• ૨૪ કલાક સુધી હૃદયને જીવંત રાખી શકતું ટ્રાન્સપ્લાન્ટ ડિવાઈસ
હૃદયને શરીર બહાર ૨૪ કલાક સુધી જીવંત રાખી શકે તેવા સૂટકેસની સાઈઝના મશીનને લીધે ટ્રાન્સપ્લાન્ટ માટે ઉપલબ્ધ અંગોની સંખ્યા વધારી શકે અને હજારો જીંદગી બચી શકે. આ મશીનનું ભૂંડના હૃદય પર નિદર્શન કરાયું હતું. ટ્રાન્સપ્લાન્ટ માટે અંગ આપનાર વ્યક્તિ મળે તે દરમિયાન આ મશીન હૃદયને સામાન્ય કરતાં ચાર ગણા સમય સુધી શરીર બહાર ધબકતું રાખી શકે છે. માણસો પર પરીક્ષણ માટેની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. માણસોમાં પણ તે અસરકારક નીવડશે તો સર્જનોને ડોનર્સ સાથે દર્દીઓના મેચીંગ માટે વધુ સમય મળશે.
• બ્રેક્ઝિટની અનિશ્ચિતતા ઘટતાં બિઝનેસ પ્લાન્સમાં સુધારો
સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ બ્રેક્ઝિટ વિશેની અનિશ્ચિતતામાં ઘટાડો થતાં બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટની શક્યતામાં સુધારો થયો હોવાનું નોટિંગહામ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી તથા બેંક ઓફ ઈંગ્લેન્ડના સહયોગમાં હાથ ધરાયેલા સર્વેમાં જણાયું હતું. ડિસિઝન મેકર્સ પેનલના સર્વે મુજબ ઈન્વેસ્ટમેન્ટમાં જાન્યુઆરી સુધીના ત્રણ મહિનામાં અગાઉના ત્રણ મહિનાના ૨.૬ ટકાની સરખામણીમાં ૪.૬ ટકાના દરે વધારો થવાનો અંદાજ છે.
• હાંકી કઢાયેલા મિનિસ્ટર્સને £૧૦૦,૦૦૦ મળશે
બોરિસ જહોન્સને કરેલા કેબિનેટ ફેરબદલમાં હાંકી કઢાયેલા મિનિસ્ટરોને ‘ગોલ્ડન ગૂડબાય’માં ચૂકવવામાં આવેલા નાણાંને લીધે ટેક્સપેયરો પર ૧૦૦,૦૦૦ પાઉન્ડનો બોજ પડશે. ૧૯૯૧માં અમલી બનાવાયેલા નિયમો મુજબ ૬૫ વર્ષથી ઓછી વયના અને આગલી હરોળમાં બેસતા મિનિસ્ટર્સ સરકારમાંથી છૂટા થાય અને ત્રણ અઠવાડિયામાં તેમને નવો હોદ્દો ન મળે તો તેઓ મિનિસ્ટર તરીકે મળતા વાર્ષિક પગારની રકમના ચોથા ભાગની રકમ મેળવવા હકદાર હોય છે. આ નિયમ રાજીનામુ આપનારા તેમજ છૂટા કરાયેલા મિનિસ્ટર્સને લાગૂ પડે છે.
• ભરચક યુનિવર્સિટીઓમાં લેક્ચર માટે જગ્યા નહીં !
અંડરગ્રેજ્યુએટ્સની સંખ્યામાં ઝડપી વધારાને લીધે લેક્ચર થિયેટર્સમાં ભારે ભીડ થતી હોવાથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ લેક્ચર્સ ઓનલાઈન અથવા ભરચક રૂમમાં જોવા પડે છે. માન્ચેસ્ટર યુનિવર્સિટીના મેથ્સના વિદ્યાર્થીઓ ૬૦૦ બેઠકોની ક્ષમતાવાળા હોલમાં લેક્ચરમાં હાજર રહેવા માગતા હતા. તેમને આ લેક્ચર યુ ટ્યૂબ પર લાઈવ અથવા રેકોર્ડિંગ જોવા ભરચક રૂમમાં બેસવા જણાવાયું હતું. ગયા ઓક્ટોબરમાં નોટિંગહામ યુનિવર્સિટીએ ઓવરફ્લો થતાં લો સ્ટુડન્ટ્સ માટેના રૂમની દેખરેખ રાખનાર માટે એડવર્ટાઈઝમેન્ટ આપી હતી. તે પછીના મહિને લેંકેસ્ટરના સાયકોલોજીના વિદ્યાર્થીઓએ લેપટોપ પર અથવા ભરચક રૂમમાં લેસન્સ જોવા પડ્યા હતા.
• ઘરેલુ હિંસાને લીધે મહિલાઓની હત્યામાં વધારો નોંધાયો
ઘરેલુ હિંસાનો દર છેલ્લાં ૧૪ વર્ષમાં સૌથી વધુ થઈ ગયો હોવાનું નવા આંકડામાં જણાયું હતું. બ્રિટનમાં દર ૩૬ કલાકે એક મહિલા અથવા યુવતીની હત્યા થાય છે. ગયા વર્ષે માર્ચ સુધીના ૧૨ મહિનામાં ૨૪૧ મહિલા હત્યા અથવા માનવવધનો ભોગ બની હતી. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા મુજબ આ બીજો વાર્ષિક વધારો છે અને આ સંખ્યા ૨૦૦૬થી અત્યાર સુધીની સૌથી વધુ છે. જે ગયા વર્ષે ૨૨૦ હતી. ૨૪૧ વયસ્ક પીડિતોમાંથી ૪૦ ટકા અથવા ૮૦ મહિલાઓનું મૃત્યુ તેમના પાર્ટનર અથવા ભૂતપૂર્વ પાર્ટનરના હાથે થયું હતું.
• અગાઉ કરતાં વહેલા તરુણાવસ્થામાં આવતી છોકરીઓ
૪૦ વર્ષ અગાઉ છોકરીઓ જે વયે તરુણાવસ્થામાં આવતી હતી તેનાં કરતાં હવે એક વર્ષ વહેલા તરુણ થતી હોવાનું સંશોધનમાં જણાયું હતું. વૈજ્ઞાનિકોને જણાયું હતું કે ગ્રંથિવાળા બ્રેસ્ટ ટીસ્યૂના વિકાસની શરૂઆત ૧૯૭૦ના દાયકાના અંતભાગમાં જે વયે થતી હતી તેના કરતાં હવે દર દાયકામાં ત્રણ-ત્રણ મહિના વહેલા થાય છે. સામાન્ય રીતે તરુણાવસ્થાની શરૂઆત છોકરીઓમાં ૮ અને ૧૩ની વય વચ્ચે જ્યારે છોકરાંઓમાં ૯ અને ૧૪ વર્ષની વચ્ચે થાય છે. જોકે, દુનિયાના સંખ્યાબંધ અભ્યાસો સૂચવે છે કે તરુણાવસ્થાની સરેરાશ વયમાં ઘટાડો થઈ રહ્યો છે.
• ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ કટ્ટર જાતિવાદીઃ જસ્ટિન વેલ્બી
કેન્ટરબરીના આર્ચબિશપ જસ્ટિન વેલ્બીએ જણાવ્યું હતું કે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ કટ્ટર જાતિવાદી અને સંસ્થાવાદી છે. લંડનમાં ધર્મસભાને સંબોધતા કહ્યું કે પાદરીઓ અને અધિકારીઓ તથા વિભાજનકારીઓએ જાતિવાદનો ભોગ બન્યા હતા તેના ઈતિહાસથી અને તેના વિશે સાંભળીને તેઓ શરમ અનુભવે છે. તેમણે ઉમેર્યું હતું કે તેમને શ્વેત, સીધાસાદા અને શિક્ષિત વ્યક્તિ હોવાને લીધે લાભ હતો.
• ખતરનાક ગુનેગારો વહેલા છૂટી જતાં સરકાર ચિંતિત
જજોએ હિંસક ગુનેગારોની જમૈકા દેશનિકાલની પ્રક્રિયા અટાકાવી તેના ૪૮ કલાકમાં જ તેઓ ફરી બ્રિટનની શેરીઓમાં ગુનાખોરી કરતા થશે તેવી દહેશત બાબતે વડા પ્રધાન બોરિસ જહોન્સને રોષ વ્યક્ત કર્યો હતો. ૨૫ ગંભીર અને ખતરનાક ગુનેગારોને વકીલોની સુવિધા મળી ન હતી તેવા છેલ્લી ઘડીના દાવાને લીધે જ્યુડિશિયલ રિવ્યુમાં તેમના દેશવટાને અટકાવી દેવાયો હતો. મિનિસ્ટરોને પડકારવાની પ્રક્રિયાના ઉપયોગથી કેમ્પેન ગ્રૂપ્સ અને વ્યક્તિઓની તાકાતને મર્યાદિત કરવાના પગલાંને ઝડપી બનાવવાની જહોન્સનની યોજના છે.
