આખરે પાકિસ્તાનની મૂર્ખતાએ તેના અન્નદાતા સમાન સાઉદી અરેબિયા સાથેના સંબંધોમાં મોટી ફાટ પાડી છે. વિશ્વતખતા પર હંમેશાં કાશ્મીરની કાગારોળ મચાવતા રહેતા પાકિસ્તાનને ભારતને ઘેરવાના પ્રયાસમાં ભારે પછડાટ મળી છે અને તેની ભીખનો વાડકો ભરતા સાઉદી સાથેના સંબંધો બગડવા ઉપરાંત, નાણાકીય સંકટનો ફરી સામનો કરવાનો આવ્યો છે. હવે તો પાકિસ્તાને પોતાના જ પગ પર કુહાડો માર્યો છે.
સાઉદી અરેબિયા ૫૭ મુસ્લિમ રાષ્ટ્રોના સંગઠન ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કો-ઓપરેશન (OIC)નું નેતૃત્વ સંભાળે છે. આ સંગઠન પાકિસ્તાનની વાત સાંભળે છે અને કાશ્મીર મુદ્દે ભારતવિરોધી મંચ પણ પૂરો પાડે છે. હાલમાં પાકિસ્તાનને આ સંગઠનનો સાથ નહિ મળવાથી તે નારાજ છે અને તેના વિદેશપ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ એક ઈન્ટરવ્યૂમાં બફાટ કર્યો કે સાઉદી અરેબિયા જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ દૂર કરાયા મુદ્દે OICની બેઠક નહિ બોલાવે તો પાકિસ્તાન તેના કાશ્મીર મુદ્દે સમર્થક દેશો સાથે મળીને બેઠક બોલાવશે. મુસ્લિમ સંગઠન પર સાઉદીની સત્તા અને વગને આ સીધો પડકાર જ હતો. ઓઆઇસી સંગઠનને તોડવાની ગર્ભિત ધમકી જ હતી. ખરેખર તો, પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી ચીનની પડખે ઉભા રહીને સાઉદી અરબ અને યુએઈની નિંદા કરી રહ્યું છે. હકીકતમાં મલેશિયા- તુર્કી સાથે મળીને નવી ઇસ્લામિક નવી ધરી રચવા પ્રયાસ કરતા પાકિસ્તાનથી સાઉદી અરેબિયા નારાજ છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ દૂર કરવાને ભારતની આંતરિક બાબત ગણાવતા સાઉદીએ પાકિસ્તાનના અનેક ધમપછાડા છતાં તેને સાથ આપ્યો નથી. અગાઉ પણ OICમાં ભારતને ૫૦ વર્ષમાં પહેલી વખત ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે પર આમંત્રણ અને પાકિસ્તાનના વિરોધ છતાં મુસ્લિમ મંચ પર ભારતની હાજરી સૌથી મોટી કૂટનીતિક જીત હતી. પાકિસ્તાને વિચાર્યું પણ નહિ હોય તેવું પગલું લઈ સાઉદીએ તેની સાથેની લોન્સ અને ઓઈલ સપ્લાય સમજૂતી રદ કરી નાખતા દેવાંના ડુંગર હેઠળ દબાયેલી ઈમરાન સરકારની હાલત ‘મા મને કોઠીમાંથી બહાર કાઢ’ જેવી થઈ છે. કંગાળ પાકિસ્તાન હંમેશા મિત્ર દેશો પાસે ભીખનો કટોરો લઇને ઊભું રહે છે. અગાઉ, પાકિસ્તાન દેવાળું ફૂંકવાની આરે હતું ત્યારે IMF અને એશિયન ડેવલપમેન્ટ બેન્કે આકરી શરતોએ લોન આપવા તૈયારી દર્શાવી તે સમયે સાઉદી અરેબિયા જ તેની મદદે આવ્યું હતું.
કુરેશીના બફાટપૂર્ણ લવારા પછી આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચેનું અંતર ઓછું કરવાની પહેલ કરી રિયાધની ઈમર્જન્સી મુલાકાત પણ લીધી. જોકે, બાજવાના પ્રયાસોને સફળતા સાંપડી નહિ તે દર્શાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે.
આમ તો સાઉદી- પાકિસ્તાન સંબંધો હંમેશા ભારત માટે ચિંતાનો વિષય રહ્યાં છે. જોકે, પુલવામા હુમલા પછી સાઉદીએ આતંકવાદ મુદ્દે ભારતની ચિંતા પ્રત્યે સકારાત્મક વલણ દાખવી ભારત સાથે મળી આતંકવાદનો સામનો કરવા માટે સહમતિ પણ દર્શાવી હતી. મધ્ય-પૂર્વ દેશોના પ્રત્યે ઉદાસીન વિદેશ નીતિના બદલાવમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીતા કામ કરી ગઈ છે. સાઉદી અરબ, યુએઇ, ઇઝરાયલ સહિત તમામ દેશોની સાથે ભારતના સંબંધો હૂંફાળા થયા છે. વિશ્વતખતા પર ભારતના વધી રહેલા પ્રભાવ અને મહત્ત્વના પરિણામે વેપાર અને રોકાણ બાબતે ભારત સાથેના સાઉદી સંબંધો વધારે મજબૂત બન્યાં છે. સાઉદીને પાકિસ્તાન પાસેથી તો કશું મળવાની આશા નથી પરંતુ, ભારતનું બજાર તેના માટે મોટું આકર્ષણ છે.
પાકિસ્તાન જેવા ‘મૂર્ખ મિત્ર કરતાં દાનો દુશ્મન સારો’ કહેવતને અનુસરી સાઉદી અરેબિયાએ હવે ભારત ઉપરાંત, ઈઝરાયેલ સાથેના સંબંધો સુધારવાના પ્રયાસ આદર્યા છે. પરંતુ, સાઉદી અને ઈઝરાયેલ ગુપ્ત જાણકારી, ટેકનોલોજી અને સાઈબર સુરક્ષાના ક્ષેત્રમાં મળીને કામ કરતા હોવાનું મનાય છે. જો સાઉદી અનૈ ઈઝરાયેલ વચ્ચે પણ સમજૂતી થશે તો મધ્ય પૂર્વનું સમગ્ર ચિત્ર બદલાઈ જશે તે સ્પષ્ટ છે.
