‘છપાક’
મેઘના ગુલઝાર ડિરેક્ટેડ અને દીપિકા પદુકોણ અભિનિત ફિલ્મ ‘છપાક’ અને અજય દેવગણ – કાજોલ અભિનિત ફિલ્મ ‘તાનાજી - ધ અનસંગ વોરિયર’ ૧૦મી જાન્યુઆરીએ રિલીઝ થઈ ગઈ છે. રિલીઝના પ્રથમ દિવસે જ ‘છપાક’ની કમાણી રૂ. ૪.૭૭ કરોડ અને ‘તાનાજી’ની કમાણી રૂ. ૧૫ કરોડ થઈ હતી. આ બંને ફિલ્મને દર્શકોનો સારો આવકાર મળ્યો છે અને ક્રિટિક્સે પણ બંને ફિલ્મો વખાણી છે.
ત્રણ રાજ્ય તથા એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ‘છપાક’ ટેક્સ ફ્રી
‘છપાક’ રિલીઝ પહેલાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ તથા પુડુચેરીમાં ટેક્સ ફ્રી જાહેર કરાઈ હતી. રિલીઝ પછી રાજસ્થાનમાં પણ આ ફિલ્મ ટેક્સ ફ્રી જાહેર થઈ હતી.
‘છપાક’ની વાર્તા એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. ફિલ્મમાં ૧૯ વર્ષીય હસમુખી અને સુંદર છોકરી માલતીની વાત છે. સભ્ય સમાજ પર કલંક એવા બશીર ખાન ઉર્ફે બબ્બુની નજર માલતી પર હોય છે. બબ્બુ નાપાક ઈરાદાઓમાં અસફળ રહેતાં પોતાના સંબંધી પરવીન શેખની મદદથી માલતી પર એસિડ હુમલો કરે છે. પ્રાથમિક તપાસમાં આ હુમલાની શંકા માલતીના બોયફ્રેન્ડ રાજેશ પર કરાય છે. માલતીના પરિવારની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ હોય છે. જોકે, માલતીને તેના પિતાના માલિક શિરાઝ તથા વકીલ અર્ચનાની મદદ મળે છે. પત્રકારની નોકરી છોડીને અમોલ એસિડ અટેક સર્વાઈવર્સના હકની લડાઈ માટે એનજીઓ ચલાવે છે. માલતીને પોતાની સફરમાં અમોલનો ભરપૂર સાથ મળે છે.
ઉલ્લેખનીય છે કે પીડિતા લક્ષ્મી અગ્રવાલની વકીલ અપર્ણા ભટ્ટે ફિલ્મમાં ક્રેડિટ આપવાની માગ કરતી અરજી પટિયાલા કોર્ટમાં કરી હતી. તેની અરજીને ફિલ્મનિર્માતાઓએ દિલ્હી હાઈ કોર્ટમાં પડકારી હતી. અંતે અપર્ણાની અરજી સ્વીકારીને તેને ફિલ્મમાં ક્રેડિટ આપવાના આદેશ સાથે ૧૧મીએ ફિલ્મ પર પ્રતિબંધ મુકાયો હતો. કોર્ટે જણાવ્યું હતું કે અપર્ણાને ક્રેડિટ આપ્યા પછી ૧૫ જાન્યુઆરીથી ફિલ્મનું સ્ક્રિનિંગ થઈ શકશે અને ૧૭મી જાન્યુઆરીથી ફિલ્મ ફરી મલ્ટીપ્લેક્સ તથા લાઈવ સ્ટ્રીમિંગમાં ફિલ્મ રજૂ થઈ શકશે.
• કલાકારોઃ દીપિકા પાદુકોણ, વિક્રાંત મેસી
• નિર્માતાઃ દીપિકા પાદુકોણ, ફોક્સ સ્ટાર સ્ટુડિયો
• ડિરેક્ટરઃ મેઘના ગુલઝાર • સંગીતઃ શંકર અહેસાન લોય
---------------------------------
‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’
ઓમ રાઉતના ડિરેક્શનમાં બનેલી ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’એ પિરિયોડિક ડ્રામા છે. દેશની આઝાદીમાં ઘણા એવા લોકો હતા જેમની કહાની લોકોને ખબર નથી. તાનાજી પણ એવા જ એક લડવૈયા હતા તેમના પરથી આ ફિલ્મ બની છે. ફિલ્મમાં અજય દેવગણ તાનાજીના રોલમાં છે અને કાજોલ રાણી સાવિત્રીનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મમાં સૈફ અલી ખાનની પણ મહત્ત્વની ભૂમિકા છે અને ફિલ્મ દર્શકોને ગમી રહી છે.
કલાકારોઃ અજય દેવગણ, કાજોલ, સૈફ અલી ખાન, નેહા શર્મા, શરદ કેલકર
• નિર્માતાઃ અજય દેવગણ, ભૂષણ કુમાર, કિશન કુમાર
• ડિરેક્ટરઃ ઓમ રાઉત
• સંગીતઃ અજય – અતુલ,
શંકર – અહેસાન – લોય, સચેત – પરંપરા, સંદીપ શિરોડકર

