મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ૭૦માંથી ૬૨ બેઠક હાંસલ કરી ત્રીજી વખત દિલ્હી રાજ્યમાં શાસનસૂત્રો સંભાળી લીધા છે. રાજ્યની જનતાને જાહેર સેવા આપવામાં આમ આદમી પાર્ટી (‘આપ’)ની નક્કર સિદ્ધિઓથી મતદારોને વિમુખ કરવાની ભાજપ કે કોંગ્રેસની કોઈ રણનીતિ ફાવી નથી તેની નોંધ લેવી ઘટે. આ સિવાય પણ તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને CAA મુદ્દા પર ભીડવવાની કોઈ જ કોશિશ ન કરતા માત્ર રાજ્યના વિકાસ સંબંધિત મુદ્દાઓ પર જ પ્રચાર ચાલુ રાખ્યો હતો.
એક વાત તો સાચી ગણી શકાય કે કેજરીવાલે દિલ્હીવાસીઓની સુખાકારી વધારવા માટે નોંધપાત્ર પગલાં લીધા છે. કેજરીવાલનો દાવો છે કે દિલ્હીમાં લગભગ ૨૦ હજાર જેટલા નવા ખંડ સાથે સરકારી શાળાઓને નમૂનેદાર બનાવી છે. ૪૦૦થી વધુ મહોલ્લા ક્લિનિક ખોલીને આરોગ્ય સેવા સામાન્ય જનતા સુધી પહોંચાડવાના પ્રયાસ ઉપરાંત, ૨૦૦ યુનિટ સુધીની મફત વીજળી, ૨૦ હજાર લીટર સુધી મફત પાણી સહિતની સુવિધાઓ લોકોને પહોંચાડી છે. ચૂંટણી સમયે આપેલા વચનો પુરાં કરવા નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યા પછી તેમણે કામના નામે મત માગ્યા હતા. અને લોકોએ તેમને પ્રચંડ પ્રતિસાદ આપ્યો છે. સામાન્ય વિપક્ષી નેતા બની રહેવાના બદલે કેજરીવાલે સામાન્યજનના વચનો પૂર્ણ કરતા નેતા તરીકે પોતાની છબી ઉપસાવવાનો પ્રયાસ કર્યો છે. જોકે, ભ્રષ્ટાચાર, પર્યાવરણ અને પરિવહન જેવી સળગતી સમસ્યાઓ યથાતથ છે તે હકીકત છે.
૨૦૧૫માં પ્રચંડ બહુમતી સાથે સત્તા પ્રાપ્ત કર્યા પછી બાલાકોટ એર સ્ટ્રાઈકના પુરાવા માંગવા સહિતના વિવાદાસ્પદ વિધાનો, વાત વાતમાં વડા પ્રધાનનો વિરોધ, અકારણ ટીકાઓનો મારો વગેરેના કારણે કેજરીવાલની પ્રતિષ્ઠા ખરડાઈ હતી. જોકે, કદાચ બોલવા કરતા કામ કરવાથી લોકચાહના મેળવી શકાશે તે સમજાવાથી કેજરીવાલનો નવો રાજકારણી અવતાર જોવા મળ્યો છે. તેમણે ચૂંટણી પ્રચારમાં વિપક્ષી નેતાઓના ખરાબ વર્તન કે આક્ષેપોને ભૂલી જવાની ખેલદિલી સાથે દિલ્હીના વિકાસ માટે તમામ પક્ષો તેમજ કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરવાની તૈયારી પણ દર્શાવી છે.
શપથવિધિ સમારોહમાં અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનોને આમંત્રિત કરવાના બદલે કેજરીવાલે રાજ્યના શિક્ષકો, ડોક્ટરો, ઈજનેરો, સ્થપતિઓ, ટ્રેન ડ્રાઈવર્સ, વિદ્યાર્થીઓ, વર્કર્સ, વેપારીઓ અને શહીદોની પત્નીઓ સહિત આમ આદમીને આમંત્રિત કરીને તેમને ‘દિલ્હી કે નિર્માતા’ તરીકે બિરદાવ્યા હતા તે પણ સૂચક ગણી શકાય.
મતદારો આર્થિક સમૃદ્ધિ, વિકાસ, સારી સેવા અને કલ્યાણ ઝંખતા હોવાની વાત સાચી છે પરંતુ, દેવું કરીને ઘી (મફત) પીવાની નીતિ અપનાવીએ તો લાંબા ગાળે નુકસાન જ છે. આખરે આ ખર્ચભાર તો ભાવિ નાગરિકોએ જ સહન કરવાનો આવશે અને આવક-જાવકના પલડાં સરભર ન થાય તો કુબેર ભંડારીનો ખજાનો પણ ખાલી થઈ જાય. શિક્ષણ અને સારવાર સહિતની પાયાગત સુવિધા વધારો, લોકકલ્યાણની યોજનાઓ લાગુ કરો તે પણ સારી વાત છે પરંતુ, લોકોને મફતની આદત પાડશો તો જવાબદાર નાગરિક બનવામાં અવરોધ સર્જાશે. કેજરીવાલે આ વિચારવાની આવશ્યકતા છે.
