પાકિસ્તાનનો ફરી એક વખત બચાવ

Tuesday 25th February 2020 06:22 EST
 

પેરિસમાં ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા જૂન મહિના સુધીનો સમય અપાયો છે. આ ચાર મહિનામાં આતંકવાદના સફાયા માટે આવશ્યક ૨૭ પગલાં નહિ લેવાય તો બ્લેક લિસ્ટમાં મૂકવાની ચેતવણી અપાઈ છે. દેખીતી રીતે જ ચીન, મલેશિયા અને તુર્કી જેવા દેશોએ પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં જતાં બચાવ્યું છે.
મહત્ત્વની બાબત એ છે કે એક સમયે એમ લાગતું હતું કે આ વખતે ચીન પણ પાકિસ્તાનને સાથ નહિ આપે પરંતુ, છેલ્લી ઘડીએ તેણે પોતાના બગલબચ્ચા સમાન પાકિસ્તાનનો સાથ આપ્યો છે અને આતંકવાદી સંગઠનો પર અંકુશ મૂકવાના તેના પ્રયાસોની પ્રશંસા પણ કરી છે. ચીને ભલે ફરી એક વાર મહામુસીબતમાંથી બચાવી લીધું હોય પરંતુ, પાકિસ્તાને હવે બ્લેક લિસ્ટ થવાથી બચવા આતંકવાદને સમર્થન આપતી તેની તમામ ૧,૨૬૭ નાણાં સંસ્થાઓ અને તેની ભૂમિ પરથી કાર્યરત ૧,૩૭૩ આતંકવાદી સામે મજબૂત કાર્યવાહી કરવી પડશે.
આ બાબતે પાકિસ્તાનનું નાટક પણ કામ કરી ગયું છે. આતંકવાદીઓ વિરુદ્ધ સખ્ત પગલાં લેવાય છે તેના સમર્થનરૂપે લાહોરની આતંકવાદ વિરોધી અદાલતે મુંબઈ આતંકવાદી હુમલાને અંજામ આપનારા પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તોઇબાના સ્થાપક હાફિઝ સઇદને ટેરર ફંડિંગના મામલે કુલ ૧૧ વર્ષની સજા ફરમાવી છે. હાફિઝ અને નીતનવા નામે ફૂટી નીકળતાં તેના સંગઠનો વિરુદ્ધ મજબૂત પૂરાવાઓ અને હકીકતો છતાં તેના વિરુદ્ધ કાર્યવાહીમાં ઢીલાશ રખાઈ હતી અને હવે અચાનક પાકિસ્તાનને બ્રહ્મજ્ઞાન થયું અને પગલાંની જાહેરાત કરાઈ છે.
પાકિસ્તાન આમ પણ દેવાળિયા બનવા તરફથી ઝડપથી ધસી રહ્યું છે કારણ કે ગ્રે અથવા બ્લેક લિસ્ટમાં મૂકાયેલા દેશને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી ઋણ મેળવવાનું મુશ્કેલ બને છે. જોકે, આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે પાકિસ્તાનનું અર્થતંત્ર સુધારા પર હોવાનું જણાવ્યું. નાણા ભંડોળે પાકિસ્તાન માટે ૬ બિલિયન ડોલરનું પેકેજ મંજૂર કર્યું હતું તેમાંથી હાલ આકરી શરતો સાથે બે બિલિયન ડોલર મળવાના છે.
આમ છતાં, કાશ્મીર મુદ્દા સહિત ભારત સાથે ખાંડાં ખખડાવાનું તેણે છોડ્યું નથી. પાકિસ્તાન કોઈ પણ લિસ્ટમાં રહે, કાશ્મીર સમસ્યાને સળગતી રાખવામાં અને ત્યાં આતંકવાદને ઉત્તેજન આપવામાં તેને વિશેષ રસ છે. ભારતવિરોધી વલણને છોડવાની વાત તો દૂર રહી, પાકિસ્તાન તેના વલણમાં ફેરફાર કરવા તૈયાર નથી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ પાસે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી થવા તૈયાર હોવાના નિવેદનો કરાવી તેને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જીવંત રાખવામાં પાકિસ્તાન સફળ રહે છે. ભારત પણ પાકિસ્તાનની ચાલબાજીનો જોરદાર મુકાબલો કરે છે તે અલગ બાબત છે. હવે ભારતે, પાકિસ્તાનને રાજકીય દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એકલું-અટુલું પાડવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે અન્ય વાસ્તવિક નીતિ અપનાવવી પડશે.


comments powered by Disqus