વિશ્વમાં કોરોના મહામારી ધારણા કરતાં લાંબી ચાલી છે. વિશ્વમાં લોકડાઉન્સ લદાયા ત્યારે ત્રણ સપ્તાહમાં સંક્રમણનું ચક્ર તૂટી જવાની આશા હતી પણ, ત્રણ મહિના પછી પણ વાઇરસ જૈસે થે છે. આર્થિક પ્રવૃતિ અને બજારો ઠપ થવાથી અકળાયેલા દેશોએ કોરોના સાથે જ જિંદગી જીવવાની રહેશે તે સત્ય સ્વીકારી લોકડાઉન ખોલવાનું શરૂ કરી દીધું છે. કોરોના સંકટ વચ્ચે દેશોના ધ્રુવીકરણ સાથે શીત યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે જેમાં, એક તરફ યુએસ અને તેના સહયોગી દેશો તો બીજી તરફ ચીન, રશિયા અને તેમના સાથી દેશો છે. હકીકત એ છે કે વિશ્વના મોટા ભાગના દેશો કોરોના સંકટ માટે ચીનને જ દોષી ગણાવે છે અને ચીન તેનો ધરાર ઈનકાર કરે છે. ચીનની મેલી મથરાવટી જોતાં એવા આક્ષેપ પણ થયા છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થા નબળી પાડી પોતાની અર્થવ્યવસ્થા મજબૂત કરવા ચીને કોરોના સ્વરૂપે જૈવિક હથિયારનો ઉપયોગ કર્યો છે.
કોરોના મહામારીથી અમેરિકામાં સૌથી વધુ ૯૧ હજાર લોકોના મોત થયાં છે અને સંક્રમિતોની સંખ્યા ૧૫ લાખથી વધુ છે ત્યારે કોરોના માટે ચીનને દોષિત ગણાવતા યુએસ પ્રમુખ ટ્રમ્પે તો ખૂબ આક્રમકતા સાથે ચીન સાથે રાજદ્વારી નાતો તોડી નાંખવાની ધમકી આપી છે. તેમણે ચીનના પ્રમુખ જિનપિંગ સાથે વાત કરવાનો પણ ઈનકાર કર્યો છે.
કોરોનાનો ઉદ્ભવ અને પ્રસાર ચીનના વુહાનની લેબોરેટરીમાંથી જ થયો છે તે હકીકત ચીને છુપાવી છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે મળીને વિશ્વને વાઇરસથી માહિતગાર કરવામાં અક્ષમ્ય વિલંબ કરતાં વિશ્વ મહામારીમાં ફસાઈ ગયું હોવાનો સૌપ્રથમ આક્ષેપ ટ્રમ્પે કર્યો હતો. તેમણે તો વિશ્વ આરોગ્ય સંસ્થાને અમેરિકા તરફથી અપાતી આર્થિક સહાય પણ રોકી દીધું છે. કોરોના સામેના યુદ્ધમાં જરા પણ રાહત મળવાના અણસાર નથી ત્યારે મહામારીના એપી સેન્ટર ગણાયેલા ચીનમાં લગભગ એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી.
હાલમાં જ અમેરિકી વિદેશ સચિવ માઈક પોમ્પિયોએ ચીન વિરુદ્ધ એકજૂથ થવા ભારત, ઈઝરાયલ સહિત સાત દેશોના વિદેશ પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. બેઠકમાં અમેરિકાએ ચીનની સપ્લાય ચેઈનનું પુનર્ગઠન કરવા અને વિશ્વવેપાર પર તેનું વર્ચસ્વ ખતમ કરવા ભાર મુક્યો હતો. અમેરિકા જાન્યુઆરીમાં ચીન સાથે થયેલી વેપાર સમજૂતી રદ કરી શકે છે. હકીકત એ છે કે અમેરિકા ચીનમાંથી દર વર્ષે ૫૦૦ બિલિયન ડોલરની ચીજો આયાત કરે છે. યુએસ પ્રમુખે ચીનમાં યુએસ પેન્શન ફંડ ઇન્વેસ્ટમેન્ટમાં કરેલું અબજો ડોલરનું રોકાણ પાછું ખેંચી લેવા આદેશો આપ્યા છે અને હજુ આકરા નિર્ણયોની ધમકી આપી છે. બીજી તરફ, અમેરિકાના મિત્ર-રાષ્ટ્ર ઓસ્ટ્રેલિયાએ ચીન સાથે વ્યાપારિક સંબંધો તોડવાની દિશામાં આગળ વધવા પગલાં લીધાં છે. ઓસ્ટ્રેલિયા માટે ચીન સૌથી મોટું નિકાસબજાર હોવાં છતાં તેણે આ પગલું ભર્યું છે. વડા પ્રધાન સ્કોટ મોરિસને કોરોના મહામારી મામલે વ્યાપક તપાસની માંગ કર્યા પછી ચીને ઓસ્ટ્રેલિયાથી બીફ અને જવની આયાત અટકાવી છે. જાપાન પણ ચીન સાથે વેપાર ઘટાડવા પ્રયત્નશીલ છે.
ચીનની થિંક ટેન્ક ચાઇનિઝ ઇન્સ્ટીટયૂટ ઓફ કન્ટેમ્પરરી ઇન્ટરનેશનલ રિલેશનના આંતરિક રિપોર્ટમાં પણ કોરોના વાઇરસ મુદ્દે કયારેય વિરોધનો સામનો ન કર્યો હોય એવી સ્થિતિ ઉભી થઇ રહી છે અને ચીન તથા અમેરિકાના સંબંધોમાં ધરમૂળથી પરિવર્તન આવી શકે તેમ જણાવાયું છે. તંગ સંબંધો યુદ્ધના સંજોગો પણ ઉભા કરી શકે છે આથી, ચીને હંમેશા તૈયાર રહેવું જરૂરી છે તેવી ચેતવણી પણ અપાઈ છે. આમ, નવા શીત યુદ્ધનો આરંભ થઈ ચૂક્યો છે, જે વિશ્વને ક્યાં દોરી જશે તે માત્ર સમય કહી શકે છે.