતા ‘ગુજરાત ટાઈમ્સ’ અને ‘ન્યૂઝ ઈન્ડિયા ટાઈમ્સ’ના કન્સલ્ટિંગ એડિટર, નોન રેસિડેન્ટ ગુજરાતી કમિટી અને સેન્ટરના માનદ ચેરમેન, છેલ્લાં ચાર-પાંચ વર્ષથી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ફોરેન ટ્રેડ કમિટીના સભ્ય, અમદાવાદની ‘મંતવ્ય’ ટીવી ચેનલમાં પોલિટીકલ એડિટર, ખ્યાતિ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ટિગ્રેટેડ લોની ગવર્નિંગ કાઉન્સિલના મેમ્બર, સરદાર પટેલ પોલીસ યુનિટી ટુરના કો-ઓર્ડિનેટર, (અમેરિકા અને અમદાવાદના પોલીસકર્મીઓની સાબરમતી, અમદાવાદથી - કરમસદ સુધીની સાયકલ રેલી), બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશન-ગુજરાતના પોલિટિકલ અને ઈકોનોમિક એડવાઈઝર તરીકે રહી ચૂક્યા છે. તેઓ વિશ્વ ગુજરાતી સમાજના સેક્રેટરી તરીકે એનઆરજીનો હવાલો સંભાળે છે.

એનઆરજી ફાઉન્ડેશનની રચના અને ઉદ્દેશ શું છે?

એનઆરજી ફાઉન્ડેશન એટલે બીનનિવાસી ગુજરાતીની સંસ્થા. ગુજરાતના ગાંધીનગરમાં તેની મુખ્ય ઓફિસ આવેલી છે. ગુજરાતમાં ભાજપની કેશુભાઈ પટેલની સરકાર વખતે આ સંસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રથમ ચેરમેન વરિષ્ઠ પત્રકાર અને (‘ગુજરાત સમાચાર’-Asian Voiceના) કટારલેખક હરિભાઈ દેસાઈ હતા. સરકારે એ વખતે વિચાર્યું - એનઆરજી એટલે શું? અત્યાર સુધી આપણી સમજ એનઆરઆઈ સુધી હતી. એનઆરઆઈ એટલે નોન-રેસિડેન્ટ ઈન્ડિયન. ગુજરાત સરકારે વિચાર્યું કે એનઆરઆઈ તો છે જ, તેમાં ગુજરાતીઓ પણ છે પણ તેમને છૂટા કેવી રીતે પાડવા? તેમની વિગતો આપણે કેવી રીતે મેળવવી એટલે એનઆરજી ફાઉન્ડેશન (બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન) રચાયું. તેમનું ડોક્યુમેન્ટેશન, વિગતો મેળવવી, ગુજરાત બહાર વસતા ગુજરાતીઓને ગુજરાત સાથે જોડવાના અભિગમની પૂર્તિ કરવી એ આ સેન્ટરની કામગીરી.

ગુજરાતની બહાર વસતા એટલે મુંબઈ, કોલકાતા, કન્યાકુમારી કે કાશ્મીરમાં જો કોઈ ગુજરાતી વસતો હોય તો તેવા તમામ ગુજરાતીની વિગતો મેળવવી. અમેરિકા, ફીજી, લંડન કે ઓસ્ટ્રેલિયા ગમે ત્યાં તે વસતા હોય એ એનઆરઆઈ તો છે જ પણ જે મૂળ ગુજરાતી છે અને એને ગુજરાત સાથે કનેક્ટ થવું હોય, આ કનેક્શન કેવી રીતે થઈ શકે? દાખલા તરીકે કોઈ ગુજરાતીને ગુજરાતમાં ઈન્વેસ્ટમેન્ટ કરવું હોય, કોઈ ગુજરાતીને ગુજરાતમાં પ્રોપર્ટીના ઈસ્યુ હોય જેમ કે તેમણે કોઈ જગ્યાએ ફ્લેટ લીધો હોય અને બિલ્ડર સાથે સમસ્યા હોય કે બીજા કોઈ ટેક્નિકલ કે લીગલ ઈસ્યુ હોય, કોઈ એનઆરજીને ઔદ્યોગિક વિસ્તારમાં ફેક્ટરી નાંખવી હોય કે કોઈ એનઆરજીને ગુજરાતમાં મેડિકલ સેવા જોઈતી હોય તો તેમને આ અંગેની માહિતી મેળવવા માટે અલગ અલગ જગ્યાએ ફરવું ન પડે અને એક જ જગ્યાએથી તેમને તમામ પ્રકારની માહિતી પૂરી પાડવાનું કામ એનઆરજી ફાઉન્ડેશન કરે છે.

ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં એનઆરજી સેન્ટર્સ સ્થાપવાનું કારણ શું?

અગાઉ આખા ગુજરાતમાં એનઆરજી ફાઉન્ડેશનની એક જ ઓફિસ હતી અને તે પણ ગાંધીનગરમાં ઉદ્યોગ ભવન ખાતે હતી. કોઈ એનઆરજી સુરતમાં કે કચ્છમાં હોય તો એમને સંપર્ક કરવામાં મુશ્કેલી પડે. ફોન પર વાત થઈ શકે પણ રૂબરૂ સંપર્ક કરવો હોય તો અઘરું પડે. તેથી બિનનિવાસી પ્રતિષ્ઠાન - ગાંધીનગર દ્વારા ગુજરાતના મુખ્ય શહેરોમાં એનઆરજી સેન્ટરની સ્થાપના કરવામાં આવી. તેની સ્થાપના કરવા અને જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ તે ક્યાં કરવું તેવો પ્રશ્ર હતો. નવી ઓફિસ કરવાથી ખર્ચ વધે. તેથી સરકારે દરેક શહેરમાં ગુજરાત વેપારી મહામંડળ એટલે કે ચેમ્બર ઓફ કોમર્સને પણ આમાં સાંકળી લીધી. તેમની સાથે એમઓયુ કરીને સેન્ટરોની સ્થાપના કરી. તે અંતર્ગત અમદાવાદમાં સૌ પ્રથમ એનઆરજી સેન્ટર શરૂ થયું. આ સેન્ટરમાં કામ કરતા ઓફિસ સ્ટાફને નક્કી કરેલા બજેટમાંથી સરકાર દ્વારા વેતન ચૂકવવામાં આવે છે અને ઓફિસનો અન્ય ખર્ચ પણ કરાય છે.

એનઆરજી કાર્ડનો ઉદ્દેશ શું છે? તે કઇ રીતે મેળવી શકાય?

ગુજરાત બહાર વસતા ગુજરાતીઓને ગુજરાત સાથે જોડવા માટે સરકારના સહયોગથી શરૂ કરાયેલા આ પ્રયાસમાં સૌથી મોટી સમસ્યા તો તેમને કેવી રીતે જોડવા? તેમને શું આકર્ષણ આપવું તેને લગતી હતી. તેઓ ગુજરાતમાં આવે તો તેમનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું? તેમને કેવી રીતે શોધવા? કોઈક ગુજરાતી એનઆરજી સેન્ટરની ઓફિસે આવે તો તેમની વિગતો મળી જાય. કોઈ ફોન કરીને માહિતી માગે તો તે નોંધી લઈએ પણ તે રેકર્ડને પણ કેટલો આધારભૂત ગણવો?

તેથી ગુજરાત સરકારે ગુજરાત કાર્ડ - એનઆરજી કાર્ડની વ્યવસ્થા શરૂ કરી. તે અંતર્ગત ગુજરાતની બહાર વસતા ગુજરાતીઓ આ કાર્ડ મેળવી શકે છે. આ કાર્ડની ફી રૂ. ૨૨૫ રાખવામાં આવી છે. આ ફી ચૂકવ્યા પછી તે ગુજરાતી દુનિયાના કોઈ પણ ખૂણામાં વસતા હોય તેમને એનઆરજી આઈ કાર્ડ સરકારના ખર્ચે ઘેર બેઠા કુરિયરમાં મળે છે. કુરિયરનો ગમેતેટલો ખર્ચ થાય તેના માટે વધારાનો એક પણ રૂપિયો એનઆરજી સેન્ટર દ્વારા લેવાતો નથી. આ વ્યવસ્થા હેઠળ માત્ર ફી જ લેવાય છે. કાર્ડ પહોંચાડવાનો ટપાલ ખર્ચ લેવાતો નથી. આ કાર્ડ મેળવનાર દરેક ગુજરાતીને પોતે એનઆરજી હોવાનું આઈ કાર્ડ સરકાર દ્વારા મેળવ્યાનો સંતોષ થાય છે.

એનઆરજી કાર્ડના લાભ શું છે?

કોઈ પણ વ્યક્તિને પ્રશ્ર થાય કે કાર્ડ તો મને મળ્યું, પણ એનાથી મને શો લાભ છે? તેથી સરકારે તેમાં વધારાની સુવિધાઓ અને લાભ જોડવાની શરૂઆત કરી. જાણીતા શો રૂમ, જાણીતા જ્વેલર્સ, હોસ્પિટલ, રેસ્ટોરન્ટસ, આઉટલેટ્સનો સંપર્ક કરીને સ્થાનિક વેન્ડર્સને તેમાં જોડ્યા. તેમને કાર્ડ હોલ્ડરને ડિસ્કાઉન્ટ આપવા અનુરોધ કર્યો. સામાન્ય સંજોગોમાં વેન્ડર્સ ડિસ્કાઉન્ટ આપતા જ હોય છે પરંતુ, સરકારના માધ્યમથી ગ્રાહકો આવતા હોવાથી તેમાં થોડું વધારે ડિસ્કાઉન્ટ કરી આપે છે. જેથી વેન્ડર્સને ગ્રાહક મળે અને કાર્ડ હોલ્ડરને થોડું વધુ વળતર મળ્યાનો સંતોષ થાય. એનઆરજી કાર્ડ હોલ્ડરને કેટલાંક વેન્ડર્સ તો ૩૦થી ૪૫ ટકા જેટલું ઊંચું ડિસ્કાઉન્ટ પણ આપે છે. એનઆરજી કાર્ડની આ સુવિધાને બિનનિવાસી ગુજરાતીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો છે.

વળી, આ કાર્ડથી સેન્ટરને પણ એનઆરજીની ચોક્કસ માહિતી મળી રહે છે. આ કાર્ડ મેળવવા માટે એનઆરજીએ તેમના પાસપોર્ટની કોપી, ડ્રાઈવિંગ લાઈસન્સની કોપી જેવા દસ્તાવેજો આપવાના હોય છે.

એનઆરજી સેન્ટર દ્વારા બીજી કઇ પ્રવૃત્તિઓ થાય છે?

નવેમ્બર-ડિસેમ્બરમાં મોટી સંખ્યામાં એનઆરજી ગુજરાત આવતા હોય છે. એનઆરજી સેન્ટર દ્વારા આ સમયગાળામાં એનઆરજી સંમેલનનું આયોજન કરાય છે. તેમાં એનઆરજીને લગતા લેક્ચર્સ આપવા જાણીતા વક્તાઓને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત એજ્યુકેશન સેમિનાર પણ યોજાય છે. પરદેશમાં એજ્યુકેશનની વ્યવસ્થા કેવી છે તેની માહિતી અપાય છે. પરદેશથી કોઈને અહીં આવવું હોય અને ઈન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તેમને બેંકો તરફથી શું લાભ મળી શકે તેની માહિતી મળે તે માટે બેંકોના ઈન્વેસ્ટમેન્ટ સેમિનારનું પણ સેન્ટર દ્વારા આયોજન કરાય છે.

જાણીતી હોસ્પિટલની સાથે મળીને નિષ્ણાત વક્તાઓની મદદથી મેડિકલ ટુરિઝમ સેમિનાર યોજાય છે. ગુજરાતમાં મેડિકલ ટુરિઝમના લાભ વિશે એનઆરજીને માહિતગાર કરવામાં આવે છે. આ માહિતીનો વધુ પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી ગુજરાત બહારના રાજ્યોમાં અને યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા તથા અન્ય દેશોમાંથી પ્રકાશિત થતાં અખબારોમાં પણ તે આપવામાં આવે છે. તેના લીધે વધુ એનઆરજી આ કાર્ડનો લાભ મેળવવા પ્રેરાય છે.

એનઆરજી સેન્ટર દ્વારા યોજાતા એનઆરઆઈ મેરેજ સેમિનાર અંગે જણાવશો?

લોકોમાં પરદેશ જવાનો ઘણો ક્રેઝ હોય છે. વિઝિટર વિઝા પર વિદેશ જઈને ત્યાં રોકાઈ જવું. પરદેશ જવા કાનૂની રસ્તા તો છે જ, ગેરકાયદે પણ ઘણાં રસ્તા હોય છે. મેરેજના ફ્રોડ બહુ થતા હોય છે પરદેશથી કોઈ છોકરો કે છોકરી અહીં આવે અને લગ્ન કરે. છોકરી કે છોકરો કોઈ પણ હોય, ત્યાં ગયા પછી હેરાનગતિ થાય. મોટા ભાગે છોકરીઓ હેરાન થવાના કિસ્સા બહુ બને છે. યુવકો પણ હેરાન થાય છે. પરદેશ ગયા પછી તેમનો પાસપોર્ટ લઈ લે, ખાવાપીવા ન આપે, ઘરની બહાર કાઢી મૂકે, ખૂબ દુઃખી થઈ જાય. યુવક કે યુવતી લગ્ન કરીને ત્યાં જાય તે સંજોગોમાં એનઆરઆઈ સાથે લગ્ન કરવા માટે તેમણે શું ધ્યાનમાં રાખવું તેનું માર્ગદર્શન આપવા માટે સેન્ટર દ્વારા એનઆરઆઈ મેરેજ સેમિનારનું આયોજન કરાય છે. પરદેશ જવા ઇચ્છતા યુવક કે યુવતીએ સામેનું પાત્ર યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરવી જોઈએ. એ વ્યક્તિ કોણ છે... સૌ પ્રથમ તો તેના ત્યાંના દસ્તાવેજો ચેક કરવા જોઈએ. તેનો પાસપોર્ટ ચેક કરવો. ત્યાં તેનો વસવાટ કાયદેસરનો છે કે નહીં તે ચેક કરવું ખૂબ જરૂરી છે. કુંડળી મેળવવાની સાથે આ બધી ચકાસણી પણ જરૂરી છે. તેના આધારે નિર્ણય લીધા પછી જ પરદેશ જવાની આગળની કાર્યવાહી કરવી જોઈએ. અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં વસતા વિદ્યાર્થીઓને આ અંગે માહિતી મળી રહે તે માટે સેન્ટર દ્વારા કોલેજોમાં પણ લેક્ચર્સ ગોઠવવામાં આવે છે.

કોરોના મહામારીમાં એનઆરજી સેન્ટર કઇ રીતે મદદરૂપ બન્યું હતું?

છેલ્લાં ચાર-પાંચ મહિનાથી કોવિડ-૧૯ને લીધે દુનિયાના દરેક દેશોની માફક ભારતે પણ સહન કરવું પડ્યું છે. પરદેશથી જે લોકો અહીં આવ્યા હતા તે અહીં અટવાઈ ગયા. તેમને પાછા જવાનો અવકાશ રહ્યો નહીં. તેમની પાસે હોટેલમાં રહેવાના નાણાં ન હતા, બીજા કોઈ પરિચિત કે સંપર્ક ન હોય એટલે તેમને હોટેલમાં જ રહેવું પડે. હોટેલો પણ બંધ થઈ ગઈ. તેવા સંજોગોમાં એનઆઆરજી સેન્ટર દ્વારા તેમને સારી જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

થોડા સમય પછી યુએસએ, યુકે અને કેનેડાએ ભારતમાં અટવાયેલા તેમના નાગરિકોને પાછા લઈ જવાની કવાયત શરૂ કરી. તેમની પાસે પણ તેમના દેશના કેટલા નાગરિકો ભારતમાં અટવાયા છે તેની માહિતી ન હતી. તેથી તેમણે અમારો સંપર્ક કર્યો... અને અમારી પાસેથી વિગતો મેળવી. અત્યાર સુધીમાં એનઆરજી સેન્ટરે આ ત્રણ દેશના લગભગ ૧,૫૦૦ જેટલાં નાગરિકોને એમ્બેસીનો સંપર્ક સાધીને પાછા મોકલ્યા છે. તે જ રીતે જે ભારતીયો કે ગુજરાતીઓ વિદેશમાં ફસાયા હોય અને તેમને પાછા આવવું હોય તો તેમાં પણ સંસ્થાએ સક્રિય કામગીરી કરી છે. ત્યાંની એમ્બેસી, ગુજરાતી સમાજનો સંપર્ક સાધીને તેમને પાછા લાવવામાં સંસ્થાએ મદદ કરી હતી.

શું વિદેશથી આવતા લોકો માટે ગુજરાતમાં લીકર પરમીટ જરૂરી છે?

હા, વિદેશથી ગુજરાતમાં આવતા લોકોએ શરાબ સેવન માટે પરમીટ મેળવવી કાયદેસર જરૂરી છે. વિદેશથી આવેલા ગુજરાતીને લીકરની જરૂર હોય તો આ પરમીટ મેળવવામાં સેન્ટર તેમને મદદરૂપ થાય છે. સેન્ટર દ્વારા તેમને પરમીટ મેળવવા જરૂરી ડોક્યુમેન્ટ્સ વિશે માર્ગદર્શન આપે છે.

સંપર્ક. દિગંત સોમપુરા - +91 96870 26886

ગુજરાત કાર્ડ મેળવવા અરજી કરવાની લિંક

https://nri.gujarat.gov.in/nrgcard/ApplyForNRGCard.aspx


    comments powered by Disqus