યુક્રેન પ્લેન ક્રેશઃ ઈરાન વિરુદ્ધ પાંચ દેશોની લિગલ એક્શનની તૈયારી

Thursday 16th January 2020 02:42 EST
 
 

તહેરાનઃ રાજધાની તહેરાનના આંતરરાષ્ટ્રીય મથકથી ઉડાન ભર્યાના થોડા જ સમયમાં ૮ જાન્યુઆરીએ તૂટી પડેલા યુક્રેનના વિમાનની દુર્ઘટનામાં પાંચ દેશના કુલ ૧૭૬ મુસાફરોનાં મૃત્યુ થયાં હતાં. ઇમામ ખોમૈની ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ૮મીએ સવારે ૬:૧૨ કલાકે યુક્રેનની રાજધાની કીવ માટે ઉડાન ભરનાર યુક્રેન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું બોઇંગ ૭૩૭-૮૦૦ વિમાન ક્રેશ થતાં વિમાનમાં સવાર ૯ ક્રૂ મેમ્બર અને ૧૬૭ પ્રવાસીનાં મોત થયાં હતાં.
આ મુદ્દે ઘેરાઇ ગયેલા ઇરાને ૧૨મીએ આખરે કબૂલાત કરી લીધી હતી કે ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના મિસાઇલ હુમલામાં આ કમભાગી વિમાન તૂટી પડયું હતું. ઇરાને જાહેરાત કરી હતી કે, ઇરાનની સેનાનો યુક્રેનનું પ્રવાસી વિમાન તોડી પાડવાનો કોઇ ઇરાદો નહોતો છતાં ઈરાનથી ભૂલ થઈ છે.
ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ જણાવ્યું હતું કે, આ ભયાનક ભૂલ માટે ઇરાનને ઊંડો ખેદ છે. મારી સાંત્વના તમામ શોકાતુર પરિવારો સાથે છે.
ઇરાનની સેનાએ યુક્રેન વિમાન દુર્ઘટનાની તપાસ પૂરી કરી લીધી છે. સેનાની તપાસમાં તારણ અપાયું છે કે, માનવીય ભૂલના કારણે દાગવામાં આવેલી મિસાઇલના કારણે યુક્રેનનું વિમાન તૂટી પડયું અને તેમાં ૧૭૬ નિર્દોષ લોકોનાં મોત થયાં તેનો અમને ઊંડો ખેદ છે. આ એક અક્ષમ્ય ભૂલ છે. અમે આ ભયાનક કરુણાંતિકા માટે જવાબદારોની ઓળખ કરી રહ્યાં છીએ. આ દુર્ઘટનાની પાછળ રહેલા જવાબદારો સામે ખટલા ચલાવાશે.
ઇરાનના વિદેશ પ્રધાન મોહમ્મદ જાવદ ઝરિફે યુક્રેન વિમાન દુર્ઘટના માટે અમેરિકા પણ જવાબદાર હોવાનું જણાવતા કહ્યું હતું કે, એ એક દુઃખદ દિવસ હતો.
ઇરાની સેનાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, અમેરિકાએ કરેલા દુઃસાહસના કારણે સર્જાયેલી કટોકટીમાં થયેલી માનવીય ભૂલથી આ ભયાનક હોનારત સર્જાઇ હતી.

ઇરાન જવાબદારોને સજા કરે, વળતર ચૂકવે: યુક્રેન

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ પ્લેન ક્રેશ મુદ્દે માગ કરી હતી કે, ઇરાન જવાબદારોને સજા કરે અને વળતરની ચૂકવણી કરે. ઇરાન દોષિતો સામે કોર્ટમાં ખટલા ચલાવે. યુક્રેનના ૪૫ નિષ્ણાતોને તમામ સુવિધા પૂરી પાડે અને માફી માગે. હવે સત્ય બહાર આવી ગયું છે. ઇરાન અમને મૃતકોના મૃતદેહ સોંપે અને વળતર ચૂકવે.
મિસાઇલ દાગનાર યુનિટના વડાએ આ ઘટના પછી કહ્યું કે, કાશ હું મરી ગયો હોત તો સારું થાત. ઇરાની એરોસ્પેસ ડિવિઝનના વડા હાજીઝાદેહે જણાવ્યું હતું મને જાણ થઇ કે અમારા દ્વારા કરાયેલા મિસાઇલ હુમલામાં પ્રવાસી વિમાન તૂટી પડયું છે અને તેમાં સવાર તમામ ૧૭૬ લોકોનાં મોત થયાં છે ત્યારે મને એમ થયું હતું કે કાશ હું મરી ગયો હોત તો સારું થાત.

ઇરાન સામે કાનૂની કાર્યવાહી કરવા પાંચ દેશોનો નિર્ણય

ઇરાની મિસાઈલથી યુક્રેનનું વિમાન ભૂલથી તૂટી પડવાની ઘટનામાં જે પાંચ દેશના મુસાફરોએ જીવ ગુમાવ્યા એ પાંચ દેશોએ લંડનમાં એક બેઠક યોજીને ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.
યુક્રેનના વિદેશ પ્રધાન વાડિમ પ્રિસ્તાયકોએ આ જાહેરાત કરી હતી. પ્રિસ્તાયકોએ કહ્યું કે, અમે ઈરાન પાસે જંગી વળતરની માગ કરીશું.
આઠમી જાન્યુઆરીએ ઈરાનની રાજધાની તહેરાન નજીક એક મિસાઈલ હુમલામાં યુક્રેનનું વિમાન તૂટી પડ્યું હતું. પ્રિસ્તાયકોએ આક્રોશભેર જણાવ્યું હતું કે, યુક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું વિમાન તેમના મિલિટરી બેઝ નજીકથી પસાર થતું હોવાથી તોડી પડાયું હતું, જે એક ભૂલ હતી. આ પ્રકારની ઈરાનની કબૂલાત મૂર્ખતાપૂર્ણ છે.


comments powered by Disqus