લંડનઃ પાકિસ્તાનના માનવઅધિકારના સક્રિય કાર્યકરો અને યુકેમાં વસતા ભારતીય સમુદાયના લોકોએ બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવીને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં મુસ્લિમ પુરુષને પરણાવી દેવાયેલી હિંદુ સગીર યુવતી મહેક કુમારી માટે ન્યાયની માગણી સાથે લંડનમાં પાકિસ્તાન હાઈ કમિશન સામે દેખાવો યોજ્યા હતા. આ કેસનો ચુકાદો હજુ આવવાનો બાકી છે. પાકિસ્તાનની કોર્ટે મહેક કુમારીને ૧૧ દિવસ માટે સિંધના લરકાના જિલ્લાની સ્થાનિક દાર-ઉલ-અમાનમાં મોકલી આપી છે.
એક દેખાવકારે કહ્યું હતું કે તેઓ મહેક કુમારી માટે ન્યાય માગવા અને તેની લડતમાં તે એકલી નથી તેવો સંદેશો આપવા એકઠા થયાં છે. પાકિસ્તાન તેના લઘુમતી સમુદાય સાથે જે રીતે વર્તે છે તેના વિશે હવે શાંત રહી શકાય નહીં.
ગઈ ૧૫ જાન્યુઆરીએ સિંધ પ્રાંતના જાકોબાબાદ જીલ્લામાંથી આધેડ વયના અલી રઝાએ મહેકનું અપહરણ કર્યું હતું. મહેકે જણાવ્યું હતું કે તેને બળજબરીપૂર્વક ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવાયો હતો.
અન્ય દેખાવકારે કહ્યું કે પાકિસ્તાનમાં બળજબરીપૂર્વક ઈસ્લામ ધર્મમાં ધર્માંતરણ કરાવીને મુસ્લિમ પુરુષો સાથે પરણાવી દેવાયેલી અને અન્યાયનો ભોગ બનેલી તમામ સગીરાઓ માટે અમારો અવાજ ઉઠાવવા એકત્ર થયાં છીએ.
આ દેખાવોનું આયોજન યુકેના ભારતીય ડાયસ્પોરા દ્વારા લલકાર સોશિયલ ફોરમના સહયોગથી કરાયું હતું. દેખાવકારોમાં આ દેખાવોમાં ભાગ લેવા માટે જર્મનીથી લંડન આવેલા ઈન્ટરનેશનલ ફ્રેન્ડ્સ ઓફ સિંધના ઓર્ગેનાઈઝર મીર સલિમ પણ સામેલ હતા.
કેટલાંક પાકિસ્તાની મૌલવીઓ આ સગીરા કોર્ટમાં આપેલા નિવેદનમાંથી ફરી ગઈ હોવાથી તેને મારી નાંખવી જોઈએ તેમ કહે છે. તેણે કોર્ટમાં ઈસ્લામ ધર્મ પોતાની મરજીથી અંગીકાર કર્યો હોવાનું જણાવ્યું હતું.

