વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સામે કાદવ ન ઉછાળશો

સી. બી. પટેલ Tuesday 21st April 2020 13:24 EDT
 
 

વડીલો સહિત સર્વે વાચકમિત્રો, સોશિયલ મીડિયામાં #hindurashtra નામે ટ્રેન્ડ ભારે ખળભળાટ મચાવી રહ્યું છે. જો તમે આ ટ્રેન્ડ સંબંધિત ટ્વીટ્સ અને રીટ્વીટ્સના મારામાંથી બચી ગયા હો તો તમારી જાતને સદનસીબ માનજો. યુકેના પાકિસ્તાની મૂળના મનાતા કહેવાતા બેરિસ્ટર દ્વારા લખાયેલો લેખ ગંભીરપણે ગેરમાર્ગે દોરનારો છે એટલું જ નહિ, તે ઉશ્કેરણીજનક અને વિભાજનકારી ઈરાદાસરનો પણ છે.
આ લેખની પહેલી જ લાઈનમાં ‘નરેન્દ્ર મોદી અને ભાજપ કથિતપણે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગે છે’નું લખાણ તદ્દન પાયાવિહોણું છે. નિર્ણયપ્રક્રિયા અને વહીવટ-શાસનના કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના લગભગ બે દાયકા લાંબા રાજકીય જીવનમાં ભારતને હિન્દુ રાષ્ટ્રમાં રુપાંતરિત કરવાનો કોઈ પણ એજન્ડા જોવા મળ્યો નથી જેના પર આ કથિત લેખક કલ્પનાના ઘોડા દોડાવવા જેવો ભાર મૂકી રહ્યા છે.
યુકે, ગ્રીસ, ડેનમાર્ક અને કેટલાક યુરોપિયન દેશોને ક્રિશ્ચિયન રાષ્ટ્ર ઠરાવતી દલીલ પણ ટકી શકે તેવી નથી. બહુસંસ્કૃતિવાદ યુકેના રાષ્ટ્રસિદ્ધાંતના હાર્દરુપ હોવા વિશે જરા પણ શંકા નથી. આ દેશમાં વિવિધ વંશીય-ધાર્મિક સમૂહોને ઉછરવાનું પોષણ મળ્યું છે અને વ્યક્તિના અંગત ધર્મ હોય કે ના હોય તેનું પાલન કરવાની નિર્વિરોધ તક આપવામાં આવી છે.
મસ્કતમાં હિન્દુ પૂજાસ્થળો પર પ્રતિબંધ લદાઈ રહ્યો હોવાનું વર્ણન પણ ગેરમાર્ગે દોરનારું છે ત્યારે, યુકેના કહેવાતા બેરિસ્ટર લેખકની વિશ્વસનીયતા પર શંકા ન ઉપજે તો જ નવાઈ કહેવાશે. અમે પ્રાપ્ત કરેલા તમામ રેકોર્ડ્ઝ આવા દાવા કરાયેલી બાબતો અને તેની મૌલિકતા - વિશ્વસનીયતાને ફગાવી દેવા માટે પૂરતાં છે.
આ કથિત લેખ નરી બનાવટ કે ઉપજાવી કાઢેલો છે તેવા તારણ પર આવવા માટે ઘણા કારણો છે.
આરંભથી વાત કરીએ, ભારતના ૧૯૪૭ના વિભાજન પહેલાની પણ વાત પણ યાદ કરી લઈએ. ભારતનું સામાજિક પોત બિનસાંપ્રદાયિક જ છે અને તે પણ માત્ર નામ ખાતર નહિ તમામ પાસાઓમાં ધર્મનિરપેક્ષ રહ્યું છે. ભારતમાંથી અલગ થઈને ઈસ્લામિક રાષ્ટ્ર બનવાના પાકિસ્તાનના નિર્ણય છતાં, ભારત પોતાના બહુસાંસ્કૃતિક/ બહુધર્મીય ભાવનાને જાળવી રાખવાના માર્ગથી કદી દૂર થયું નથી.નવા સ્વતંત્ર બનેલા ભારતમાં બંધારણના પ્રકાર વિશે બંધારણસભામાં ગરમાગરમ ચર્ચા ચાલી રહી હતી ત્યારે ૧૯૪૮ની ૧૫ નવેમ્બરે પ્રોફેસર કે.ટી. શાહે હસ્તક્ષેપ કરી બંધારણના આમુખ-પ્રસ્તાવનામાં ‘સેક્યુલર-ધર્મનિરપેક્ષ’ શબ્દ ઉમેરવાની માગણી કરી હતી. બંધારણ સભાના સભ્યો બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતોનું પાલન કરવાના ભારતીય રાષ્ટ્રના સ્વરુપ વિશે સહમત થયા પછી, ‘સેક્યુલર’ શબ્દ આમુખમાંથી પડતો મૂકાયો હતો. આશરે ત્રણ દશક પછી, ઈન્દિરા ગાંધીની સરકારે આગવા રાજકીય કારણોસર બંધારણમાં ૪૨મા સુધારા તરીકે તેનો સમાવેશ કર્યો ત્યારથી આ શબ્દ ફરી બંધારણમાં આવ્યો હતો.
ફેબ્રુઆરી ૧૯૪૯માં સરદાર પટેલે ઉદ્યોગપતિ આર.એમ. બિરલા સમક્ષ સ્પષ્ટ કહ્યું હતું કે,‘હિન્દુ રાષ્ટ્ર અયોગ્ય વિચાર છે, તે પાગલપન છે. તે ભારતના આત્માને ખતમ કરી નાખશે.’
ભારતીય બંધારણના જનક ડો. બી.આર. આંબેડકરે કહ્યું હતું,‘ જો હિન્દુ રાજ હકીકત બનશે તો આ દેશ માટે સૌથી મોટી આફત બનશે. કેટલાક હિન્દુઓ ભલે ગમે કહે, હિન્દુ રાષ્ટ્ર સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ માટે મોટું દૂષણ બની રહેશે. આ કારણસર તે લોકશાહી માટે સુસંગત નથી. કોઈ પણ હિસાબે હિન્દુ રાજ અટકાવવું જોઈએ.’ ગુજરાત સરકારના પ્રકાશન ‘Partition of Hind or Pakistan – પાર્ટિશન ઓફ હિન્દ ઓર પાકિસ્તાન’ના પાના નંબર ૪૨૦ પર ડો. બી.આર. આંબેડકરને ટાંકીને આમ કહેવાયું છે. આ પુસ્તક ૧૯૯૮માં પ્રસિદ્ધ થયું હતું અને તેની પ્રસ્તાવનાઓ તત્કાલીન મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ, યુનિયન મિનિસ્ટર મેનકા ગાંધી અને રાજ્ય પ્રધાન મહેન્દ્ર ત્રિવેદી દ્વારા લખાઈ હતી.
હિન્દુત્વવાદી નેતાના વિચારો પણ જરા અલગ ન હતા. ડો. શ્યામા પ્રસાદ મૂખરજીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,‘ હિન્દુ મહાસભા મૂલતઃ સાંપ્રદાયિક છે કારણકે તેની મૂળભૂત માન્યતા હિન્દુ રાષ્ટ્રની આસપાસ વણાયેલી છે.’
પવિત્ર ગ્રંથ ઋગ્વેદમાં ‘ઈશ્વર એક, નામ અનેક’ની ઘોષણા કરવામાં આવી છે તેવો ઉદાહરણરુપ માપદંડ ભારતે વિશ્વ માટે સ્થાપિત કર્યો છે.
હિન્દુત્વ સનાતન ધર્મનો પર્યાય છે. તમામ આસ્થા, માન્યતા અને ધર્મોના લોકોએ ભારતમાં આદર-સન્માન મેળવ્યાં છે. આ જ પ્રમાણે, યુકેમાં ૮૫ ટકા વસ્તી ક્રિશ્ચિયન હશે તો પણ તે વિવિધ ધર્મોની સિનર્જી-સહક્રિયા છે.
ઉશ્કેરણી કરવાનો કોઈ પ્રયાસ પણ થવો ન જોઈએ.
૧૧૦ મિલિયનથી વધુ સભ્યો સાથે ભાજપ વિશ્વમાં સૌથી મોટો રાજકીય પક્ષ છે. ભારત હિન્દુ રાષ્ટ્ર બની રહ્યું છે તેવો જોખમી અને ગેરમાર્ગે દોરનારા ઝેરી પ્રચારને સાચો માનનારા પણ નહિ જ મળે.

કદી મૌન રાખી સહન ન કરશો

રવિવારે લંડન આળસ મરડી જાગ્યું ત્યારે ભારતીય મૂળની સગર્ભા ડોક્ટર મિનલ વિઝની હૃદયસ્પર્શી તસ્વીર જોવાં મળી જેમના હાથમાં સફેદ કાગળમાં લાલચટ્ટાક અક્ષરે લખાયેલું પ્લેકાર્ડ ચિત્કારીને કહેતું હતું, ‘હેલ્થકેર વર્કર્સનું રક્ષણ કરો.’ છ મહિનાની સગર્ભા કોરોના વોરિયર ડોક્ટર વિઝ એ બાબત ધ્યાન પર લાવવા માગતી હતી કે કોવિડ-૧૯ સામેના જંગમાં મોખરે લડી રહેલા ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (PPE)ના પૂરવઠાની અછત સામે પણ ઝઝૂમી રહ્યા છે.
તેમનું કહેવું હતું કે સરકાર તત્કાળ પગલાં ભરે, નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ના સભ્યોનું જીવન બચાવવા ઝડપી કાર્યવાહી કરે. વધુ સમય શાંત રહી શકાશે નહિ તેમ લાગતાં જ તેમણે એકલાંએ જ બ્રિટિશ વડા પ્રધાનના સત્તાવાર નિવાસ સ્થાન ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ સમક્ષ વિરોધ પ્રદર્શિત કર્યો.
આ દુર્લભ દૃશ્ય હતું. ડોક્ટર્સ અને ખાસ કરીને ભારતીય મૂળના, કદી વિરોધ કરવા શેરીમાં ઉતરી આવ્યા નથી. જોકે, ડોક્ટર મિનલનો વિરોધ તદ્દન વાજબી હતો.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની સક્ષમ નેતાગીરી હેઠળ યુકેએ કોરોના વાઈરસનો પ્રસાર અટકાવવા કામગીરી હાથ અવશ્ય ધરી પરંતુ તેમાં વિલંબ થયો હતો. અનેક રિપોર્ટ્સ સૂચવે છે કે વડા પ્રધાન જ્હોન્સને કોરોનાવાઈરસ મુદ્દે અતિ મહત્ત્વપૂર્મ પાંચ કોબ્રા મીટિંગ્સમાં હાજરી આપી ન હતી. આ મીટિંગ્સ જાન્યુઆરી અને ફેબ્રુઆરી જેટલી વહેલી યોજાઈ હતી. વડા પ્રધાનની અનુપસ્થિતિમાં હેલ્થ સેક્રેટરી હાજર રહ્યા હતા. યુકે પોતાના સ્રોતો સમયસર અને પૂરતા પ્રમાણમાં ગોઠવવા માટે ખાસ જાણીતું છે. કોરોના કટોકટી માટે પૂરતી તૈયારી કરવાના બદલે વહીવટીતંત્ર તેની અગાઉની હર્ડ ઈમ્યુનિટી થીઅરી પર કામ કરી રહ્યું હોય તેમ માનવાને કોઈ કારણ તો નથી પરંતુ, આશ્ચર્ય અવશ્ય થાય છે.

(એશિયન વોઈસમાં પ્રકાશિત ‘AS I SEE IT’ કોલમનો ભાવાનુવાદ)