નોર્થ લંડનના ઈમિગ્રેશન એડવાઈઝર પર અચોક્કસ મુદતનો પ્રતિબંધ

Wednesday 22nd January 2020 05:10 EST
 

લંડનઃ નોર્થ લંડનના બારનેટના વ્હીઝલો એસોસિએટ્સના કલ્પેશ કારિયા પર અચોક્કસ મુદત સુધી ઈમિગ્રેશન એડવાઈસ અથવા સર્વિસીસ પૂરી પાડવા પર પ્રતિબંધ મૂકાયો હતો. ઈમિગ્રેશન સર્વિસીસ કમિશનર દ્વારા ભલામણ કરાય તેવા સૌથી ગંભીર પ્રતિબંધમાં તેને ૪,૩૦૦ પરત ચૂકવવા માટે પણ આદેશ કરાયો હતો. બોબી કારિયા તરીકે પણ ઓળખાતા કલ્પેશ કારિયા પર ફર્સ્ટ ટીયર ટ્રિબ્યુનલ જનરલ રેગ્યુલેટરી ચેમ્બર (ઈમિગ્રેશન સર્વિસીસ)ના ચુકાદા બાદ આ પ્રતિબંધ મૂકાયો હતો.

વ્હીઝલો એસોસિએટ્સના કારિયાની કાર્યપદ્ધતિ વિશે કરાયેલી ગંભીર ફરિયાદની તપાસના પગલે તેનું OISC રજિસ્ટ્રેશન રદ કરી દેવાયું હતું અને ફર્સ્ટ ટીયર ટ્રિબ્યુનલ સમક્ષ કારિયા અને વ્હીઝલો એસોસિએટ્સ લિમિટેડ વિરુદ્ધ શિસ્તભંગના આરોપો મૂકાયા હતા.

નવેમ્બર ૨૦૧૯માં ટ્રિબ્યુનલમાં સુનાવણીમાં હર ઓનર જજ મેકમિલને વ્હીઝલો એસોસિએટ્સ લિમિટેડનું રજિસ્ટ્રેશન રદ કરવાના કમિશનરના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.

કારિયા અને વ્હીઝલો એસોસિએટ્સ લિમિટેડ બન્ને પર ઈમિગ્રેશન એડવાઈસ અને/અથવા સર્વિસ પૂરી પાડવા પર અચોક્કસ સમય માટે પ્રતિબંધ ફરમાવાયો હતો અને ફરિયાદી પાસેથી લીધેલી ૪,૩૦૦ પાઉન્ડની ફી પરત ચૂકવી આપવા આદેશ અપાયો હતો.

ચુકાદા અંગે પ્રતિભાવમાં ઈમિગ્રેશન સર્વિસ કમિશનર જહોન ટકેટે જણાવ્યું હતું કે કલ્પેશ કારિયાને પોતાના ઈમિગ્રેશન કેસ જાતે ન ચલાવી ન શકતા લોકોને સલાહ આપવાનું કામ સોંપાયું હતું. તેણે તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો અને તેમનો વિશ્વાસભંગ કર્યો.


comments powered by Disqus