કેલિફોર્નિયામાં વિનાશક વાઈલ્ડ ફાયરમાં ૩૧નાં મોત

Wednesday 16th September 2020 09:20 EDT
 
 

કેલિફોર્નિયાઃ અમેરિકામાં એક-બે મહિનાથી જંગલોમાં શરૂ થયેલો દાવાનળ વિનાશ વેરી રહ્યો છે. અમેરિકામાં પશ્ચિમ કિનારા રાજ્યો - કેલિફોર્નિયામાં હાહાકાર મચાવી રહેલા દાવાનળનું વિકરાળ સ્વરૂપ ફાયરનાર્ડોમાં તબદીલ થયાના અહેવાલ છે. સામાન્ય રીતે ફ્લોરિડા અને દક્ષિણના રાજ્યોમાં ત્રાટકતાં ટોર્નેડોથી આપણે પરિચિત છીએ પરંતુ દાવાનળની સાથે ચકરાવા લઈ ફુંકાઈ રહેલા પવનો આગની સ્થિતિને વધુ વિકટ બનાવી રહ્યા છે.
ફાયરનાર્ડોનું વિકરાળ સ્વરૂપ સંભવિત અમેરિકનો પણ પહેલીવાર જોઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં દાવાનળના કારણે પશ્ચિમી તટના રાજ્યોમાં ૩૫થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. વિનાશક વાઇલ્ડફાયરમાં ૩૧ લોકોની જિંદગી હોમાઈ ગઈ છે. જે રીતે આગની જ્વાળાઓ વધુને વધુ વિસ્તારોમાં લપકારા લઈ રહી છે તે જોતાં મૃત્યુઆંક વધવાની સંભાવના છે. કેલિફોર્નિયા અને ઓરેગોનમાં સૌથી વધુ મોત થયાં છે. લાખો મકાનો આગમાં સળગીને ખાખ થઈ ગયાં છે. હજારો લોકોએ આગથી બચવા પલાયન શરૂ કર્યું છે. ૧૪,૦૦૦થી વધુ ફાયર ફાઇટર્સ અને ૯૦થી વધુ હેલિકોપ્ટર્સ યુદ્ધનાં ધોરણે આગને કાબૂમાં લેવા પ્રયાસો કરી રહ્યા છે. ઓરેગોન, કેલિફોર્નિયા અને વોશિંગ્ટનમાં ૧૦ લાખથી વધુ લોકોને સલામત સ્થળે લઈ જવાયા છે. કેટલાક સળગી ગયેલા મૃતદેહો મળી આવ્યા ઓરેગોનના સત્તાએ સામૂહિક મૃત્યુની શક્યતાને ધ્યાનમાં લઈને કેટલીક પૂર્વ તૈયારી કરી છે. એકલા ઓરેગોનમાં જ ૪૦,૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. પોર્ટલેન્ડમાં સ્થિતિ ગંભીર બની રહી છે. આગની જ્વાળાઓ હવે ન્યૂ જર્સી તરફ જઈ રહી છે.

કેલિફોર્નિયામાં ૨૮થી વધુ દાવાનળ સક્રિય

કેલિફોર્નિયામાં ૨૮થી વધુ દાવાનળ સક્રિય છે પરિણામે ૪૩૭૫ માઈલ વિસ્તાર સળગીને ભસ્મ થઈ ગયો છે. ૧૬,૦૦૦ ફાયર ફાઈટર્સ કામે લગાડાયા છે. કેલિફોર્નિયામાં જ ૨૨ લોકોનાં મોત થયાં છે.


comments powered by Disqus