રણવીર સિંહની ફિલ્મ ‘૮૩’ એપ્રિલ મહિનામાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું પ્રમોશન શક્યતઃ માર્ચ મહિનાથી શરૂ થશે. તેમ માનવામાં આવે છે. હવે, રણવીર સિંહ આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ના શૂટિંગમાં વ્યસ્ત થયો છે. આ ફિલ્મમાં રણવીર સિંહ ગુજરાતીનો રોલ નિભાવી રહ્યો છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક થોડાં સમય પહેલાં રિલીઝ થયો હતો. આ ફિલ્મથી તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની એક્ટ્રેસ શાલિની પાંડે બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. ‘છપાક’ના સ્ક્રીનિંગ બાદ ફિલ્મનું શૂટિંગ શિડ્યુલ ગુજરાતમાં નક્કી થયું છે અને રણવીર, શાલિની, બમન ઈરાની સહિતના કલાકારો શૂટિંગ માટે કચ્છમાં પહોંચી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે રણવીરનો ગુજરાતમાં પ્રશંસક વર્ગ મોટો છે. તેથી લોકેશન પર પણ મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડવાની સંભાવના પહેલેથી દર્શાવાઈ હતી. રણવીર ફિલ્મ વિશે કહે છે કે, ચાર્લી ચેપ્લિને એક વાર કહ્યું હતું કે જો તમારે હસવું હોય તો તમારામાં દુઃખ સહન કરવાની શક્તિ હોવી જોઈએ. જયેશભાઈ પણ આવો જ હીરો છે, જે સામાન્ય વ્યક્તિ છે અને મુશ્કેલીમાં અસાધારણ કામ કરે છે. જયેશભાઈ સંવેદનશીલ તથા કરુણાસભર છે. જયેશભાઈ સમાજમાં ઊંડે સુધી ખૂંપેલા પિતૃસત્તાક સિદ્ધાંતોમાં નહીં, પરંતુ મહિલાઓ તથા પુરુષોના સમાન હકમાં માને છે. જયેશભાઈ એક પડકારજનક રોલ છે અને આ પહેલાં ક્યારેય આ પ્રકારનો રોલ કર્યો નથી.
યશરાજ બેનર હેઠળ આ ફિલ્મ બનશે
દિવ્યાંગ ઠક્કર ‘જયેશભાઈ જોરદાર’ના ડિરેક્ટર છે અને યશરાજ બેનર પ્રોડ્યુસર છે. આ ફિલ્મના શૂટિંગ બાદ રણવીર સિંહ ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘તખ્ત’નું શૂટિંગ શરૂ કરશે.

