ધોનીઃ નિવૃત્તિની જાહેરાતમાં પણ ‘કેપ્ટન કૂલ’

Wednesday 19th August 2020 06:34 EDT
 

ભારતમાં ક્રિકેટની રમતનું આગમન ભલે બ્રિટિશરો દ્વારા થયું પરંતુ, વર્તમાનમાં ભારતમાં ક્રિકેટના સૌથી વધુ ચાહકો છે. આ ચાહકોને ‘કેપ્ટન કૂલ’ તરીકે પ્રખ્યાત થયેલા મહેન્દ્રસિંહ ‘માહી’ ધોનીએ ૧૫ ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત સાથે મોટો આંચકો આપ્યો છે. આ સાથે છેલ્લા એક વર્ષથી તેના ક્રિકેટભાવિ વિશે ચાલતી અટકળોનો અંત આવી ગયો છે. સૂર્યોદયની સાથે સૂર્યાસ્ત નિશ્ચિત હોય છે તેમ કોઈ પણ ખેલાડીનું નિવૃત્ત થવું પણ નિશ્ચિત હોય છે. કેટલાકને ધકેલવા પડે છે તો કેટલાક આવો આંચકો આપીને મેદાન છોડી જાય છે. અફસોસ
એટલો અવશ્ય રહેશે કે વિશ્વભરના ક્રિકેટના મેદાનોમાં હવે ‘ધોની.. ધોની.. ધોની’ની ગૂંજો સાંભળવા નહિ મળે.
‘રાંચીના રાજકુમાર’ તરીકે પણ ઓળખાયેલા રેકોર્ડમેન મહેન્દ્રસિંહ ધોનીએ તેની ૧૬ વર્ષ લાંબી કારકિર્દીમાં કેપ્ટનશિપ, બાહોશ અને ચપળ વિકેટકીપર અને ધૂંઆધાર બેટ્સમેનની ત્રિવિધ જવાબદારી સુપેરે નિભાવી દરેક મોરચે અલગ ઓળખ ઊભી કરી છે. તે ભારતનો એક માત્ર કેપ્ટન બની રહ્યો જેના નેતૃત્ત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ વખત ICC વર્લ્ડ ટ્રોફી હાંસલ કરી છે. તેણે ક્રિકેટના મેદાન પર આક્રમક કે રક્ષણાત્મક નહિ પરંતુ, વિશિષ્ટ કહી શકાય તેવો તટસ્થ અભિગમ અપનાવ્યો હતો. આ જ ખૂબીએ માઈન્ડગેમમાં પાવરધા ધોનીને ‘કેપ્ટન કૂલ’નું હુલામણું
બિરુદ અપાવ્યું હતું. તેનું વ્યક્તિત્વ સહજ અને સ્વાભાવિક હતું.
એવી ઘણી મેચ જોવા મળી કે હારજીતનો બધો મદાર ફક્ત ધોની ઉપર હોય તો પણ તેણે કોઈ ઉતાવળ કર્યા વિના શાંતિથી રમી સ્કોરબોર્ડને દોડતું રાખી ભારતની ઈનિંગને સ્થિર બનાવવા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હોય. ધોની રમતને છેલ્લા બોલ સુધી ખેંચી જવાના ઈરાદા સાથે જ ‘ફિનિશર’ તરીકે રમતો હતો. બેટિંગના પ્રખ્યાત હેલિકોપ્ટર શોટ્સ પર રમતપ્રેમીઓ આફરીન હતા અને લોકોને વિશ્વાસ રહેતો કે ધોની મેદાન પર છે ત્યાં સુધી ભારતની હારની બાજી જીતમાં પલટાવી દેશે.
ધોની ૨૦૧૯ના વિશ્વ કપ પછી ભારત તરફથી કોઈ ટુર્નામેન્ટ રમ્યો ન હોવાથી તેની વિદાય, હકાલપટ્ટી કે નિવૃત્તિ વિશે પણ જાતજાતની અટકળો ચાલતી રહી હતી. તેણે કોઈનો પ્રતિભાવ આપ્યા વિના માત્ર એટલું જ કહ્યું કે તે IPLમાં રમશે. જોકે, ભારતીય ટીમમાં પુનરાગમન કરવા માટે તેની નજર ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ પર હતી. કોરોના મહામારીના કારણે આ ટુર્નામેન્ટ ૨૦૨૧માં યોજવાનો નિર્ણય લેવાયા પછીના થોડા દિવસોમાં જ ધોનીએ ક્ષેત્રસંન્યાસની ઘોષણા કરી છે. તેને ટી20 વર્લ્ડ કપમાં રમીને ટીકાકારોના મોં બંધ કરવા હતા પરંતુ, કોરોનાએ તેના સ્વપ્ન પર પાણી ફેરવ્યું હોય તેમ લાગે છે.
કોઈ પ્રકારની મોટી જાહેરાતો કર્યા વિના માત્ર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી દેવી કે આજના ૧૭.૨૯થી મને નિવૃત્ત ગણવો તેને શું કહી શકાય. આ સમય સૂર્યાસ્તનો છે. ધોનીએ તેને પોતાની કારકિર્દીના સૂર્યાસ્ત સાથે સાંકળી લીધો છે. આ સાથે તેણે પોતાની કારકિર્દીને ‘પલ દો પલ કા શાયર હું’ કહીને અલવિદા કરી દીધું તે પણ તેની સ્વાભાવિકતા, જીવનનું તટસ્થ દર્શન જ ગણાવી શકાય. સાચા રમતપ્રેમીઓ તેના રેકોર્ડ્સ તરફ વધુ ધ્યાન આપ્યા વિના ભારતીય સેનાના એક કેપ્ટનની માફક ધોનીના જીગર- લડાયક ખમીરને યાદ કરશે. હવે નિવૃત્તિ પછી ધોની શું કરશે તેવા સવાલો અને અટકળો ઉઠી રહી છે. આ કામ આપણે મહેન્દ્રસિંહ ધોની પર જ છોડી દઈએ તે વધારે સારું ગણાશે કારણકે ક્રિકેટના મેદાનો પર આપણે બધા નિર્ણયો તેના પર જ છોડ્યા હતા. આપણે તેને અને ભારતીય ટીમને પ્રોત્સાહિત કરવાનું જ કામ કરતા હતા.


comments powered by Disqus