“જીવનમાં સુખ-દુ:ખ, ચઢાવ-ઉતાર તો ચાલતા જ રહેવાના, દરેક પરિસ્થિતિને સહજપણે સ્વીકારીને હિંમતભેર તેનો સામનો કરવો" પોતાના માતાની આ શીખ અક્ષરસ: જીવનમાં ઉતારી, પોતાની ફરજ બજાવતાં રહેતાં ઇન્દિરા ચૌહાણ (ઠકરાર) એ પોતાની કેડી કઇ રીતે કંડારી આગળ વધ્યા એની સાહસ કથા આજે આપની સમક્ષ લઇને આવી છું વાચક મિત્રો!
સામાન્ય રીતે મહિલાઓ ભાગ્યેજ એન્જીનીયર કોલેજમાં અભ્યાસ કરવાનું પસંદ કરે પરંતુ પહેલેથી જ કંઇક અલગ કરવાની ખેવના રાખતાં આ લોહાણાની દિકરીએ એ લાઇનમાં જવાનો મક્કમ નિર્ધાર કર્યો. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી સીવીલ એન્જીનીયર બન્યા બાદ સ્થાનિક કન્સ્ટ્રક્ટશન કંપનીમાં અનુભવ મેળવ્યો. ત્યાર બાદ લગભગ ૧૯૯૯માં લંડન આવ્યાં. શરૂઆતમાં આપણા "ગુજરાત સમાચાર"ના તંત્રીમંડળમાં ફરજ બજાવી. ૨૦૦૨ સુધી અમે સહકર્મચારી રહ્યાં. સરળ અને નમ્ર સ્વભાવ, પ્રસન્ન ચહેરો તેમજ સૌ સાથે મૈત્રી રાખતાં ઇન્દિરાબહેનના નાની બહેન મીતા રાજાણી લંડનમાં રહેતાં હતાં જેમણે ૧૯૯૮માં ભરતભાઇ ચૌહાણ સાથે ઇન્દિરાબહેનનો પરિચય કરાવ્યો. એમનાં માતા-પિતા અત્રે આવી શકે એમ ન હોવાને કારણે હાલના મેનેજીંગ તંત્રી કોકિલાબહેને એમનું કન્યાદાન કરવાનું પુણ્ય મેળવ્યું હતું.
૨૦૦૨ બાદ પોતાના વ્યાખ્યાતાના વ્યવસાયમાં જવા માટે ઇન્દિરાબહેને ઇસ્ટલંડન યુનિવર્સિટીમાંથી એક વર્ષનો ફુલ ટાઇમ PCET post 16 નો અભ્યાસ કર્યો.
તેઓ બે બાળકોના મા-બાપ બન્યાં. વર્ષો આનંદપૂર્વક વીતતાં હતા - પણ વિધિની વક્રતા તો જુઓ! અચાનક એમનાં પતિ ભરતભાઇને કેન્સરનો રોગ લાગુ પડ્યો. ઓક્ટોબર ૨૦૧૧માં નાના ભૂલકાંઓ (૧૧ વર્ષની ઊર્જા અને ૫ વર્ષનો ઋજવ) મૃત્યુ શું ચીજ છે એ સમજે તે પહેલાં તો એમના માથેથી પિતાની છત્રછાયા ઉઠી ગઇ. ઇન્દિરાબહેનના જીવનમાં અકલ્પ્ય મુશીબતનો પહાડ તૂટ્યો. પરંતુ માતાની શીખ જીવનમાં ઉતારી, આવેલ પરિસ્થિતિનો સામનો કરવા કટિબધ્ધ બન્યાં. એમના આ કપરાં કાળમાં નાની બહેન મીતાનો ખૂબ જ સહકાર રહ્યો છે. સહનશક્તિની મૂરત કહેવાતી સ્ત્રીઓમાં જીવનના આકરામાં આકરા પડકાર ઝીલવાની સમર્થતા હોય છે એના ઘણાં ઉદાહરણો સમાજમાં જોવા મળે છે.
છેલ્લા પંદરેક વર્ષથી લંડનના પશ્ચિમે ઇલિંગ ખાતે આવેલ યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડનમાં વ્યાખ્યાતા તરીકે તેઓ ફરજ બજાવે છે. વ્યાખ્યાતા તરીકે એમણે અનેક યુવા વિધ્યાર્થીઓને એન્જીનીયરીંગ અને બાંધકામના ક્ષેત્રમાં ઝંપલાવવાની પ્રેરણા
આપી છે.
મંદી પછીના બ્રિટનમાં આજે પણ બાંધકામ ક્ષેત્રે યોગ્ય ગ્રેજ્યુએટોની ઉણપ વરતાય છે. અને એમાંય મહિલાઓ તો હજુ આ ક્ષેત્રમાં આવતા અચકાય છે. એક મહિલા ઇજનેર તરીકે ઇન્દિરાબહેને યુવતીઓને પ્રેરણા આપવા અનેક વર્કશોપ્સ અને સેમિનારોનું આયોજન કરેલ છે. દર વર્ષે તેઓ અનેક હાઇસ્કુલો અને સિક્સ્થ ફોર્મ કોલેજોમાં જઇને પોતાના ઇજનેરી અનુભવોની વાતો કરે છે. યુવતીઓ માટે પણ આ ક્ષેત્ર એટલું જ પ્રભાવી અને આકર્ષક છે એવું ભારપૂર્વક જણાવે છે.
યુનિવર્સિટીમાં લેકચરર તરીકે જોડાયાં ત્યારે શરૂઆતના વર્ષોમાં કપરાં ચઢાણો ચડવા પડ્યા હતા. વર્ગમાં બાંધકામની થિયરી તો
શીખવાડાતી હતી પણ બાંધકામ નિહાળવાનો મોકો વિધ્યાર્થીઓને મળતો ન હતો. ઇલિંગની આજુબાજુમાં અનેક મોટા પ્રોજેક્ટો ચાલી રહ્યા હતા જે પ્રત્યક્ષ જોઇ શકાય એ માટે એમણે ઝૂંબેશ ઉઠાવી. પરવાનગી મેળવવી એ અઘરું કામ હતું પરંતુ હાર માને એ બીજા!
ઇન્દિરાબહેને "હાર્ડ હેટ" માથે પહેરીને દરેક મોટી કન્સ્ટ્રક્શન કંપનીની સાઇટ પર જઇને પોતાનો મુદ્દો રજુ કર્યો.
માંડ પાંચ ફૂટની આ ગુજ્જુ મહિલાની હિંમત જોઇ મજાલ છે કોઇની કે વિધ્યાર્થીઓને આવવાની ના પાડી શકે!
એમના આ પ્રયત્નોથી માત્ર ઇલિંગ જ નહિ લંડનના અનેક મોટા બિલ્ડરો UWL ના વિધ્યાર્થીઓને પોતાની બાંધકામ સાઇટ પર આમંત્રિત કરે છે. એથી આગળ વધીને તેમના ડીપાર્ટમેન્ટમાં એક "ઇન્ડસ્ટ્રી એડવાઇઝરી બોર્ડ "ની સ્થાપનામાં પણ એમણે અગ્ર ભાગ ભજવ્યો. બોર્ડની કંપનીઓ હવે નિયમિત સેમિનારોનું આયોજન વિધ્યાર્થીઓ માટે કરે છે. તાજેતરમાં અથાક્ પરિશ્રમના અંતે એક નવો કોર્સ શરૂ કરવામાં તેમને સફળતા મળી છે. "ચાર્ટર્ડ સર્વેયર ડીગ્રી એપ્રેન્ટીસશીપ" તરીકે ઓળખાતા આ કોર્સને RICS (રોયલ ઇનસ્ટીટ્યુટશન ઓફ ચાર્ટર્ડ સર્વેયર્સ )ની સ્વીકૃતિની મહોર મળી ગઇ છે. બિલ્ડીંગ સર્વેયરની ઓફિસમાં કામ કરતા યુવક-યુવતીઓ પાર્ટટાઇમ ધોરણે આ કોર્સ કરી શકશે. માત્ર વહિવટીય કામ કરવાને બદલે તેઓ ચાર્ટર્ડ સર્વેયર બનવાની દિશામાં પગરણ માંડી શકશે.
આ વાતનો ગર્વ અને આનંદ તેમના માટે કોઇપણ એવોર્ડથી વિશેષ છે. ધન્ય છે ઇન્દિરાબહેન તમને!
આપ આવા કોઇ ભાઇ-બહેનને જાણતા હો કે જેમણે સમાજમાં જરા હટકે.. કરવાની દિશામાં પહેલ કરી હોય તો જરૂર અમારો સંપર્ક સાધજો. Email: [email protected]

