• બ્રિટનમાં વીગન ફૂડની માગમાં વધારો
ગયા વર્ષે બ્રિટનના સુપરમાર્કેટના શેલ્ફ પર મૂકાયેલી દર ચાર નવી ફૂડ પ્રોડક્ટ્સમાંથી એક વીગન હતી જે દર્શાવે છે કે વીગનની માગ ખૂબ ઝડપથી વધી રહી છે. બે વર્ષ અગાઉ ૫૦ ટકાની સરખામણીએ હવે લગભગ ૬૬ ટકા જેટલાં બ્રિટિશર મીટની વૈકલ્પિક ખાદ્યસામગ્રી પસંદ કરે છે. આ જ સમયગાળામાં મીટ ખાવાનું ઓછું અથવા મર્યાદિત કરનારા લોકોની ટકાવારી ૨૮થી વધીને ૩૯ ટકા થઈ હતી. માર્કેટ રિસર્ચ કંપની મિન્ટેલને જણાયું હતું કે ગયા વર્ષે મીટ-ફ્રી વૈકલ્પિક ખાદ્યવસ્તુઓનું વેચાણ ૪૦ ટકા વધીને અંદાજે ૮૧૬ મિલિયન પાઉન્ડ થયું હતું.
• સૌથી મોટા ફ્રોડની ટ્રાયલમાં વકીલોને ફી પેટે £૪૦ મિલિયન મળશે
બ્રિટનના સૌથી મોટા છેતરપિંડીના કેસની અદાલતી કાર્યવાહીમાં વકીલોને ફી પેટે આશરે ૪૦ મિલિયન પાઉન્ડ મળશે. FTSE 100 સોફ્ટવેર ડેવલપર ઓટોનોમીના સ્થાપક માઈક લીંચ સામે હેલેટ પેકાર્ડે કરેલા ૩.૮૫ બિલિયન પાઉન્ડ (૫ બિલિયન ડોલર)ના ડેમેજીસ ક્લેઈમમાં બન્ને પક્ષને દર મહિને ૨ મિલિયન પાઉન્ડથી વધુનો ખર્ચ થયો હતો. હાઈ કોર્ટમાં લગભગ દસ મહિના ચાલેલી સિવિલ ટ્રાયલ ૧૬ જાન્યુઆરીએ પૂરી થઈ હતી. આ કેસનો ચુકાદો સમર પહેલા આવે તેવી શક્યતા નથી.
• ફ્લાઈટમાં બોમ્બ મૂકાયાની ધમકી આપનારને જેલ
ગેટવિક એરપોર્ટ પરથી ઉપડતી પોતાની ફ્લાઈટ ચૂકી જવાશે તેવા ડરને લીધે વિમાનમાં બોમ્બ મૂકાયો હોવાની ધમકી આપનારા નોર્થ લંડનના બ્રેન્ટમાં રહેતા ૩૨ વર્ષીય રશીદ ઉલ ઈસ્લામને ૧૬ મહિનાની જેલની સજા કરાઈ હતી. પ્રવાસી રશીદ પોતાની ફિયાંસીને મળવા માટે મરાક્કાશ જઈ રહ્યો હતો ત્યારે મોડો પડતાં તેણે પોલીસ સહિત ત્રણ વિભાગોમાં ખોટા કોલ કર્યા હતા. લેવિસ ક્રાઉન કોર્ટ સમક્ષ તેણે ખોટી માહિતી આપી હોવાનું કબૂલ્યું હતું.
• નવા કોઈન પર ‘ક્વીન’ (તમે સમજો છો તે નહીં) !
બ્રિટિશ ચલણમાં સામાન્ય રીતે એક જ ક્વીનની તસવીર માટે જગ્યા હોય છે. પરંતુ, હવે ક્વીનની બે તસવીર મૂકાશે. કોમનવેલ્થ કોઈન્સમાં એલિઝાબેથ દ્વિતીયની સાથે રોક બેન્ડ ક્વીનની તસવીર પણ મૂકાશે. બેન્ડને બીરદાવવા માટે મ્યુઝિક લેજન્ડ્સ સિરીઝના ભાગરૂપે રોયલ મિન્ટ દ્વારા એક કલેક્શન બહાર પડાયું છે. આ કોઈન્સ પર ક્વીન બેન્ડના તમામ ચાર મેમ્બર્સના ઈન્સ્ટ્રયુમેન્ટસ દર્શાવાયા છે. તેમાં ફ્રેડી મર્ક્યુરીએ જે પિયાનો વગાડ્યો હતો તેનો પણ સમાવેશ થાય છે.
• પાંચમાંથી એક વયસ્ક બાળપણમાં અત્યાચારનો ભોગ
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રહેતા પાંચમાંથી એક વયસ્ક બાળપણમાં અત્યાચારનો ભોગ બન્યા હોવાનું સરકારી સર્વેમાં જણાયું હતું. તેમાં સૌથી સામાન્ય પ્રકારનો અત્યાચાર ઘરેલુ હિંસા, તે પછી લાગણીકીય, અને તે પછી શારીરિક અથવા જાતીય અત્યાચાર આવે છે. છોકરાંઓ કરતાં છોકરીઓને સૌથી વધુ અસરની શક્યતા હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જણાવાયું હતું. ૫.૧ મિલિયન મહિલા એટલે કે સર્વે કરાયેલી ચારમાંથી એક મહિલાએ ૧૬ વર્ષની વયે પહોંચ્યા પહેલા અત્યાચારનો ભોગ બન્યાનું જણાવ્યું હતું. પુરુષોમાં આ દર છમાંથી એક હતો.
• આધેડ વયે નિયમિત સેક્સથી મેનોપોઝ મોડું આવે
આધેડ વયે નિયમિત જાતીય સમાગમ કરતી મહિલાઓ મોડા મેનોપોઝમાં પ્રવેશતી હોવાનું અભ્યાસમાં જણાયું હતું. લગભગ એક દાયકા સુધી ૩,૦૦૦ આધેડ મહિલાઓના અભ્યાસમાં જણાયું હતું કે અઠવાડિયામાં એક વખત જાતીય સમાગમ કરતી મહિલાઓને મહિનામાં એક વખત કરતાં ઓછું જાતીય સમાગમ કરતી મહિલાઓની સરખામણીમાં મેનોપોઝની શક્યતા ૨૮ ટકા ઓછી જણાઈ હતી. સંશોધકોએ જણાવ્યું હતું કે શરીરને એવું લાગે કે ગર્ભાવસ્થા શક્ય છે તેવા સંજોગોમાં તે લાંબા સમય સુધી પ્રજનનક્ષમ રહી શકે તેવું એક કારણ હોઈ શકે.
• પુરુષો કરતાં મહિલાઓની રક્તવાહિનીઓ વહેલી નબળી પડે
મહિલાઓની રક્તવાહિનીઓ પુરુષો કરતાં વહેલા નબળી પડે છે. તેને લીધે સમાન વયના પુરુષની સરખામણીએ મહિલાઓમાં હાઈ બ્લડ પ્રેશર વધુ જોખમી બનતું હોવાનું અભ્યાસમાં જણાયું હતું. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ તારણે મહિલાઓમાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગો પુરુષોની સરખામણીમાં ૧૦થી ૨૦ વર્ષ મોડા થવાના મંતવ્ય માટે પડકારજનક છે. તેમણે ડોક્ટરોને આ જોખમને ધ્યાને લેવા તાકીદ કરી હતી.
• સિંગલ મહિલાઓને સ્ત્રીબીજ ફ્રિઝ કરાવવા પરવાનગીની માગ
ચીનના રાજકારણી ઝાઉ યુઆને ચીનની સીંગલ મહિલાઓને તેમના સ્ત્રીબીજ ફ્રિઝ કરાવવા માટે પરવાનગી આપવા અનુરોધ કર્યો હતો. તેનાથી લગ્ન વગર બાળક ન થઈ શકે તેવા પ્રતિબંધનો સામનો કરવામાં મદદ મળશે. પૂર્વી પ્રાંત ઝેજિયાંગના પીપલ્સ કોંગ્રેસના પ્રતિનિધિ યુઆને સૂચવ્યું હતું કે દેશના ઓછાં જન્મદરને વધારવામાં પરિણિત મહિલાઓ જેટલાં જ સીંગલ મહિલાઓના પ્રજનનના હક્ક છે. ચીનના કાયદા મુજબ માત્ર પરિણિત મહિલાઓ અથવા કેન્સરથી પીડાતી મહિલાઓને જ સ્ત્રીબીજ ફ્રિઝિંગ સહિતની ફર્ટિલિટી ટ્રીટમેન્ટ મેળવવાની પરવાનગી છે. તેના માટે તેમણે જાતેજ ખર્ચ વેઠવો પડે છે.