નાઇજિરિયાની રાજધાની અબુજામાં રહેતી ૬૨ વર્ષીય સ્ત્રી ૩૮ ડિગ્રી તાપમાનમાં રસ્તે ટ્રાફિક કન્ટ્રોલ કરતી દેખાય છે. આ મહિલા ટ્રાફિક પોલીસકર્મી નથી, પરંતુ જજ મોનિકા ડોંગબેન છે. મોનિકાના દીકરા ક્વાપડાસનું મૃત્યુ એક કાર અકસ્માતમાં થયું હતું. દીકરો ગુમાવતાં મોનિકા ટ્રાફિક અંગે લોકોને જાગૃત કરે છે. છેલ્લાં ૮ વર્ષથી તે કોર્ટની ડ્યૂટી પૂરી કરીને રસ્તે ટ્રાફિક કન્ટ્રોલ કરે છે. મોનિકા કહે છે કે, ડ્રાઈવર્સને ટ્રાફિક નિયમોની ઓછી જાણકારી અને યોગ્ય ટ્રેનિંગનો અભાવ હોવાથી અકસ્માત થાય છે. તેથી તેણે આ અભિયાન શરૂ કર્યું છે.
મોનિકા કહે છે, ૨૦૧૧માં તેના દીકરાનો એક્સિડન્ટ થયો ત્યારે તે ઘટનાસ્થળે પહોંચ્યાં તે પહેલાં જ દીકરાનું મૃત્યુ થયું હતું. અકસ્માત નજરે જોનારાઓએ કહ્યું કે દીકરાને એક કારની ભયંકર ટક્કર વાગી હતી. રોડ પણ ખરાબ હતો. અનેક ફરિયાદો છતાં તેનું સમારકામ થયું નહોતું. મોનિકાએ દીકરાને ગુમાવતાં નિર્ણય લીધો કે બને તેટલા અકસ્માત અટકાવવા પ્રયત્ન કરશે.
મોનિકાએ જાહેર સ્થળે ડ્રાઈવર્સ સાથે વાતચીત કરી તો તેમને જણાયું કે વાહનચાલકોને ટ્રાફિકના નિયમો અંગે પૂરતી માહિતી નથી હોતી. મોનિકાએ ટ્રાફિક વિભાગ પાસેથી ટ્રાફિક ઓફિસરની ટ્રેનિંગ લઇ સ્થાનિક હેવિ વ્હીકલ્સ ચલાવતા ચાલકોને તાલીમ આપવાનું શરૂ કર્યું હતું.
તેમણે ‘ક્વાપડાસ રોડ એન્ડ સેફટી ડિમાન્ડ’ નામથી સંસ્થા પણ શરૂ કરી. આ સંસ્થા ડ્રાઈવર્સને ટ્રાફિકના કડક નિયમો શીખવે છે. હવે મોનિકા મફતમાં ટ્રાફિકના નિયમો અંગે તાલીમ આપતી ડ્રાઈવિંગ સ્કૂલ ખોલવા માગે છે. તેમનું માનવું છે કે આ કાર્ય કરવાથી તેમના દીકરાની આત્માને શાંતિ મળશે.

