યુએન સુરક્ષા પરિષદમાં ભારતને ફરી સ્થાન

Wednesday 24th June 2020 06:36 EDT
 

વિશ્વના ૧૯૩ દેશનું સભ્યપદ ધરાવતા યુનાઈટેડ નેશન્સ (યુએન)ની સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ભારતને આઠમી વખત સ્થાન હાંસલ થયું છે. સુરક્ષા પરિષદમાં અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ અને ચીન વીટોપાવર સાથેના પાંચ કાયમી સભ્ય છે અને પ્રાદેશિક સંતુલન જાળવવા માટે ૧૦ અસ્થાયી સભ્યોને દર બે વર્ષના કાર્યકાળ માટે ચૂંટવામાં આવે છે. ભારતનો કાર્યકાળ ૨૦૨૧-૨૦૨૨ સુધીનો રહેવાનો છે. સુરક્ષા પરિષદમાં સ્થાન મેળવવાથી જ યુએનની કાર્યપ્રણાલીમાં તે દેશનો મોભો વધી જાય તે સ્વાભાવિક છે.
એશિયા-પેસિફિક ક્ષેત્રની એક અસ્થાયી બેઠક માટે એક માત્ર ઉમેદવાર ભારતની તરફેણમાં કટ્ટર ભારતવિરોધી પાકિસ્તાને મતદાનનો બહિષ્કાર કર્યો તે સિવાય ૧૮૪ દેશે મત આપ્યો તે નોંધપાત્ર ગણી શકાય . આ જ દર્શાવે છે કે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ભારતનો દબદબો ઘણો વધી ચૂક્યો છે. ભારતે સૌપહેલા ૧૯૫૦માં સુરક્ષા પરિષદમાં અસ્થાયી સ્થાન હાંસલ કર્યું હતું અને હવે આઠ વર્ષ પછી ફરી આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેનું મહત્ત્વ એટલા માટે વિશેષ ગણી શકાય કે હાલ ચીન સાથે સરહદી વિવાદ વધ્યો છે, ચીનથી દોરવાયેલું નેપાળ પણ ભારતીય પ્રદેશો પર પોતાનો દાવો કરી રહ્યું છે અને પાકિસ્તાન તો યેનકેન પ્રકારેણ ભારતવિરોધ કરવામાં કદી પાછીપાની કરતું જ નથી.
સાત દાયકા અગાઉ સુરક્ષા પરિષદની રચના થઇ ત્યારે સંજોગો, સમસ્યાઓ અને પડકારો જુદાં હતાં. આજે આતંકવાદ, પરમાણુ પ્રસાર, ક્લાયમેટ ચેન્જ જેવા અલગ પડકારો છે. વર્તમાન સમયની સમસ્યાઓ ઉકેલવા વર્તમાન યુએન સંસ્થા સક્ષમ ન હોવાથી ભારત વર્ષોથી યુએન અને સુરક્ષા પરિષદના બંધારણ-માળખામાં પરિવર્તનનું અભિયાન ચલાવી રહ્યું છે. હકીકત તો એ છે કે ભારત સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદનું હકદાર છે. આ માટેની તમામ લાયકાત ભારત ધરાવે છે પરંતુ, કાયમી દુશ્મન એવા ચીનનો જગજાહેર વિરોધ છે કારણ કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું વધતું કદ તેને સ્વીકાર્ય નથી.
આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુસર રચાયેલી સુરક્ષા પરિષદની ૧૯૪૬ની પ્રથમ બેઠક પછી ભારતને કાયમી સ્થાનની ઓફર કરાઈ હોવાનું કહેવાય છે પરંતુ, ચીનને એ સ્થાન મળે તેવો આગ્રહ ભારતે રાખ્યો હતો. જાણવા જેવી હકીકત એ છે કે વર્તમાન ચીન (પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના - PRC) છેક ૧૯૭૧માં કાયમી સભ્યપદ મેળવી શક્યું, તે પહેલા રિપબ્લિક ઓફ ચાઈના (ROC - હાલ તાઈવાન) યુએન અને સુરક્ષા પરિષદનું સભ્ય હતું. સમયની બલિહારી જુઓ કે આજે એ જ ચીન ભારતને કાયમી સભ્યપદનો વિરોધ કરી રહ્યું છે. બીજી તરફ, અમેરિકા અને રશિયા જેવા કાયમી સભ્યો ભારતને વીટોપાવર વિના કાયમી સભ્ય બનાવવા રાજી છે પરંતુ, ભારતને આ શરત માન્ય નથી. કાયમી સભ્યપદ સાથે વીટોપાવર ન હોય એ તો દાંત વિનાના સિંહ જેવું ગણાય.
આ સ્થાન મેળવીને ભારત વૈશ્વિક શાંતિ, સુરક્ષા અને સમાનતાને આગળ વધારવા અન્ય દેશો સાથે મળીને કામ કરશે. ભારતે સુરક્ષા પરિષદમાં સ્થાન મેળવવા જે અભિયાન ચલાવ્યું હતું તેમાં પાંચ ‘સ’ (સન્માન, સંવાદ, સહયોગ શાંતિ અને સમૃદ્ધિ)નો સમાવેશ કરાયો હતો. વર્ષો નહિ, સદીઓથી ભારતનો આ જ માર્ગ રહ્યો છે.


comments powered by Disqus