અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરંગી ગણાય છે તેમાં મીનમેખ નથી. પહેલાં ઉતાવળિયા અને અર્થહીન નિર્ણયો લેવા અને તેને પાછાં ખેંચવાની તેમની તાસીર અને ખાસિયત રહી છે. તાજેતરમાં યુએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બાબતે કોરોના મહામારીના કારણે ‘ઓનલાઈન કોર્સીસ’ હોય તેમણે અમેરિકા છોડી જવું તેવા વિવાદિત ફરમાનથી અઢી લાખ ભારતીય સહિત ૧૦થી ૧૨ લાખ વિદેશી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં આવી ગયા હતા પરંતુ, આખરે તેમણે આદેશ પાછો ખેંચી લેતા રાહત થઈ છે.
મહત્ત્વની વાત એ છે કે હાર્વર્ડ યુનિવર્સિટી, એમઆઈટી સહિત ૨૦૦ જેટલી સંસ્થાઓ અને ૧૭ રાજ્યોએ પણ ટ્રમ્પના આદેશ વિરુદ્ધ ફેડરલ કોર્ટમાં કાર્યવાહી કરી હતી કારણ કે તેમના માટે પણ દૂરગામી આર્થિક સમસ્યા ઉપજાવનારો નિર્ણય હતો. ગૂગલ, ફેસબુક, માઈક્રોસોફ્ટ સહિત ટેકનોલોજી ક્ષેત્રની ટોચની ૧૨ કંપનીએ તેજસ્વી વિદ્યાર્થીઓ અમેરિકા છોડે તો ભવિષ્યમાં ટેકનોલોજી ક્ષેત્રે મોટું નુકસાન થવાની દલીલ સાથે નવી વિઝાનીતિનો વિરોધ કર્યો હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન જ ટ્રમ્પના તંત્રે પીછેહઠ કરવી પડી હતી. આટલા રાજ્યોએ કોઈ નોટિફિકેશન વિરુદ્ધ એક સાથે અરજી કર્યાની પ્રથમ ઐતિહાસિક ઘટના હતી. શૈક્ષણિક સંસ્થાઓમાં ઓનલાઈન ક્લાસીસ લેવાય તે મહામારીના કારણે સર્જાયેલી મજબૂરી છે. તેનાથી વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરી દેવાનું યોગ્ય ન જ ગણાય. નવું સેમેસ્ટર સપ્ટેમ્બર-ડિસેમ્બરથી શરૂ થતું હોય ત્યારે આવા નોટિફિકેશનથી અસંખ્ય વિદ્યાર્થીઓ સામે અચાનક સ્વદેશ જવાનો પડકાર સર્જાયો હતો કારણ કે મોટા ભાગના દેશોમાં હજુ હવાઈ ઉડ્ડયનો પણ શરૂ થયાં નથી. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ હાલત કફોડી થાય તે સ્વાભાવિક છે.
આવી જ પરિસ્થિતિ નોન-ઈમિગ્રન્ટ એચ-વનબી વિઝા રદ કરવા મુદ્દે સર્જાઈ છે. ટ્રમ્પ વહીવટીતંત્રે કોરોના મહામારીના કારણે સર્જાયેલી આર્થિક કટોકટીને આગળ ધરી ડિસેમ્બર સુધી વર્ક વિઝા સસ્પેન્ડ કર્યા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ વિઝા મેળવનારામાં ૭૦ ટકાથી વધુ ભારતીય પ્રોફેશનલ હોય છે. અમેરિકામાં એચ-વનબી વિઝા રદ કરવાના ટ્રમ્પના આદેશને સાત સગીર સહિત ૧૭૪ ભારતીયોના એક જૂથે કોર્ટમાં પડકાર્યો છે. ટ્રમ્પનો આદેશ છે કે ૨૪ જૂન સુધી H-1B, H4, J1 અને H2A વિઝાધારકો પાસે માન્ય વિઝા નહિ હોય તેમને ૩૧ ડિસેમ્બર સુધી યુએસમાં આવવા નહિ દેવાય. જોકે, આ વિઝાધારકોના હાલ ભારતમાં ફસાઈ ગયેલા જીવનસાથી અને આશ્રિતોને યુએસ આવવાની પરવાનગી મળશે.
અમેરિકા અને ટ્રમ્પ તેમની સંરક્ષણવાદી અને ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિઓ માટે જાણીતા છે. અમેરિકામાં નવેમ્બરમાં પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે ત્યારે ટ્રમ્પે ગુણવત્તા કે મેરિટ આધારિત નવી વિઝાનીતિ ઘડવાની જાહેરાત કરી છે. ટ્રમ્પનો દાવો છે કે નવી વિઝાનીતિથી વિશ્વના તેજસ્વી વિદ્યાર્થીઓ મેરિટના આધારે અમેરિકામાં આવી શકશે અને દેશને હોનહાર અને કુશળ વિદેશી વિદ્યાર્થીઓ મળશે.