હાલમાં વિશ્વ કોરોનાના સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ભારતમાં પણ આ મહામારીને કારણે ઘણું નુકસાન થયું છે. લોકો પોતાની સામાન્ય જિંદગી જીવવાની રાહ જોઇ રહ્યાં છે. લાખો લોકોની રોજગારી જતી રહી છે. એવામાં દેશનાં ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટી જરૂરિયાતમંદોને મદદ કરી રહ્યાં છે. અભિનેત્રી જેકવેલિન ફર્નાન્ડિસે પણ આ મદદમાં સહકાર આપ્યો છે.
જેકવેલિને મહારાષ્ટ્રના પથરાજી અને સકુર એમ બે ગામડાં દત્તક લીધાં છે. જેકવેલિને આ સદકાર્ય એક એનજીઓ સાથે મળીને કર્યું છે. જેકીએ પોતાના પાલઘર પ્રોજેક્ટ માટે પણ એની સાથે ભાગીદારી કરી છે તે ત્યાંના રહેવાસીઓમાંના કુપોષણને સંપૂર્ણ રીતે ખતમ કરવા ઇચ્છે છે. જોકે આ માટે તેને ઘણો સમય લાગી શકે એમ છે. કોરોના મહામારી ભારતમાં ફેલાઈ તેના શરૂઆતના દિવસોમાં અભિનેત્રીએ કુપોષણ માટે જાગૃતિનું અભિયાન પણ ચલાવ્યું હતું.
જેકીએ આ ગામડાંઓને દત્તક લેતાં કહ્યું છે કે મારી ઈચ્છા છે કે અહીંના રહેવાસીઓ હંમેશાં ખુશાલ રહે અને તેમને કદી ભૂખમરો વેઠવો ન પડે.
જેક્વેલિન અને તેને મદદ કરનાર એનજીઓએ વ્યક્ત કર્યું છે કે, તેઓ મળીને આશરે ૧૫૫૦ લોકોને ભોજન પૂરું પાડશે અને આગામી ત્રણ વરસ માટેની દરેક જરૂરિયાત ચીજ-વસ્તુઓ તેમને ઉપલબ્ધ કરાવશે. શિશુના જન્મ પછી તેમનાં બાળકોની કઇ રીતે દેખરેખ રાખવી તેનું શિક્ષણ પણ માતાઓને આપવામાં આવશે.