અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ ૧૪મી જૂને મુંબઈમાં તે જ્યાં રહેતો હતો તે ફ્લેટમાંથી મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે સુશાંતે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો, પરંતુ પાછળથી સુશાંતના કુટુંબીજનો સહિતે શંકા વ્યક્ત કરી હતી કે સુશાંતની હત્યા થઈ છે. પટણામાં કુટુંબીજનો સહિતનાની વિવિધ કાયદેસર ફરિયાદોના આધારે આ કેસની તપાસ
શરૂ કરાઈ છે. હાલમાં આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તથા ક્રાઈમબ્રાંચ પણ કેસની તપાસ કરી રહ્યાં છે.
આ કેસમાં સુશાંતના ફ્લેટમેટ રહી ચૂકેલા સિદ્ધાર્થ પિઠાણી અને કૂક નીરજ સિંહની પણ પૂછપરછ કરાઈ હતી. સુશાંતના મૃતદેહને ફંદા પરથી ઉતારવા અંગેના ફ્લેટમેટ, કૂક અને હેલ્પરના નિવેદનો વિરોધાભાસી હોવાનું જાણવા મળ્યું છે. સીબીઆઈ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની સાથેની છેલ્લી મુલાકાત પછી સુશાંતના વર્તન વિશે તપાસ કરશે તેવા અહેવાલ છે. રિયા અને તેના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તીને સીબીઆઈએ સમન્સ પણ મોકલ્યું છે. સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે કહ્યું છે કે, રિયા જો સીબીઆઈને તપાસમાં સહયોગ નહીં આપે તો તેની ધરપકડ પણ થઈ શકે છે. રિયાના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું છે કે રિયા અને તેના પિતા આ કેસમાં ચોક્કસ તપાસમાં સહયોગ કરશે.
ડિપ્રેશનના ગાળાના દસ્તાવેજ
ડિપ્રેશનના ગાળામાં સુશાંત જે રિસોર્ટમાં રોકાયો હતો તે ટીમ વોટરસ્ટોન રિસોર્ટમાંથી પણ સીબીઆઈએ ઘણા ડોક્યુમેન્ટ લીધા છે. સુશાંતના ખાતામાંથી થયેલી નાણાકીય લેવડ દેવડની કડી જોડવા માટે સીબીઆઈની એક ટીમ ઈડીના સંપર્કમાં છે. સુશાંતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રજત મેવાતીની પણ પૂછપરછ કરાઈ રહી છે.
અહેવાલો પ્રમાણે CBI દ્વારા રિયાની પૂછપરછમાં અહીં દર્શાવેલા મુદ્દે રિયાની પૂછપરછ થઈ શકે છે...
• સુશાંત સાથે રિયાની મુલાકાત કેવી રીતે થઈ અને સંબંધ આગળ કેવી રીતે વધ્યો?
• ૮મી જૂને રિયાએ શા માટે સુશાંતનું ઘર છોડવું પડ્યું અને સુશાંતના નંબરને શા માટે બ્લોક કરવો પડ્યો?
• સુશાંતના પરિવાર સાથે રિયાના સંબંધ? સુશાંતના મૃત્યુ પાછળ કે મૃત્યુ માટે સુશાંતના કુટુંબીજનો અને નજીકના લોકો શા માટે રિયાને જવાબદાર ગણાવીને આરોપ આરોપ લગાવી રહ્યા છે?
• સુશાંત સાથેની છેલ્લી મુલાકાત કેવી હતી? શું તમને લાગે છે કે સુશાંત આપઘાત કરી શકે?
• સુશાંતની કંપનીઓમાં રિયાની ભાગીદારી અને તેનું કાર્ય શું હતું?
• સુશાંતના ઘર, તેના એકાઉન્ટમાં રિયાની દખલગીરી કેવા પ્રકારે હતી?
• સિદ્ધાર્થ - નીરજે જણાવ્યું કે, યુરોપ ટ્રીપ પરથી આવ્યા પછી સુશાંત પરેશાન દેખાતો હતો. આ અંગે રિયા શું માને છે?
• સુશાંતે ફિલ્મોમાંથી કરેલી કમાણી અને તેમના ખર્ચ અંગેની જાણકારી માટે પણ રિયાને સવાલ જવાબ થઈ શકે છે.