ઉત્તર પ્રદેશમાં નાગરિકતા કાયદા (સીએએ) વિરોધી દેખાવો દરમિયાન હિંસા અને મિલકતોને નુકસાન કરવામાં સંડોવાયેલા લોકોના વ્યક્તિસ્વાતંત્ર્ય અને ગોપનીયતાનો મુદ્દો દેશભરમાં અને અદાલતોમાં છવાયો છે. કાયદાના વિરોધમાં થયેલી હિંસામાં ઉત્તર પ્રદેશમાં જ ૧૯ લોકોએ જાન ગુમાવ્યા છે તેમના જીવતા રહેવાના અધિકારોની વાત ભલે ન થાય, આરોપીઓના અધિકારો પર તરાપ વાગવી ન જોઈએ એવું માનસ ગંભીર ઘટના છે.
મૂળ મુદ્દો એ છે કે ઉત્તર પ્રદેશમાં નાગરિકતા કાયદા વિરોધી દેખાવોમાં સંપત્તિની તોડફોડ અને નુકસાન કરાયું તે સંદર્ભે યોગી આદિત્યનાથ સરકારે કથિત ૫૭ હુલ્લડખોરોને શરમજનક પરિસ્થિતિમાં મૂકવા તેઓની તસવીર, નામ અને સરનામા સાથેના પોસ્ટર લખનૌના ચાર રસ્તાઓ પર લગાવ્યા હતા અને ૧.૫ કરોડ રૂપિયાથી વધુના વળતરની માગણી પણ કરાઈ હતી. આ હુલ્લડખોરોને તોડફોડ કરતી વખતે તો શરમ આવી નહિ કે અન્ય લોકોના મૂળભૂત અધિકારો યાદ આવ્યા નહિ કે માણસાઈ દેખાડી નહીં પરંતુ પોતાની તસવીરો મૂકાઈ તેની સાથે પોતાની પ્રાઈવસી કે ગોપનીયતાનો ભંગ થાય છે કે વ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ વાગી છે તે તત્કાળ યાદ આવી ગયું. સરકાર તરફે સોલિસિટર જનરલે દલીલ કરી કે ‘હાથોમાં બંદૂક લઈ હિંસા આચરનારાને પ્રાઈવસીનો અધિકાર હોઈ ન શકે’, આમ કરવા સાથે તેઓ અધિકારો ગુમાવે છે. કોર્ટનું વલણ એ છે કે આરોપીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થઈ શકે પરંતુ, તસવીરો લગાવવાને કોઈ કાનૂની પીઠબળ નથી.
નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ આંદોલનો થઈ રહ્યા છે. આંદોલન થવા સામે વાંધો કે વિરોધ ન હોઈ શકે પરંતુ, તે શાંતિપૂર્ણ હોવાં જોઈએ. આંદોલન કે પ્રદર્શનોમાં હિંસા કે તોડફોડ ન થવાં જોઈએ તે બાબતે સુપ્રીમ કોર્ટ પણ મક્કમ છે. આમ છતાં, જે કરવું જોઈએ તેને કાનૂની સમર્થન પણ હોવું આવશ્યક છે. આથી જ, સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશને સરકારને કહેવું પડ્યું છે કે સરકારની ચિંતા સમજી શકાય તેવી છે પરંતુ, લખનૌ સહિતના શહેરોમાં નાગરિકતા કાયદા વિરોધી દેખાવોમાં તોડફોડ કરનારા આરોપીની તસવીરો સાથેની વિગતો જાહેરમાં મૂકાઈ છે તેને કોઈ કાયદાનું પીઠબળ નથી.
બીજી તરફ, કોર્ટની વેકેશન બેન્ચે કથિત દેખાવકારોને ‘તિરસ્કૃત’ કરી સરકાર તેમના વ્યક્તિગત કે પ્રાઈવસીના સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારને ફગાવી દઈ શકે કે કેમ તેની વિસ્તૃત વિચારણા કરવા સરકારની અપીલને મોટી બેન્ચને સોંપવાનો પણ નિર્ણય કર્યો છે. તે પણ સ્પષ્ટ કરે છે કે સુપ્રીમ કોર્ટ દેખાવકારોના વ્યક્તિ સ્વાતંત્ર્ય અને જાહેર કે ખાનગી સંપત્તિને નુકસાન કરવાના ‘અધિકાર’માંથી શું ચડિયાતું છે તેનો નિર્ણય લેવા માટે પણ પ્રતિબદ્ધ છે.
સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ વલણના કારણે ઉત્તર પ્રદેશ સરકારે હવે રાજકીય વિરોધ કે ગેરકાયદે આંદોલનો દરમિયાન જાહેર અને ખાનગી જાહેર સંપત્તિને કરાતા નુકસાનની વસૂલાત કરવાનો વટહુકમ લાવવાની તજવીજ હાથ ધરી છે. આ વટહુકમના સામાવિષ્ટ નિયમોના પરિણામે સરકારનો ‘નેઈમ એન્ડ શેઈમ’નો માર્ગ ખુલ્લો થઈ શકશે.