બ્રેન્ટના RISE કાર્યક્રમમાં નીસડન ટેમ્પલના બાળકો - યુવાનોએ ભાગ લીધો

Wednesday 22nd January 2020 05:05 EST
 
 

૧૮ જાન્યુઆરીને શનિવારે બ્રેન્ટના વેમ્બલી પાર્કમાં પાંચ માળના ભવ્ય સ્ટેજ પર ‘બ્રેન્ટ ધ બરો ઓફ કલ્ચર્સ’ના ઉદઘાટન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ શો RISEમાં સ્કૂલો, ક્લબો અને કોમ્યુનિટી ગ્રૂપ્સના ૩૦૦થી વધુ કલાકારો સાથે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડનના બાળક અને યુવાનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં હજારો દર્શકો સાથે મેયર ઓફ લંડન સાદિક ખાન ઉપસ્થિત રહ્યા હતા. નાટક, ડાન્સ, મ્યુઝિક અને પ્રોજેક્શનના માધ્યમથી બ્રેન્ટની ગાથાનું વર્ણન કરાયું હતું. ૨૦૧૮માં બ્રેન્ટને ૨૦૨૦ની લંડન બરો ઓફ કલ્ચર જાહેર કરવામાં આવી હતી.

૪૫ મિનિટના આ અદભૂત શોમાં મેટ્રોલેન્ડના મૂળથી ટ્રોજન રેકોર્ડ્સના પ્રાગટ્ય અને ગ્રૂનવીક સ્ટ્રાઈક્સના સંગ્રહ કરાયેલા ફૂટેજ દ્રશ્યો સાથે આ બધી વાત સંગીતના તાલે નૃત્યના માધ્યમથી રજૂ કરાઈ હતી. તેમાં માઈગ્રેશન અને મૂવમેન્ટની ઘણી વાતો અને બ્રેન્ટનો ઈતિહાસ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરના બાળકોએ શાંતિ, સુમેળ અને લોકલ કોમ્યુનિટીમાં તેમજ વિશ્વભરમાં સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે શાંતિ પાઠ - વેદિક પ્રાર્થના રજૂ કર્યા હતા. વિશાળ સ્ક્રીન્સ પર મંદિરના દ્રશ્યોના પ્રોજેક્શન સાથે મંદિરના બાળકો અને યુવાનોએ ટૂંકો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો.

જાણીતા ડીજે અને ગાયક જનરલ લેવીએ Incredible રજૂ કર્યું હતું. કાર્યક્રમ બાદ જનરલ લેવીએ જણાવ્યું હતું કે આ અદભૂત કાર્યક્રમ હતો. તેમાં ભાગ લઈને મને ખૂબ આનંદ થયો. વિવિધ સંસ્કૃતિના લોકોએ સ્ટેજ પર સાથે મળીને બરો ઓફ બ્રેન્ટની પ્રસ્તુતિ કરી તે નિહાળવાની ખૂબ મજા આવી.

લંડન બરો ઓફ કલ્ચર પ્રોજેક્ટની રચના લંડનના મેયર સાદિક ખાને ૨૦૧૭માં કરી હતી. સાદિક ખાન આ વર્ષે યોજાનારા દરેક કાર્યક્રમમાં ભાગ લેનારા યુવાનોના ગ્રૂપ બ્લૂપ્રિન્ટ કલેક્ટિવના યુવા સભ્યોને પણ મળ્યા હતા. સાદિક ખાને કલાકારો અને વોલન્ટિયર્સ સાથે સેલ્ફી પણ પડાવી હતી.

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરના અગ્રણી વોલન્ટિયર દેવન પારેખે જણાવ્યું હતું કે નીસડન મંદિર ૧૯૯૫માં ખૂલ્યું ત્યારથી તે બ્રેન્ટની સમૃદ્ધ સંસ્કૃતિના અખંડ ભાગ રહ્યું છે. અમે મંદિરના ૨૫મા સ્થાપના દિનની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે લંડન બરો ઓફ ધ કલ્ચર તરીકે એક વર્ષની પ્રવૃત્તિઓની શરૂઆતમાં બરોને સપોર્ટ કરવાનું ખૂબ યોગ્ય છે. આ વિશેષ વર્ષની ઉજવણીમાં ભાગ લેવા માટે લંડનના તેમજ દેશના વિવિધ વિસ્તારોમાંથી વધુ મુલાકાતીઓ આવે તેમને આવકારવા અમે ઉત્સુક છીએ.


comments powered by Disqus