કોરોનાનું બીજું આક્રમણઃ આપણે ક્યાં ઊણાં ઊતર્યા

Wednesday 23rd September 2020 05:59 EDT
 

વિશ્વભરમાં કોરોના વાઈરસ મહામારીએ માઝા મૂકી છે. એક સમયે એમ જણાતું હતું કે વાઈરસનો પ્રકોપ શમી ગયો છે અને ધીરે ધીરે ટોચ પરથી કેસીસ ઓછા થઈ રહ્યા છે પરંતુ, અચાનક કેસીસ વધવા લાગ્યા છે. ભારત, અમેરિકા અને બ્રાઝિલ તેમજ ખાસ કરીને યુરોપમાં તેની અસર વધારે જણાય છે. ફ્રાન્સ અને સ્પેન પછી યુકેમાં પણ સંક્રમિતોની સંખ્યા વધી છે. આના પરિણામે, બોરિસ જ્હોન્સન સરકારે પબ્સ, રેસ્ટોરાં અને હોટેલ્સ માટે રાત્રિ કરફ્યુ સહિત નવા નિયંત્રણો જાહેર કરવાની ફરજ પડી છે.
યુકેની જ વાત કરીએ તો એક પ્રશ્ન થાય કે કોરોના સંક્રમણે શા માટે નવેસરથી આક્રમણ કર્યું છે. આમાં વાંક કોનો ગણવો? સામાન્ય રીતે તો લોકો સરકાર પર પસ્તાળ પાડે તે સ્વાભાવિક છે. આ માનવ સ્વભાવ છે. સરકારે ઝડપી પગલાં લીધાં નહિ એટલે કોરોના વાઈરસને ફેલાવાની તક મળી છે તેમ પણ કહેવાતું રહ્યું છે. જો સરકારે પગલાં લીધાં ન હોય તો કોરોના રોગચાળો પહેલી વખત કાબુમાં આવ્યો કેવી રીતે? સરકારે તત્કાળ લોકડાઉન લાદ્યુ, લોકો અને બિઝનેસીસને આર્થિક રીતે સહન કરવું પડે નહિ તેના નિરાકરણ માટે નાણાકોથળી ખોલીને વિવિધ યોજનાઓ અમલમાં મૂકી, શાળાઓ બંધ કરાવી, લોકોને ઘરમાં જ રહીને સ્વસ્થ રહેવાની સલાહો પણ આપી. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ સરકાર કરે તે બધું જ બોરિસ સરકારે યુકેના નાગરિકો અને બિઝનેસીસ માટે કર્યું તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સે પણ ટાંચા સાધનો સાથે પણ અભૂતપૂર્વ કામગીરી બજાવી કોરોના રોગચાળાને મહાત્ કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી તે પણ આપણે ન ભૂલીએ.
હવે કોરોના વાઈરસ ફરી ત્રાટક્યો છે. રોજ નવા વિસ્તારોમાં કોરોના કેસીસ વધી રહ્યા હોવાના અહેવાલો આવતા જ રહે છે. લેસ્ટર હોય કે માન્ચેસ્ટર, નોર્થ ઈસ્ટ હોય કે નોર્થ વેસ્ટ, સ્થાનિક લોકડાઉનો લોકડાઉન લદાતા રહ્યા છે. શાળાઓમાં પણ બાળકો અને સ્ટાફ સંક્રમણનો શિકાર બની રહ્યાં છે. ભારત જેવા વધુ વસ્તી ધરાવતા દેશમાં કોરોનાના સંક્રમણની સરખામણીએ યુકેની હાલત વધુ ખરાબ છે.
અહીં મૂળ પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આપણે એટલે નાગરિકોએ કોરાના પર કાબુ મેળવવા શું કર્યું? બ્રિટિશ નાગરિકોએ પણ લોકડાઉનના પહેલા તબક્કામાં ક્વોરેન્ટાઈન કે એકાંતવાસ સહિત જે સાવધાની, સાવચેતી રાખવાની સલાહ અપાઈ હતી તેનું યથાયોગ્ય પાલન કર્યું. ખરી મુશ્કેલી તો મે મહિનામાં લોકડાઉન નિયંત્રણો હળવાં કરાયાં ત્યારથી થઈ છે. લોકડાઉનના ગાળામાં ઘરમાં પૂરાયેલા રહીને ત્રાસી અને થાકી ગયેલા લોકોએ તો જાણે ‘ડાહીનો ઘોડો રમતો જમતો છુટ્ટો’ થયો હોય તેમ સામાન્ય સમજને પણ તાળું મારી દીધું અને સામાજિક સંપર્કો વધારવામાં લાગી ગયા, પાર્ક્સ અને સમુદ્રીતટો પર ભારે ભીડના દૃશ્યો જોવાં મળ્યા. બ્રિટિશરો અને ખાસ કરીને યુવાવર્ગ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોની તો તદ્દન અવગણના કરવામાં જરા પણ પાછા પડ્યા નહિ. સવાલ એ પણ થાય કે બોરિસ સરકારે વર્કર્સને ઓફિસે કામે લાગવા પ્રોત્સાહિત કર્યા પરંતુ, કોરોના સંક્રમણના ડરે લોકો ઓફિસે જવામાં પાછીપાની કરે છે. આ જ લોકો ખાણીપીણીની વાત આવે એટલે રુલ ઓફ સિક્સ, ફેસ માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યા વિના પબ્સ, રેસ્ટોરાં અને હોટેલ્સની બહાર લાંબી લાઈનો લગાવે ત્યારે સંક્રમણનો ડર લાગતો નથી?
એ તો હકીકત છે કે કોઈ પણ સરકાર દેશને લાંબો સમય લોકડાઉન કે તાળાબંધી રાખી શકે નહિ કારણકે અર્થતંત્ર ભાંગી પડે તે પોસાય નહિ. અત્યારે પણ તાળાબંધીની દેખીતી અસર વેપારધંધા અને નોકરીઓ પર પડી છે. કોરોના વાઈરસ કાબુમાં આવ્યા પછી પણ બ્રિટિશ અર્થતંત્રને પૂર્વવત થવામાં એક દશકાથી વધુ સમય લાગી શકે છે. કોરોના વાઈરસને કાબુમાં લેવાની વેક્સિન તૈયાર કરવા વિશ્વભરના સંશોધકો કામે લાગી ગયા છે પરંતુ, હજુ સફળતા પ્રાપ્ત થઈ નથી અને ૨૦૨૧ના આરંભ સુધીમાં વેક્સિન આવે અને તે પછી લોકોને તેના ડોઝ આપી સુરક્ષિત કરી શકાય તેવા કોઈ અણસાર આજની પળે મળતા નથી. આવા સંજોગોમાં આપણે સહુએ સ્વનિયંત્રણ રાખવું આવશ્યક છે. આપણે સરકારનું કાર્ય મુશ્કેલ ન બનાવીએ એ જ નાગરિકધર્મ છે.


comments powered by Disqus