સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી વિખ્યાત ગાયક સોનુ નિગમે એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં સોનુએ ઇન્ડસ્ટ્રીના લોકો પર નિશાન સાધીને જાણાવ્યું છે કે, ભવિષ્યમાં સંગીત ક્ષેત્રમાંથી પણ આવા દુઃખદ સમાચાર મળી શકે છે. કારણકે હાલ ગાયકો પણ ખૂબ જ મુશ્કેલીમાં છે. તેણે નામ લીધા વગર જ બે લોકો પર હુમલો કર્યો છે. આ સાથે સોનુએ ભારત-ચીન સીમા વિવાદ પર વાત કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. સોનુનો આ વીડિયો ખૂબ વાયરલ થયો છે.
સોનુ નિગમ કહે છે કે હું નાની ઉંમરમાં આ ક્ષેત્રમાં જોડાયો એટલે હું ખુશનસીબ છું પણ ઘણાં એવા લોકો છે જે સંગીતવિશ્વમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મારી સાથે પણ એવું વર્તન કરાયું છે. મારા ગીતો મારી પાસેથી ગવડાવીને ડબ કરવામાં આવ્યા છે. તેમ છતાં મારો સમય નીકળી ગયો છે પણ જે નવી પેઢી છે તેની અંદર જે ટેલેન્ટ છે તેની કદર કરો...
સોનુએ જણાવ્યું છે કે, હાલમાં ભારત અનેક પ્રકારના પ્રેશરમાંથી પસાર થઈ રહ્યું છે. એક જવાન જિંદગી જતી આપણે જોઇ છે. કોઇક ખૂબ જ નિષ્ઠુર હશે જે આનાથી પ્રભાવિત ન હોય. આ સિવાય ભારત-ચીન વચ્ચે જે થઈ રહ્યું છે તેમાં ભારતના ૨૦ જવાન શહીદ થયાં છે. હું પણ એક ભારતીય છું અને તેનાથી પણ વધારે મનુષ્ય છું. મને બંને બાબતોનું ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે.