અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પહેલા ભારત પ્રવાસમાં સોમવારે અમદાવાદ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિની આ ૨૪મી વિદેશયાત્રા હતી. ટ્રમ્પે ૨૦ જાન્યુઆરી ૨૦૧૭ના અમેરિકાના ૪૫મા પ્રમુખ તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ તેઓ પહેલા વિદેશ પ્રવાસમાં ૨૦ મે ૨૦૧૭ના રોજ સાઉદી અરબ ગયા હતા. આ પછી ૨૨ મેના રોજ ઇઝરાયલ પહોંચ્યા હતા.
જોકે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યાના ત્રણ વર્ષ અને એક મહિના બાદ ભારત પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળનું આ છેલ્લું વર્ષ છે. આ વર્ષે સંભવતઃ નવેમ્બર-ડિસેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે.
અત્યાર સુધીમાં સૌથી વધારે સમય માટે તેઓ ચાર વખત ફ્રાન્સ ગયા છે. વિદેશી મીડિયા અને આંતરરાષ્ટ્રીય મામલાઓના જાણકારો ટ્રમ્પના આ ભારત પ્રવાસને તેમનો પાંચમો સૌથી ચર્ચિત પ્રવાસ જણાવી રહ્યા છે.
અમેરિકી પ્રમુખે ભારત, અફઘાનિસ્તાન, ઓર્જેન્ટિના, કેનેડા, ચીન, ફિનલેન્ડ, ઇરાક, ઇઝરાયલ, નોર્થ કોરિયા, ફિલિપાઇન્સ, પોલેન્ડ, સાઉદી અરબ, સિંગાપોર અને વેટિકન સિટીની એક જ વખત મુલાકાત લીધી. જ્યારે બેલ્જિયમ, જર્મની, આર્યલેન્ડ, વિયેતનામની તેમણે બે વખત મુલાકાત લીધી છે. બીજી બાજુ તેઓ જાપાન, બ્રિટન ત્રણ વખત જઇ ચૂક્યા છે અને ફ્રાન્સની તેઓ ચાર વખત મુલાકાત લઇ ચૂક્યા છે.
ટ્રમ્પ - તાજ વચ્ચે ૩૦ વર્ષ જુનો નાતો
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તાજમહેલનો સંબંધ આશરે ૩૦ વર્ષ જુનો છે. જુલાઇ ૧૯૮૮માં તેમણે ન્યૂ જર્સીમાં આશરે ૧૬૦૦ કરોડ રૂપિયામાં તાજ કેસિનો એન્ડ હોટલ ખરીદી હતી. ૧૯ એકરમાં ફેલાયેલી આ હોટેલમાં ૨૪૨ સ્યુટ સહિત ૧૨૦૦ રૂમ હતા. તે સમય ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આ હોટેલને હું દુનિયાની આઠમી અજાયબી બનાવી દઇશ. તેના પર તેમણે ૬૦૦ કરોડ રૂપિયા ખર્ચ્યા, પણ તે દેવાળિયા થઇ ગયા અને ભાગીદારી વેચવી પડી. ઉલ્લેખનીય છે કે આ હોટેલના ઉદ્ઘાટનમાં માઇકલ જેક્સન સહિત અનેક દિગ્ગજ હસ્તીઓ આવી હતી.

