લંડનઃ વડાપ્રધાન બોરિસ જહોન્સને નવી હાઈબ્રીડ કારના વેચાણ પર વર્ષ ૨૦૩૫ પહેલા પ્રતિબંધ અગાઉ દેશમાં વર્ષ ૨૦૩૦થી પેટ્રોલ - ડીઝલના વેચાણ પર પ્રતિબંધને સમર્થન આપ્યું હતું. જહોન્સને જણાવ્યું કે આખરી સમયમર્યાદાને ફરી પાંચ વર્ષ માટે આગળ લાવવામાં આવી છે. તેનો અર્થ એ કે યુકેમાં પ્રણાલિગત નવી પેટ્રોલ અને ડીઝલ કારના વેચાણનો દસ વર્ષમાં અંત આવશે. જોકે, યુકેમાં ૨૦૩૫ સુધી કેટલીક હાઈબ્રીડ કાર આવતી રહેશે. તેમણે ઉમેર્યું કે કાર્બન ઉત્સર્જન ન થાય તેવી હાઈબ્રીડ કાર અને વાનનું ૨૦૩૦ પછી પણ વેચાણ ચાલુ રહેશે. અગાઉ આ પ્રતિબંધ વર્ષ ૨૦૩૫થી અમલમાં મૂકવાનું આયોજન હતું. પરંતુ, હવે પાંચ વર્ષ પહેલાં જ આ પ્રતિબંધ અમલી બનાવવાનો નિર્ણય લેવાયો છે.
જોકે, વાહનચાલકો શક્ય તેટલી ઝડપે ઈલેક્ટ્રિક વાહનો તરફ વળે તેને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં યુકે ઈલેક્ટ્રિક વાહનો પાછળ ૨.૮ બિલિયન પાઉન્ડનું રોકાણ કરશે તેમ જહોન્સેને ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે ઈલેક્ટ્રિક કાર માટે લાંબો સમય ચાલે તેવી બેટરી વિક્સાવવા ગીગાફેક્ટરીમાં અને જમીન વિસ્તારમાં ચાર્જિંગ પોઈન્ટસ ઉભાં કરવા પાછળ આ રકમ વપરાશે.
આમ તો ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનને ઘટાડવા માટે દેશમાં વર્ષ ૨૦૪૦થી પેટ્રેલ અને ડીઝલ સંચાલિત કારના વેચાણ પર મનાઈ ફરમાવવાનું નક્કી થયું હતું. પરંતુ વડાપ્રધાન જહોન્સને આ પ્રતિબંધ ૨૦૩૫થી અમલી બનાવવાનું ગયા ફેબ્રુઆરીમાં ઠરાવ્યું હતું. જહોન્સને પર્યાવરણ નીતિ જાહેર કરતાં વર્ષ ૨૦૩૦થી જ પ્રતિબંધને લાગૂ કરવાની જાહેરાત કરી હતી. જો કે ડાઉન સ્ટ્રીટ પ્રવક્તાએ આ અંગે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો.