કોમેડીમાં ગાંજોઃ ભારતી સિંહ અને હર્ષની ધરપકડ અને જામીન પર મુક્તિ

Wednesday 25th November 2020 05:14 EST
 
 

મુંબઈઃ શહેરની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે સોમવારે કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાના જામીન મંજૂર કર્યા છે. આ પહેલાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ તેમના ઘર અને ઓફિસ પર દરોડો પાડીને ૮૬.૫ ગ્રામ ગાંજો જપ્ત કર્યા બાદ શનિવારે તેમની ધરપકડ કરી હતી. બાદમાં આ કપલને ૧૪ દિવસ એટલે કે ચોથી ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યું હતું. 
એનસીબી અધિકારીઓએ આ પહેલાં જણાવ્યું હતું કે, ભારતી અને હર્ષે ગાંજાનું સેવન કરતા હોવાની વાત સ્વીકારી છે. જોકે આ કપલના એડ્વોકેટ અયાઝ ખાને એ આધારે ભારતી અને હર્ષના જામીનની માગણી કરી હતી કે, આ ડ્રગ્ઝનાં વેચાણનો કેસ નથી. વળી, તેમની પાસેથી મેળવવામાં આવેલો જથ્થો ઘણો ઓછો છે.
ઓફિસ-નિવાસસ્થાને દરોડા
કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની એનસીબીએ શનિવારે એનડીપીએસ એક્ટ ૧૯૮૬ની જોગવાઇ હેઠળ ધરપકડ કરી હતી. એનસીબી દ્વારા હાથ ધરાયેલી પૂછપરછ દરમિયાન ભારતી અને તેના પતિ હર્ષે ગાંજાનું સેવન કરતા હોવાની કબૂલાત કરી હતી. એક ડ્રગ પેડલરની પૂછપરછ દરમિયાન બંનેના નામ સામે આવ્યા બાદ એનસીબીને ભારતી સિંહના મુંબઇસ્થિત કાર્યાલય અને નિવાસસ્થાનની તપાસ દરમિયાન ગાંજો મળી આવ્યો હતો. બંનેના મુંબઇના અંધેરી, લોખંડવાલા અને વર્સોવા ખાતેના નિવાસસ્થાને રેડ પાડીને કલાકો સુધી પૂછપરછ કરી હતી. 
એનસીબી અધિકારી સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે તેમના નિવાસેથી નશીલો પદાર્થ મળ્યો હતો. પ્રતિબંધિત પદાર્થ તેઓ કઈ રીતે મેળવી રહ્યા હતા અને કેટલી વાર તેમણે તેની ખરીદી કરી હતી. તે બાબતનો તાગ મેળવવા એનસીબી પ્રયાસ કરશે.
ઉલ્લેખનીય છે કે બોલિવૂડ ડ્રગ કેસમાં આ પહેલાં ૨૦ નવેમ્બરના રોજ અર્જુન રામપાલની પૂછપરછ થઈ હતી. તે પહેલાં તેમની લિવ ઇન પાર્ટનર ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સની પણ પૂછપરછ થઈ હતી. 
ભારતી સિંહની કોમેડી શોથી નામના 
કોમેડી શોથી સમગ્ર દેશમાં જાણીતી બનેલી ભારતી ઇન્ડિયા લાફ્ટર ચેલેન્જથી કારકિર્દીની શરૂઆત કર્યા પછી કોમેડી સર્કસ, કોમેડી સર્કસ મહાસંગ્રામ જેવા શોમાં કામ કરી કોમેડિયન તરીકે નામના મેળવી ચૂકી છે. હાલમાં તે કપિલ શર્માના શો સાથે જોડાયેલી છે. 
ગુજરાતી હર્ષ લિંબાચિયા રાઇટર છે
હર્ષ લિંબાચિયાએ કેટલાક કોમેડી શોઝમાં કામ કર્યું છે. મધ્યમવર્ગીય ગુજરાતી પરિવારનો સભ્ય હર્ષ મુંબઈમાં જ જન્મ્યો અને મોટો થયો છે. તે સ્ક્રીનરાઇટર, પ્રોડયૂસર અને ટીવી શોઝનો 
હોસ્ટ છે.


comments powered by Disqus