દેશની એક વિડંબના છે કે લોકશાહીને જીવંત રાખવાના જે પગલાં સંસદ, સરકાર અને ચૂંટણી પંચે ભરવાના હોય છે તે કાર્ય હવે સુપ્રીમ કોર્ટ અથવા દેશના ન્યાયતંત્રને કરવાની ફરજ પડી છે. સુપ્રીમ કોર્ટની જસ્ટિસ રોહિન્ટન ફલી નરિમાન અને જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટની બેન્ચે તાજેતરમાં જ ચૂંટણીપ્રક્રિયાને વધુ પારદર્શક અને જવાબદાર બનાવવા તેમજ રાજકારણમાં વધી રહેલા અપરાધીકરણને ડામવાના ગંભીર પ્રયાસમાં ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારોને શા માટે ચૂંટણીમાં ટિકિટ અપાઇ છે તેના કારણો રજૂ કરવાનો રાજકીય પક્ષોને આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે તે પણ સ્પષ્ટ કર્યું છે કે ઉમેદવારની પસંદગીના કારણો માત્ર તેમની વિજય મેળવવાની સંભાવનાઓ પુરતા મર્યાદિત ન હોવા જોઇએ, પરંતુ યોગ્યતા અને લાયકાત સાથે સુસંગત હોવા જોઈએ.
ભારતીય લોકતંત્ર જેમ યુવાન થતું જાય છે તેમ તેની તંદુરસ્તીને લૂણો લાગી રહ્યો હોય તેવું દેખાય છે. રાજકીય પક્ષો જ લોકતંત્રને જીવંત રાખવા પ્રતિબદ્ધ ન હોય તેમ કાયદાઓને ધોળીને પી જનારા લોકોને ઉમેદવાર બનાવી હાંસી ઉડાવી રહ્યા છે. લોકો સમક્ષ ‘આ નહિ તો પેલો’ જેવા વિકલ્પો રાખે છે અને કાયદા તોડનારા સંસદ કે વિધાનસભામાં જઇ બેસીને કાયદા ઘડવા લાગે છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષોમાં રાજકારણમાં ક્રિમિનલ છબી ધરાવતા નેતાઓનું પ્રમાણ જોખમી સ્તરે વધી ગયું છે. છેલ્લી ચાર સામાન્ય ચૂંટણીના આંકડા પર નજર ફેરવશો તો જણાશે કે ૨૦૦૪માં ૧૨૪, ૨૦૦૯માં ૧૬૨, ૨૦૧૩માં ૧૮૫ અને ૨૦૧૯માં ૨૩૩ સાંસદો એવા ચૂંટાયા છે, જેમની સામે ગંભીર ગુનાઈત કેસો નોંધાયેલા છે. તાજેતરની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પણ ચૂંટાયેલા ૬૧ ટકા એટલે કે ૭૦માંથી ૪૩ ધારાસભ્યો હત્યા અને બળાત્કાર સહિતના ગંભીર આરોપ ધરાવે છે. આ તો હમામ મેં સબ નંગે હે જેવી પરિસ્થિતિ છે.
વર્તમાન કાનૂની વ્યવસ્થા એવી પોલી છે કે હત્યા અને બળાત્કાર જેવા જઘન્ય ગુનાના આરોપી હોય તેમજ આ સંદર્ભે કેસ ચાલી રહ્યાં હોય એવા લોકો પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે અને ચૂંટણી જીતીને વિધાનસભ્ય, સાંસદ કે પછી પ્રધાન પણ બની શકે છે. માત્ર આરોપ સાબિત થયાની સ્થિતિમાં જ તેમની ઉમેદવારી રદ થઇ શકે છે અને તેમના ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂકાય છે. બધા જાણે છે તેમ કોઇ પણ કેસનો ચુકાદા આવતા વર્ષો વીતી જાય છે. વિધાનસભ્ય કે સાંસદનો કાર્યકાળ પૂરો થઇ જાય છે પરંતુ આરોપીઓને ગુનેગાર સાબિત કરી શકાતા નથી.
સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને પોતાના ઉમેદવારો સામે આપરાધિક કેસોની જાણકારી ઉપરાંત, આવા કલંકિત ઉમેદવારોને ટિકિટ આપવા પાછળના કારણો પણ નિશ્ચિત સમયમર્યાદામાં રજૂ કરવાનો કડક આદેશ આપ્યો છે. રાજકીય પક્ષોની વેબસાઈટ્સ, ફેસબુક કે ટ્વીટર એકાઉન્ટ્સ ઉપરાંત, રાષ્ટ્રીય અને સ્થાનિક અખબારમાં તેની પર માહિતી મૂકવા સાથે તમામ જાણકારી ચૂંટણી પંચને પણ પહોંચાડવાની રહેશે.
પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ. વાય. કુરેશીએ લખ્યું છે તેમ વર્તમાન આચારસંહિતા મુજબ ઉમેદવારીપત્રોમાં પોતાની સામેના ક્રિમિનલ કેસો વિશે મોટા અક્ષરોમાં લખવાની પ્રક્રિયા સિગારેટ પેકેટ પર ચિત્ર સાથેની હેલ્થ વોર્નિંગ જેવી નબળી છે. રાજકીય પક્ષો ચૂંટણીમાં પોતાના ઉમેદવારો નક્કી કરતી વેળાએ તેની ચૂંટણી જીતવાની તાકાતને લક્ષમાં રાખે છે. આવી તાકાત - રાજકીય, નાણાકીય, આપરાધિક અથવા તો સ્વચ્છ છબી કે લોકપ્રિયતા - કોઈ પણ હોઈ શકે છે. કુરેશી એમ પણ કહે છે કે અપરાધી ઉમેદવારની ચૂંટણી જીતવાની સંભાવનાના મુદ્દાનો ભ્રમ સુપ્રીમ કોર્ટે તોડી નાખ્યો છે.
તાજેતરમાં ધ ઈકોનોમિસ્ટ દ્વારા જાહેર કરાયેલા ડેમોક્રસી ઈન્ડેક્સ ૨૦૧૯માં વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતનું સ્થાન ગબડીને ૫૧મા ક્રમે પહોંચ્યું છે તે ચિંતાજનક બાબત હોવાનો ઉલ્લેખ કરતા પૂર્વ ચૂંટણી કમિશનર કુરેશી એમ પણ જણાવે છે કે ‘ઈનોસન્ટ ટિલ પ્રૂવન ગિલ્ટી’ની કાનૂની પરિભાષા હેઠળ આપણા સન્માનીય કલંકિત રાજકારણીઓને રક્ષવાનું ચાલુ રાખીશું તો આપણે ક્યાં જઇને અટકશું તે કહી શકાશે નહિ.
