નરેન્દ્ર મોદીની અકબંધ લોકપ્રિયતા

Tuesday 15th September 2020 12:50 EDT
 

કોરોના મહામારીએ વિશ્વના રાજકારણીઓની લોકપ્રિયતાના ગઢના કાંગરા ખેરવી નાખ્યા છે. બ્રિટનના બોરિસ જ્હોન્સન, જાપાનના વિદાય લઈ રહેલા શિન્જો આબે, જર્મનીના એન્જેલા મર્કેલ, ફ્રેન્ચ પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોં હોય કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, આ તમામની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. આ વિશ્વનેતાઓની સરખામણીએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અકબંધ રહી છે જેમાં, કોઈ ઘટાડો થયો નથી. આગામી ૧૭ સપ્ટેમ્બરે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીનો ૭૦મો જન્મદિન છે. જેમને લોકો પણ આગામી વડા પ્રધાન તરીકે સત્તાધૂરા સોંપવા તત્પર છે. તાજેતરમાં ઈન્ડિયા ટુડે દ્વારા ‘મૂડ ઓફ ધ નેશન’ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં, ૬૬ ટકા લોકોએ આવી ઈચ્છા વ્યક્ત કરી છે. બીજી પસંદ તરીકે યુવાનેતા રાહુલ ગાંધીનું નામ અવશ્ય હતું પરંતુ, તેઓ મોદીથી જાણે જોજનો દૂર (૮ ટકા) રહ્યા હતા.
ભારત કોવિડ મહામારી, ચીન સાથે સરહદી તંગદીલી, બેરોજગારી, આર્થિક વિકાસમાં પીછેહઠ જેવી સમસ્યાઓથી ઘેરાયેલું છે ત્યારે પણ લોકમિજાજમાં ૭૮ ટકાના જબ્બર રેટિંગ સાથે મોદીની લોકપ્રિયતા અકબંધ છે. માત્ર પાંચ ટકાને મોદીની કામગીરીથી અસંતોષ હોવાનું સર્વેએ દર્શાવ્યું હતું. એવું નથી કે મોદીની લોકપ્રિયતા શહેરોમાં વધુ છે ખરેખર તો ગ્રામ્ય વિસ્તારોમાં તેમની લોકપ્રિયતા સૌથી વધુ છે. ગુજરાતના પનોતા પુત્ર હોવાના કારણે રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન લોકપ્રિય છે પરંતુ, દક્ષિણ ભારતને બાદ કરતા દેશના મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં મોદી... મોદી... મોદીની ગુંજ યથાવત છે.
પ્રશ્ન એ થાય કે આમ શા માટે? લોકમાનસ અકળ અને વિચિત્ર છે. દેશની પ્રજા ગરીબી અને રોગચાળાની ભીંસ અનુભવી રહી છે પરંતુ, તેના માટે મોદીને દોષિત ઠરાવવા જરા પણ તૈયાર નથી. તેઓ પણ એ જ કહે છે કે મોદીના હાથમાં ભલે જાદુઈ છડી નથી પરંતુ, લોકકલ્યાણના કામો કરવામાં દિવસરાત પાછું વળીને જોતાં નથી. તેઓ કહી શકે છે કે કાશ્મીરને ફરી ભારત સાથે જોડવા આર્ટિકલ ૩૭૦ની નાબૂદી જેવાં બંધારણીય પગલાં, રામમંદિરનું નિર્માણ, મહિલાઓ અને ખાસ કરીને મુસ્લિમ મહિલાની સામાજિક સ્થિતિ સુધારવા ટ્રિપલ તલાક પ્રથાનો અંત સહિતના પગલા અગાઉની સરકારો પણ લઈ શકી હોત પરંતુ, મોદી જેવી રાજકીય ઈચ્છાશક્તિનો ત્યારના નેતાઓમાં અભાવ હતો. હા, કોંગ્રેસના એક માત્ર વડા પ્રધાન નરસિંહ રાવે દેશને ઉદારીકરણને ભેટ આપી હતી.
ચીન કે પાકિસ્તાન સાથે તંગદીલીની વાત કરીએ તો અગાઉની સરકારોની સરખામણીએ મોદી સરકારે અત્યંત સખત વલણ અપનાવ્યું છે જેની કલ્પના સુદ્ધાં આ પડોશી દેશોએ કરી નહીં હોય. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઈકની કલ્પના કોણે કરી હશે? ચીને લડાખ સરહદે અડપલાં કરવાના શરુ કર્યા તેની સાથે ભારતીય સેના અને શસ્ત્રસરંજામને ગોઠવી દેવામાં જરા પણ વિલંબ કરાયો નથી. લશ્કરને સંપૂર્ણ છૂટો દોર આપી દેવાતા તેમની છાતી પણ દુશ્મનના દાંત ખાટા કરવાની સજ્જતા સાથે ગજ ગજ ફૂલી છે. એટલું જ નહિ, ચીનને સમગ્ર વિશ્વમાં એકલું અટુલું પાડી દેવાની તેમની વિદેશનીતિ રંગ લાવી છે અને અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા જેવા દેશો ચીનનો સામનો કરવા ભારત સાથે હાથ મિલાવી રહ્યાં છે. એક સમયે ભારતને મિત્ર અને ચીનને ભાઈ ગણાવનારા રશિયાએ પણ ભારતની તરફેણ કરવી પડી છે.
વિપક્ષી નેતાઓ મોદીને પરાજિત કરવાના અવનવા પેંતરા કરતા રહે છે. મોદીને નેશનાલિસ્ટ ગણાવાનો જરા પણ છોછ નથી. દેશમાં રહીને પ્રામાણિક નાગરિક તરીકે દેશની વાત કરીએ તેમાં ખોટું શું છે? આજે વિરોધ પક્ષોને મોદી અને ભાજપ પાસેથી સત્તા છીનવવી છે. સ્વાભાવિક છે. કોઈ પણ રાજકીય પક્ષ સત્તા હાંસલ કરવા માટે જ રણમેદાનમાં રહે છે. મૂળ પ્રશ્ન એ છે કે લોકો તેમનામાં કેટલો વિશ્વાસ મૂકે છે.
ભારતના રાજકીય નેતાઓની વાત કરીએ તો નરેન્દ્ર મોદીને જોરદાર લડત આપી શકે તેવો કોઈ નેતા નજરમાં આવતો નથી. શરદ પવાર કે મમતા બેનરજીનો એક સમય આવ્યો હતો પરંતુ, અન્ય નેતાઓ ટાંટિયાખેંચમાંથી બહાર આવ્યા નહિ. એક માત્ર કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી તરફ નજર જાય છે પરંતુ, તેમનામાં રાજકીય પરિપક્વતા ઓછી અને બાલિશતા વધારે છે કારણ કે તેઓ પોતાની પાર્ટીની જ ધૂરા સંભાળવા તૈયાર થતા નથી. મોદીને હટાવવા માટે વિપક્ષને તેમની સમકક્ષ કરિશ્મા, મહત્વાકાંક્ષા, અખૂટ ધીરજ અને નવા વિચારો ધરાવતા નેતાની જરુર પડશે જે ગુણો વર્તમાન કોઈ વિપક્ષી નેતામાં જણાતા નથી.
નરેન્દ્ર મોદીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ લોકનાડ પારખવાનો છે. તેઓ દેશવાસીઓ સાથે સીધો સંપર્ક જાળવવામાં માને છે અને આ માટે તેમણે ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમનો આરંભ કર્યો છે. તેઓ લોકો અને ખાસ કરીને યુવાનો પાસેથી આઈડિયા મંગાવે છે, સરકારે શું કરવું જોઈએ, લોકો શું કરી શકે તેના વિશે તેઓ દર મહિનાના છેલ્લા રવિવારે કોઈ વિચાર વિશે વાત કરે છે અને ૨૭ સપ્ટેમ્બરે તેમનો ૬૯મો કાર્યક્રમ રજૂ થવાનો છે. દેશના કોઈ નેતાએ આવી પહેલ કરી હોય એ તમને યાદ આવે છે ખરું?
રાજીવ ગાંધીએ ‘મિ. ક્લીન’ તરીકે સત્તા સંભાળી હતી પરંતુ, તેમની સરકારના ઘણા કૌભાંડો બહાર આવ્યા હતા. નરેન્દ્ર મોદીની અંગત છબી તદ્દન સ્વચ્છ છે અને તેઓ કોઈ ભ્રષ્ટાચારમાં ખરડાયા નથી કે ઉત્તેજન આપતા નથી તે તો તેમના વિરોધીઓ પણ સ્વીકારે છે. આમ છતાં, કોઈ પણ વ્યક્તિ અભેદ કે અપરાજિત હોતી નથી. જેની ડિક્શનરીમાં ‘અશક્ય’ શબ્દ ન હતો તેવા લશ્કરી વ્યૂહરચનાના નિષ્ણાત નેપોલિયનને પણ રશિયા અને બ્રિટન સામે પરાજય વેઠવો પડ્યો હતો. જોકે, આ પરાજય નેપોલિયનની પોતાની ભૂલના કારણે જ થયો હતો. નરેન્દ્ર મોદી પણ સદા વિજેતા રહી શકશે નહિ તે સ્વાભાવિક છે પરંતુ, આજે તેમનો દબદબો છે તે હકીકત પણ કોઈ નકારી શકશે નહિ. મોદીનો પરાજય માત્ર મોદી જ લાવી શકશે તેમ અત્યારે કહી શકાય.


comments powered by Disqus