લંડનઃ વિઝા એન્ડ અપીલ સર્વિસીસ યુકે, બોલ્ટનના માલિક અને સોલ ઈમિગ્રેશન એડવાઈઝર હામીદઅલી મુસા જીવાને અનરેગ્યુલેટેડ ઈમિગ્રેશન એડવાઈસ અને સર્વિસીસ પૂરી પાડવા બદલ બોલ્ટન ક્રાઉન કોર્ટ દ્વારા ૧૮ મહિનાનો કોમ્યુનિટી ઓર્ડર,૧૮૦ કલાકની કોમ્યુનિટી પેબેક સજા અને ખર્ચ તથા વળતર પેટે કુલ ૩,૫૦૦ પાઉન્ડ કરતાં વધુ રકમ ચૂકવવા આદેશ કરાયો હતો. કોર્ટે તેમને ૧૬ જાન્યુઆરીને ગુરુવારે આ સજા ફરમાવી હતી.
કાયદાની જરૂરિયાત મુજબ પોતે ઓફિસ ઓફ ધ ઈમિગ્રેશન સર્વિસીસ કમિશનર (OICS) દ્વારા અધિકૃત ન હોવાનું જાણવા છતાં અગાઉ સંખ્યાબંધ ગ્રાહકોને અનરેગ્યુલેટેડ ઈમિગ્રેશન એડવાઈસ અને સર્વિસીસ પૂરી પાડવા બદલ જીવાને ચાર કાઉન્ટ માટે દોષી ઠેરવાયા હતા. તેમના પર હજુ ત્રણ ગુના પેન્ડિંગ છે.
રેકોર્ડર એશવર્થે જીવાને જણાવ્યું હતું કે ગંભીર બાબતમાં આ સ્પષ્ટપણે વિશ્વાસભંગ હતો. આ બધું લાંબા સમયથી ચાલતું હતું. તમે સંપૂર્ણ રીતે જાણતા હતા કે તમને આ કામગીરી કરવા માટે પરવાનગી નથી. તે છતાં તમે ઈમિગ્રેશન વિશે સલાહ આપનારા લાયક ઈમિગ્રેશન એક્સપર્ટ તરીકે વર્તન કર્યું.
આ ચુકાદા વિશે ઈમિગ્રેશન સર્વિસીસ કમિશનર જહોન ટકેટે જણાવ્યું હતું કે જીવાએ ગેરકાયદેસર કામકાજ પસંદ કર્યું હતું.