વિશ્વમાં નિશ્ચિતપણે દીર્ઘકાલીન પ્રભાવ પાથરનારી ભારત અને અમેરિકાની મિત્રતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બે દિવસની ભારતયાત્રામાં જોવાં મળી છે. પ્રમુખ ટ્રમ્પની આ યાત્રા ભારત અને અમેરિકાના સંબંધોમાં નવા અધ્યાયના આલેખન સમાન જ ગણાવી શકાય. ભારત અને અમેરિકા વચ્ચે લશ્કરી શસ્ત્ર-સરંજામનો સહયોગ વધી રહ્યો છે. અમેરિકા સાથે ૩ બિલિયન ડોલરના મિલિટરી હેલિકોપ્ટર્સ ખરીદવાના કરારો થયા છે. વ્યાપારિક સંબંધ વધારવા વેપાર સમજૂતી ટુંક સમયમાં થવાની આશા છે. તાજેતરના વર્ષોમાં ભારતે ૧૮ બિલિયન ડોલરથી વધુ કિંમતના આધુનિક શસ્ત્રો અમેરિકા પાસેથી ખરીદ્યા છે. આ ઉપરાંત, બન્ને દેશો વચ્ચે અવકાશી કાર્યક્રમોમાં સહકાર, લશ્કરી યુદ્ધાભ્યાસનો સહકાર પણ યથાવત્ છે.
અમદાવાદના ગાંધી આશ્રમ અને મોટેરા ખાતે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગાઢ મિત્રતાની ઐતિહાસિક કેમિસ્ટ્રી જોવાં મળી છે. ટ્રમ્પે તો મોદી જેવા મિત્ર હોવા સંબંધે ગર્વ પણ વ્યક્ત કર્યો તે આનંદની વાત છે. પ્રમુખ ટ્રમ્પે પરિવાર સાથે પ્રેમના પ્રતીક ૧૭મી સદીના સ્થાપત્ય તાજમહેલની મુલાકાત લઈને અદ્ભૂત અનુભવ પણ મેળવ્યો છે. અમદાવાદમાં લાખોની જનમેદની વચ્ચે ‘નમસ્તે ટ્રમ્પ’નો જે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો તેનાથી પ્રમુખ ટ્રમ્પ અને તેમનો પરિવાર ગદ્ગદિત બને તે સ્વાભાવિક છે અને આથી જ ટ્રમ્પનો પ્રતિભાવ રહ્યો કે ‘વી લવ યુ ઈન્ડિયા.’ ટ્રમ્પે કહ્યું કે અમે ૮૦૦૦ માઈલનું અંતર કાપીને અહીં એ જ કહેવા આવ્યા છીએ કે અમેરિકાને ભારત માટે પ્રેમ છે. અમેરિકા ભારતનું સન્માન કરે છે અને અમેરિકાના લોકો હંમેશા ભારતના લોકોના સાચા અને નિષ્ઠાવાન મિત્ર રહેશે. તેમણે અમેરિકામાં રહેતા ૪૦ લાખ ભારતીયો ખૂબ સારુ કામ કરી રહ્યા છે, સૌથી મોટા અને સૌથી શ્રેષ્ઠ બિઝનેસમેન હોવાં સાથે ટેક્નોલોજીમાં ઈનોવેશન કરે છે તેમ કહેવા સાથે ભારતીય-અમેરિકનની દૃષ્ટિએ ગુજરાત પણ ખાસ હોવાનો ઉલ્લેખ કર્યો છે.
ભારત-અમેરિકાના સંબંધોમાં છેલ્લા થોડા વરસોમાં ઘણો સુધારો થયાના પરિણામે જ ટ્રમ્પની આ મુલાકાત યોજાઈ છે. અમદાવાદની મુલાકાતમાં ટ્રમ્પે વડા પ્રધાન મોદી સાથે મિત્રતા ઉપરાંત, મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ અને સરદાર પટેલને પણ યાદ કર્યા હતા. આ ઉપરાંત, દીવાળી અને હોળીના તહેવાર, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, બોલીવૂડ અને ‘શોલે’, ‘ડીડીએલજે’ જેવી ફિલ્મોનો પણ ઉલ્લેખ કર્યો. જોકે, આંતરરાષ્ટ્રીય દૃષ્ટિએ સૌથી વધુ મહત્ત્વનું નિવેદન કટ્ટર ઈસ્લામિક આતંકવાદનો સફાયો કરવાની પ્રતિબદ્ધતાનું છે. પાકિસ્તાનને સુધાર્યું છે અને વધુ સુધારીશું તેવી ગર્ભિત ચિમકી આપી અમેરિકા અને ભારત આતંકવાદને સાંખી લેશે નહિ તે પણ સ્પષ્ટ કર્યું છે. આના પરિણામે ભારતના પડોશી દુશ્મન દેશોના પેટમાં તેલ ન રેડાય તો જ નવાઈ. અમેરિકી પ્રમુખે ભારત અમેરિકા માટે સૌથી મોટું નિકાસ બજાર હોવા તેમજ બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર ૪૦ ટકા વધ્યો હોવાનું જણાવવા સાથે ભારતનો વિકાસ અને પ્રગતિ દુનિયા માટે પણ લાભકારી હોવાનું પણ કહ્યું છે.
બીજી તરફ, મોદીએ પણ ભારત અને અમેરિકા વચ્ચે વિશ્વાસ અને દોસ્તી જ મજબૂત સંબંધોનો આધાર હોવાનું જણાવ્યું છે. મોદીએ સ્વાગતના આરંભે જ નમસ્તે ટ્રમ્પ કહેવા સાથે ત્રણ વખત ઇન્ડિયા-યુએસ ફ્રેન્ડશિપનો નારો લગાવ્યો અને જનમેદનીએ લોંગ લીવ - લોંગ લીવનો પ્રતિઘોષ કર્યો ત્યારે તો પ્રમુખ ટ્રમ્પ પણ નરેન્દ્ર મોદીનો પ્રભાવ અને લોકોની તેમના પ્રતિ લાગણી નિહાળીને અભિભૂત થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે ગત ૧૪ વર્ષમાં ભારતે ત્રણ વખત અમેરિકી પ્રમુખની યજમાની કરી છે જ્યારે પાકિસ્તાનની એક વખત પણ મુલાકાત યોજાઈ નથી તે વિશ્વમાં ભારતના સતત વધી રહેલાં મહત્ત્વને દર્શાવે છે.
લોકતંત્રો ભારત-અમેરિકાની મૈત્રી ત્રાસવાદવિરોધ, ચીન તેમજ વેપાર અને ઊર્જા જેવા વૈશ્વિક મુદ્દાઓના ઊંડા વ્યૂહાત્મક સંબંધોને આવરી લે છે. આર્થિક સાથીદાર તરીકે ભારતમાં અમેરિકાનું હિત વધુ છે જે ભારત સાથે ૧૫૦ બિલિયન ડોલરના વેપારની માત્રામાં જોઈ શકાય છે. આજે ભારત વૈશ્વિક વેપાર અનૈ વિકાસના એજન્ડા સાથે વિશ્વની પાંચમી આર્થિક મહાસત્તા છે. બીજી તરફ, પાકિસ્તાનનો એજન્ડા માત્ર આતંકવાદ છે.
