‘મુંગેરીલાલ કે હસીન સપને’ ફેમ એક્ટર રઘુવીર યાદવની પત્ની પૂર્ણિમા ખરગાએ લગ્નના ૩૨ વર્ષ પછી તાજેતરમાં બાંદ્રાની ફેમિલી કોર્ટમાં ડિવોર્સનો કેસ ફાઈલ કર્યો છે. કથક ડાન્સર પૂર્ણિમા ૬૦ વર્ષનાં છે અને રઘુવીરની ઉંમર ૭૦ વર્ષની છે. દંપતીને સંતાનમાં એક દીકરો છે તેની ઉંમર ૩૦ વર્ષ છે. વર્ષ ૧૯૮૮માં તેમનાં લગ્ન થયાં હતાં. ૧૯૯૫માં ૧૯૯૫થી રઘુવીર - પૂર્ણિમા અલગ રહે છે અને દીકરો પૂર્ણિમા સાથે જ રહે છે. હાલમાં થયેલી ડિવોર્સની અરજીમાં પૂર્ણિમાએ રૂ. એક લાખનું ઈન્ટર્મ મેન્ટેનન્સ તથા રૂ. ૧૦ કરોડની એલિમનિ માગી છે.
અરજીમાં જણાવ્યું છે કે, વર્ષ ૧૯૯૫માં પૂર્ણિમાને શંકા ગઈ હતી કે યાદવનું તેની કો-સ્ટાર સાથે અફેર છે. તેમ છતાં તેઓ લગ્નને તૂટતા બચાવવાનો પ્રયાસ કરતા રહ્યાં. જોકે, એ જ વર્ષે રઘુવીરે જબલપુરમાં ડિવોર્સની અરજી કરી હતી. પૂર્ણિમા દિલ્હી રહેતી હોવાથી પીટિશન દિલ્હી ટ્રાન્સફર કરાઈ હતી. જોકે, પછી યાદવે પોતાની ડિવોર્સ અરજી પરત લીધી હતી. પૂર્ણિમાને મેન્ટેનન્સ તરીકે રઘુવીર માસિક રૂ. ૪૦ હજાર આપે છે. જોકે, પૂર્ણિમાએ કહ્યું કે આ રકમ ક્યારેય સમયસર મળતી નથી. પૂર્ણિમા કહે છે કે, મેન્ટેનન્સથી બચવા રઘુવીરે પોતાની મોટાભાગની સંપત્તિ તેની મેનેજર અને પાર્ટનર રોશની અર્ચેજાના નામે કરી દીધી છે.
રઘુવીરે કહ્યું છે કે, આ અંગે કોઈ કમેન્ટ કરવી યોગ્ય નથી. ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં રઘુવીર યાદવે પત્ની તથા દીકરા પર હેરાનગતિ કરવાનો આરોપ મૂક્યો હતો.

