વસ્તીઘટાડો પણ નુકસાનકારી

Wednesday 23rd September 2020 06:00 EDT
 

વિશ્વની વસ્તી અત્યારે ૭.૬૦ બિલિયન છે અને વર્ષ ૨૦૫૦ સુધીમાં વધીને ૯.૮ બિલિયન થઇ જશે. વસ્તીવધારો વિશ્વના ભારત અને ચીન સહિતના દેશો સમક્ષની મોટી સમસ્યા છે. વસ્તીવધારાની બાબતે ચીન અને ભારત વિશ્વમાં અગ્રેસર છે. આ સાથે વિશ્વભરમાં ૬૦થી વધુ વયના નિવૃત્ત નાગરિકોની સંખ્યા ૯૬૨ મિલિયન છે તે વધીને ૨૦૫૦ સુધીમાં ૨૧૦૦ મિલિયન થઇ જશે. વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધનમાં તો વર્ષ ૨૧૦૦ સુધીમાં જાપાન, સ્પેન, ઇટાલી, થાઇલેન્ડ, પોર્ટુગલ, દક્ષિણ કોરિયા અને પોલેન્ડ સહિત ૨૩ દેશની વસ્તી અડધી થઈ જવાની આગાહી કરી છે.
વસ્તીવધારો અને વસ્તીઘટાડો એક જ સિક્કાની બે બાજુ છે. જોકે, ઘણા વિકસિત દેશોને વધારાની નહિ પરંતુ, વસ્તીઘટાડાની સમસ્યા નડી રહી છે. યુરોપના ડેનમાર્કમાં વસ્તી સતત ઘટી રહી હોવાથી સરકારને દેશના ભવિષ્ય માટે ચિંતા કરવી પડે છે. એવું નથી કે વસ્તી નથી પરંતુ, કાર્યક્ષમ વસ્તી ઓછી છે. તબીબી વિકાસ અને ટેકનોલોજીના પરિણામે મૃત્યુદર ઘટ્યો હોવાથી વયોવૃદ્ધ લોકોની વસ્તી વધે છે. હવે તો સરકારે દેશની વસ્તી વધારવા પોતાના નાગરિકોને વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરવા પડે તેવી સ્થિતિ પણ સર્જાય છે. આનું એક કારણ એ પણ છે કે કોઈ પણ દેશનો વિકાસ અને પ્રગતિ તેના કાર્યક્ષમ નાગરિકોને આભારી હોય છે. ભાવિ નાગરિકો જ જન્મતા ન હોય ત્યાં વિકાસ કોના માટે અને કોના થકી કરી શકાય તે પ્રશ્ન છે.
વસ્તીવધારાને મહદ્અંશે સમસ્યા તરીકે જોવાય છે પરંતુ, કેટલાક નિષ્ણાતો વસ્તીને ‘એસેટ’ એટલે કે સંપત્તિ ગણાવે છે. આર્થિક અને સામાજિક વિકાસમાં માનવબળ જરુરી રહે છે. જાપાને ઘણો વિકાસ સાધ્યો છે પરંતુ હવે ત્યાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી છે અને તેના કારણે ગંભીર સામાજિક અને આર્થિક સમસ્યાઓ સર્જાઈ છે.
આ જ રીતે, ચીનમાં ત્રણ દાયકાની વન ચાઇલ્ડ પોલિસીના કારણે યુવાનોની વસ્તી ઓછી છે. ચીને મોડા જાગીને પણ ૨૦૧૫માં વન ચાઇલ્ડ પોલિસીમાં છૂટછાટ આપી છે પરંતુ, લોકમાનસ બદલાઈ ગયું છે.થોડા સમયમાં ચીનમાં વૃદ્ધોની વસ્તીનું પ્રમાણ યુવાનો કરતાં વધારે હશે. યુવાવસ્તીની અધિકતા જ વિકાસના દ્વાર ખોલે છે. યુવાવસ્તી એટલે વધુ કામ અને વધુ સામાજિક ઉત્પાદકતા. ભારતની વાત કરીએ તો સૌથી વધુ ૬૫ ટકા યુવાધન તેની મોટી સંપત્તિ છે જેના આધારે અનેક ક્ષેત્રોમાં દેશે વિકાસની દિશામાં હરણફાળ ભરી છે.
યુવાવસ્તીને અસર કરતા ઘણા પરિબળો છે. વિકસિત અને હવે તો અવિકસિત રાષ્ટ્રોમાં પણ યુવાવર્ગ (સ્ત્રી અને પુરુષ) અભ્યાસ અને કારકિર્દીને વધુ મહત્ત્વ આપે છે જેના પરિણામે લગ્નવય પાછી ઠેલાય છે અને મોટા ભાગે પ્રજનન ક્ષમતાને અસર પહોંચે છે. વર્તમાન યુગમાં સૌથી માઠી અસર સોશિયલ મીડિયાની જણાય છે. હવે તો તેનો પગપેસારો શયનખંડમાં થઈ ગયો હોવાથી બાળજન્મની શક્યતા ઘણી ઘટી જાય છે. જાપાન સરકારે પાણી પહેલા પાળ બાંધીને ઘર વસાવી લગ્નજીવન શરૂ કરવા ઈચ્છુક યુગલોને આર્થિક સહાયની જાહેરાત કરી છે જેથી જન્મદર વધી શકે. ઈટાલીમાં પણ બાળકના જન્મ સમયે સરકારે પ્રોત્સાહક રકમ આપવાની જાહેરાત કરી છે. આ બાબત અસ્તિત્વ ટકાવી રાખવાની જ છે.


comments powered by Disqus