સરકારના £૧.૫૭ બિલિયનના કલ્ચર રિકવરી ફંડમાંથી ધ ભવનને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. ભવન, આ પડકારજનક સમયમાં મહત્ત્વની સહાય મેળવનારી યુકેની ૧,૩૮૫ સાંસ્કૃતિક અને રચનાત્મક સંસ્થાઓ પૈકી એક છે. આર્ટ્સ કાઉન્સિલ ઈંગ્લેન્ડ, HM ટ્રેઝરી અને ડિપાર્ટમેન્ટ ફોર ડિજીટલ, કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ્સ (DCMS) સહિત ફંડિંગ સંસ્થાઓ દ્વારા મળેલા સમર્થન બદલ ભવનએ તેમનો આભાર માન્યો હતો.
ભવન દ્વારા જણાવાયું હતું કે ગયા માર્ચથી લોકડાઉનને લીધે ઘણાં પડકારો ઉભાં થયા હતા. સંસ્થાએ તેના તમામ ક્લાસીસ અને કાર્યક્રમો ઓનલાઈન કરી દીધાં છે. સંસ્થા તેનો સ્ટાફ, વિદ્યાર્થીઓ અને દર્શકો ક્લાસિકલ આર્ટ્સ સાથે સંકળાયેલા રહે અને પ્રેક્ટીસ ચાલુ રાખી શકે તે માટે મજબૂત પાયો તૈયાર કરી રહી છે.
સંસ્થા દ્વારા જણાવાયું હતું કે આ ગ્રાન્ટને લીધે તેમનું હાલનું ભાવિ સુરક્ષિત થયું છે અને જ્યાં સુધી નવી કાર્યપદ્ધતિ અમલી બનાવાય ત્યાં સુધી કામગીરીમાં આગળ વધી શકાશે.
