BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે બિરાજમાન છે. આ વર્ષે ડિસેમ્બરમાં અટાલાદરા ખાતે પૂ.પ્રમુખસ્વામીની જન્મજયંતીની ઉજવણી થશે તે સંદર્ભમાં ૧૨મી ફેબ્રુઆરીએ પૂ. મહંત સ્વામીની નિશ્રામાં સ્વયંસેવક પ્રેરણાદિન ઉજવાયો હતો. આ સભામાં ગયા વર્ષે સારી સેવા કરનારા સ્વયંસેવકોનું સન્માન કરાયું હતું. તે પછી ‘આ દેહથી શું ન થાય, પ્રમુખસ્વામીને કાજે’ વિષય પર સંવાદ ભજવાયો હતો. હરિભક્તો વિપરિત પરિસ્થિતિઓમાં પણ સેવાને પ્રાધાન્ય આપે છે તે વાત સંવાદના માધ્યમથી રજૂ કરાઈ હતી. પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં કહ્યું,‘ આપણે જો આ અવસર ચૂક્યા તો પસ્તાવાનો પાર નહીં રહે. સેવા ન મળે, ઓછી વત્તી મળે તો બેસી રહેજો, એ ય સેવા ગણાશે.’
૧૩મીએ સવારે પૂજાદર્શન બાદ પૂ. મહંત સ્વામીએ આશીર્વાદમાં જણાવ્યું હતું,‘ નિયમ પાળ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં’.
૧૪મીએ સવારે પૂ. મહંત સ્વામીએ જૂના પાદરા રોડ પર બનાવવામાં આવેલા BAPS શ્રી સ્વામીનારાયણ છાત્રાલયના નવા મકાનનું ઉદઘાટન કર્યું હતું. તેમાં છાત્રો માટે બનાવાયેલા હરિમંદિરની મૂર્તિઓની તેમણે પ્રતિષ્ઠા કરી હતી. પૂ. મહંત સ્વામીએ વિદ્યાર્થીઓને સારો અભ્યાસ કરી ડંકો વગાડે તેવા આશીર્વાદ આપ્યા હતા. સાંજે રવિસભા યોજાઈ હતી. રવિ સભા અને પરાં સભામાં વધુ હરિભક્તો પધારે તે માટેની આ જાગૃતિ સભામાં કીર્તન, પ્રવચન, વીડિયો અને ‘ચાલો પ્રતિજ્ઞા લઈએ’ સંવાદના માધ્યમથી પ્રેરણા આપવામાં આવી હતી. તે પછી સભામાં હાજરી આપવા વિશે લોકોએ પૂછેલા પ્રશ્રોના પૂ. મહંત સ્વામીએ જવાબો આપ્યા હતા.
૧૫મીએ સાંજે નવનિર્મિત છાત્રાલયના ઉદઘાટન નિમિત્તે સભા યોજાઈ હતી. તેમાં છાત્રાલયની પ્રવૃત્તિઓનો ચિતાર અપાયો હતો અને તેની નિર્માણગાથા તથા સુવિધાઓ અંગેનો વીડિયો દર્શાવાયો હતો. આ છાત્રાલયથી અભ્યાસની સાથે ચારિત્ર્ય નિર્માણ થાય છે તેવો સંદેશ પૂ. મહંત સ્વામીએ આપ્યો હતો. ૧૬મીને રવિવારે નવલખીમાં પૂ. પ્રમુખ સ્વામી જન્મજયંતી મહોત્સવ ઉદઘોષ સભા યોજાઈ હતી. તેમાં પૂ. પ્રમુખ સ્વામીના જીવન અને કવનને પ્રવચન, વીડિયો, નૃત્ય અને સંવાદના માધ્યમથી રજૂ કરાયું હતું. પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ પૂ.પ્રમુખ સ્વામી મહારાજે પોતાના દેહ અને પ્રાણ સામે જોયું નથી. કેવળ સૌને રાજી કર્યા છે. તેઓની જયંતી રોજ ઉજવાય તો ય ઓછું છે.’ આ સભામાં અંદાજે ૩૫,૦૦૦ જેટલાં ભાવિકો ભક્તોએ હાજરી આપી હતી.

