‘કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહે’ કહેવતને પાકિસ્તાન હંમેશાં સાચી પાડતું રહે છે. ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા બ્લેક લિસ્ટ ના થવાય તે માટે પાકિસ્તાને મુંબઇ પરના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ જમાત ઉદ દાવાના આતંકી સૂત્રધાર હાફિઝ સઇદ, જૈશ એ મોહમ્મદના મસૂદ અઝહર અને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાયેલા દાઉદ ઇબ્રાહીમ સહિતના આતંકી સરદારો-સૂત્રધારો અને ૮૮ જેટલા આતંકવાદીઓ અને સંગઠનો પર આકરા આર્થિક પ્રતિબંધો લાદતા બે નોટિફિકેશન્સ ૧૮ ઓગસ્ટે જાહેર કર્યાં હતાં જેમાં, તેમની તમામ સ્થાવર અને જંગમ સંપત્તિની જપ્તી, બેન્ક ખાતા ફ્રિજ કરવા, વિદેશ પ્રવાસ અટકાવવા સહિતના પગલાંનો સમાવેશ થયો છે. જે આતંકીઓ પર પ્રતિબંધ લગાવાયો છે તેઓ મુખ્યત્વે IS, અલ કાયદા અને તાલિબાનના નાના સંગઠનો સાથે જોડાયેલા છે.
જોકે, પાકિસ્તાને અન્ય આશ્ચર્યકારી જાહેરાતમાં દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં હોવાનો સ્પષ્ટ ઈનકાર પણ કરી દીધો છે. માત્ર ૨૪ કલાકમાં પલટી મારી પાકિસ્તાને દલીલ કરી છે કે આ વ્યક્તિઓ અને સંગઠનોના નામ યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા તાજેતરમાં જારી થયેલી યાદી મુજબના છે. પાકિસ્તાને માત્ર તેમના પર પગલાં લેવાની જાહેરાત જ કરી છે. અમે તો યુએન ચાર્ટર પ્રમાણે આતંકીઓ સામે પગલાં લઇ રહ્યા છીએ. આમ જોઈએ તો, FATFની બેઠક પહેલા પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓ અથવા સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરાયાની પ્રથમ ઘટના નથી. ગત વર્ષે મે મહિનામાં પણ તેણે કેટલાક આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરવાનો દેખાવ કર્યો હતો. બ્લેક લિસ્ટમાં ઉત્તર કોરિયા અને ઈરાન પછી ત્રીજા દેશ બનવાની ઈમરાન સરકારની જરા પણ ઈચ્છા ન હોવાથી જ પાકિસ્તાન સરકારે ગ્રે લિસ્ટમાંથી બહાર આવવા માટે આ પાસો ફેંક્યો હોવાનું મનાય છે. પાકિસ્તાનને જૂન ૨૦૧૮માં વૈશ્વિક મની લોન્ડરિંગ અને ત્રાસવાદીઓને ભંડોળ પરના વોચડોગ FATFની ગ્રે યાદીમાં મૂકાયું હતું અને ૨૦૧૯ સુધીમાં સૂચવેલા પગલાં પર કાર્યવાહીની મહેતલ આપી હતી. જોકે, કોરોના મહામારીના પગલે મુદત વધારીને સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીની કરાઈ હતી. હવે FATFની આગામી સમીક્ષા બેઠક ઓક્ટોબરમાં મળવાની છે ત્યારે પાકિસ્તાનને ગ્રે યાદીમાં યથાવત્ રાખવા કે બ્લેક લિસ્ટ કરવા વિશે નિર્ણય લેવાશે.
દાઉદ પાકિસ્તાનમાં હોવાની રજૂઆત ભારત સતત કરતું આવ્યું છે, તેની ગુનાખોરી સબબે ડોઝિયેર્સ પણ આપવામાં આવ્યાં છે પરંતુ, પાકિસ્તાન દાઉદના મુદ્દે હંમેશાં નામક્કર જ રહ્યું છે. હકીકત એ છે કે દાઉદ પાકિસ્તાની સેના અને જાસૂસી તંત્રનો માનીતો રહ્યો છે કારણ કે ભારતમાં ઘૂસણખોરી અને આતંકની જાળ ફેલાવવામાં તે મદદરુપ રહ્યો છે. જોવાની વાત એ છે કે પાકિસ્તાન દ્વારા થયેલી વર્તમાન કાર્યવાહીમાં ૧૯૯૩ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ભારત દ્વારા મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહીમનું નામ પહેલી જ વાર પ્રકાશમાં આવ્યું છે. આ દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં હોવાની હકીકતનો એકરાર છે. પાકિસ્તાની દસ્તાવેજોમાં દાઉદના ઘરના ત્રણ સરનામાં અને ૧૪ પાસપોર્ટનો પણ ઉલ્લેખ કરાયો છે. જોકે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારતીય મીડિયા સામે પાયાવિહોણા રિપોર્ટ્સ આપવાનો આક્ષેપ પણ લગાવી દીધો છે. જોકે, પાકિસ્તાન પોતાના જ નાટકમાં ભેરવાઈ પડયું છે. અત્યાર સુધી પાકિસ્તાન પોતાના દેશમાં આતંકીઓ અને આતંકી પ્રવૃતિઓ હોવાનો સ્પષ્ટ ઈનકાર કરતું રહ્યું છે. તેણે તો ઉલટું, પોતે જ આતંકવાદનો શિકાર બન્યાની દલીલો કરી છે. હવે પાકિસ્તાને ખુદ જ આ યાદી અનુસાર કાર્યવાહી કરવાની જાહેરાત કરવી પડી છે.