કોરોના મહામારીએ વિશ્વના દેશોમાં સામાન્ય જિંદગીમાં ભારે પરિવર્તન લાવી દીધું છે. અત્યાર સુધી એમ કહેવાતું આવ્યું છે કે ‘પ્રીવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર’ જોકે, કોરોના મહામારીના સંદર્ભમાં હવે નવું સૂત્ર એ આવ્યું છે કે ‘ક્યોર ઈઝ વર્સ ધેન ધ ડિસીઝ’. વિશ્વભરની સરકારોએ કોરોના સંક્રમણના પ્રસારને અટકાવવા માટે લોકડાઉનના નિયંત્રણો લાદી દીધા પરંતુ, લાંબા ગાળે તેની આર્થિક અસર મહામારી કરતાં પણ વધી જશે તેમ કહેવાય છે. જાહેર આરોગ્યનું રક્ષણ કરવા જતા રાષ્ટ્રીય તંદુરસ્તીને ભારે અસર પહોંચી હોવાનું કહી શકાય. નોંધપાત્ર બાબત એ છે કે NHSમાં છેક માર્ચ મહિનાથી કોરોના બીમારીની સારવાર પાછળ અન્ય શારીરિક સમસ્યાઓ અને બીમારીઓ તરફ ધ્યાન આપી શકાયું નથી. આના પરિણામે, આગામી વર્ષોમાં કાર્ડિયોવાસ્કુલર ડિસીઝ, ડાયાબિટીસ, કેન્સર, માનસિક આરોગ્ય અને ડિમેન્શિયાના દર્દીઓ વધુ પ્રમાણમાં જોવાં મળે તેમાં કોઈ નવાઈ નહિ રહે.
ભારતની વાત કરીએ તો વિશ્વમાં ૨.૯૫ કરોડ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે અને તેનાથી મૃત્યુ પામનારાની સંખ્યા ૯૩૩,૩૪૦ થઈ છે. આની સામે ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૪૯,૩૦,૨૩૬ને પાર થઈ છે અને મૃતકોની સંખ્યા ૮૦,૮૦૦ની થઈ છે. દેખીતી રીતે જ આંકડો મોટો છે પરંતુ, ભારતની વસ્તીને ધ્યાનમાં લઈએ તો પ્રતિ ૧૦ લાખ લોકોએ મૃત્યુદર ૫૮નો થયો કહેવાય. શહેરોની સરખામણીએ ખુલ્લાં ગ્રામ્ય વિસ્તારોમાં મૃત્યુસંખ્યા પ્રમાણમાં ઓછી જણાય છે. ભારતમાં મૃત્યુઆંક ઓછો રહેવાનું મૂળ કારણ એ કહી શકાય કે ભારતીયોના શારીરિક બંધારણ, આબોહવા, આહાર વગેરેના કારણે જન્મજાત રોગપ્રતિકાર શક્તિ (ઈમ્યુનિટી) ઘણી ઊંચી છે. બાકી, દેશની વસ્તીના પ્રમાણમાં અહીં આરોગ્યસંભાળની સેવા અપૂરતી જ છે, સાધનો પણ ટાંચા છે અને ખાનગી હોસ્પિટલોનો ખર્ચ સામાન્યજનને પોસાય નહિ.
સરખામણી કરીએ તો યુકેમાં ૩૭૧,૧૨૫ સંક્રમિતોની સામે ૪૧,૬૩૭નો મૃત્યુઆંક જોવા મળ્યો છે અને પ્રતિ ૧૦ લાખ લોકોએ મૃત્યુદર ૬૧૩નો થયો છે. યુકે વેલ્ફેર સ્ટેટ છે જેમાં પ્રજાના આરોગ્યની જવાબદારી સરકાર સંભાળે છે. આરોગ્ય પાછળ બજેટમાં જીડીપીના ૭.૯ ટકાની માતબર ફાળવણી કરવામાં આવે છે. નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ને બજેટમાં સૌથી વધુ ફાળવણી કરવામાં આવે છે. NHSની સ્થાપના ૧૯૪૮માં કરાઈ ત્યારે તેનું વાર્ષિક બજેટ માત્ર ૪૩૭ મિલિયન પાઉન્ડ હતું જે આજે વધીને વાર્ષિક ૧૪૦ બિલિયન પાઉન્ડથી પણ વધારે છે. આમ છતાં, યુકેમાં મૃત્યુઆંક વધારે છે અને તેમાં પણ ભારતીયો સહિત સાઉથ એશિયન્સમાં ૬૦ વર્ષથી વધુ વયના વડીલવર્ગમાં કોરોના સંક્રમણ અને પરિણામસ્વરુપ મોતનું પ્રમાણ ઊંચુ રહ્યું છે. આના ઘણાં કારણો અને પરિબળો છે. યુકેમાં રહેતા સાઉથ એશિયનો કે ભારતીયોનો પરિવાર અને દિલ મોટા હોય છે પરંતુ, ઘર નાના હોય છે. ઓછાં હવાઉજાસ સાથેના નાના ઘરમાં સાથે રહેવાથી સંક્રમણ સ્વાભાવિકપણે લાગતું અને વધતું રહે. અભ્યાસની પરિસ્થિતિ તો હમણાં સુધરી છે પરંતુ, અંગ્રેજી ભાષાની પૂરતી જાણકારીના અભાવે આરોગ્ય જાળવણીની સમજ પણ ઓછી રહે. આવક પણ ઘણી સારી ન કહી શકાય. બીજી તરફ, મોતને ભેટેલા કોરોના વોરિયર્સમાં પણ ભારતીયોની સંખ્યા ઓછી નથી.
બ્રિટનમાં કપરા કોરોના કાળમાં વડીલોને અને લગભગ તમામ વયજૂથના લોકોને સૌથી મોટી સમસ્યા એકલતાની નડી છે. ઘરની બહાર નીકળવું નહિ, કોઈને મળવું નહિ, દેવદર્શન કરવા પણ જવાય નહિ, સમવયસ્કો સાથે લાગણીઓની આપ-લે કરી શકાય નહિ. આ બધી સમસ્યા વડીલોએ લોકડાઉનમાં ભોગવી છે. એકલતાની પીડાના કારણે માનસિક આરોગ્યને પણ ભારે અસર થાય છે. આજે પણ નિયંત્રણો હળવાં થવાં છતાં, લોકો ઘરની બહાર નીકળતા ગભરાટ અનુભવે છે કારણ કે કોણ વાઈરસથી સંક્રમિત છે કે નથી તે આજે પણ અલગ તારવી શકાતું નથી. જોકે, આપણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એ સલાહને ધ્યાનમાં લેવી જ રહી કે ‘જાન હૈ તો જહાન હે’.
આમ પણ યુકેમાં પરિવાર વ્યવસ્થા એવી છે કે સંતાનોના નોકરી કે અભ્યાસ સહિતના કારણોસર ૨૦થી ૨૨ ટકા જેટલા વડીલો - પેરન્ટ્સને એકલા અથવા કેર હોમ્સમાં રહેવાની ફરજ પડે છે. કેર હોમ્સમાં પણ કાળજી સારી જ લેવાય છે પરંતુ, આંગળીથી નખ તો વેગળાં જ કહેવાય. આમ છતાં, કોરોના કાળમાં સામાજિક સંસ્થાઓ અને કોમ્યુનિટી સંગઠનોએ સારી સેવા બજાવી છે. લોકોના સ્વાસ્થ્યની ચિંતા, દવાઓ અને કરિયાણું લાવી આપવું, તૈયાર ભોજન પહોંચાડવું સહિતની સેવાના કારણે મોટા ભાગના વડીલો હેમખેમ રહી શક્યા છે. સરકાર તો બનતું બધું જ કરે છે કારણ કે તેની ફરજ છે પરંતુ, સમાજસંસ્થાઓ માનવતાની લાગણીથી દોરવાઈને કામ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં અધ્યાત્મને વિશેષ મહત્ત્વ અપાયું છે ત્યારે મંદિરોએ પણ ટેકનોલોજીના ઉપયોગ થકી પોતાની રીતે શક્ય તમામ પ્રયાસો કરેલા છે. જોકે, હજુ વધુ પ્રયાસ કરીને વડીલોના ચહેરા પર હાસ્યની સુરખી લાવવામાં આપણે સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ કારણ કે આપણે બધા કાળજી નહિ લઈએ તો કોરોના ફરીથી વિકરાળ મોં ફાડીને આગળ વધવા તૈયારી કરી જ રહ્યો છ. તેનું સ્વરુપ અગાઉ જેટલું ખરાબ નથી પરંતુ, રોગ અને શત્રુને ઉગતા જ ડામવા જોઈએ તેમ ચાણક્ય કહી ગયા છે.