આગ્રાઃ વિશ્વની અજાયબીમાં જેમની ગણના થાય છે, તેવા પ્રેમના પ્રતિક સમાન તાજમહેલના પરિસરમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા હાથમાં હાથ પરોવીને ફર્યા હતા.
અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવાર સાથે આગ્રા પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. તો સાથે જ ઉત્તર પ્રદેશના પારંપરિક એવા ‘મયુર ડાન્સ’ વડે કલાકારોએ તેમનું સ્વાગત પણ કર્યું હતું. ટ્રમ્પ દંપતીએ લગભગ એક કલાક જેટલો સમય તાજમહેલ પર વિતાવ્યો હતો. ૧૭મી સદીના આ અદ્ભુત બાંધકામને જોઇને ટ્રમ્પ પરિવાર મંત્રમુગ્ધ બન્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા ટ્રમ્પે તાજમહેલના મુખ્ય ગુંબજ, ગાર્ડન, પૂલ સહિત તમામ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમને તાજમહેલના ઇતિહાસ અને બાંધકામ વિશેની માહિતી આપવા માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઇ)ના અધિકારી સાથે રહ્યા હતા. આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમની દીકરી ઇવાન્કા અને જમાઇ જેરેડ કુશ્ચનરે પણ તાજમહેલનું સૌંદર્ય માણ્યું હતું. ઇવાન્કા તો તાજમહેલ મુલાકાત દરમિયાન ઘણી ઉત્સાહિત હતી. તેણે પોતાના ફોન વડે તાજમહેલની ઘણી તસવીરો પણ લીધી.
ચાંદીની ચાવી, તાજની પ્રતિકૃતિ
આગ્રાનાં મેયર નવીન જૈન દ્વારા ટ્રમ્પને ૬૦૦ ગ્રામ વજનની ૧૨ ઈંચ લાંબી ચાંદીની ચાવી, સંગેમરમરનાં તાજની પ્રતિકૃતિ અને જરદોશીમાંથી બનાવાયેલો મોર ભેટમાં અપાયા હતા.
‘થેન્ક યુ ઈન્ડિયા’
સંગેમરમરનો તાજમહેલ જોઈને ટ્રમ્પે લખ્યુંઃ ‘અદ્ભૂત, તાજમહાલ અમને ચકિત અને પ્રેરિત કર્યા આ ઈમારત સમયથી પર છે. તાજ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ અને પ્રાચીન ધરોહર છે. તાજમહેલ ભારતીય સંસ્કૃતિની વિવિધતાપૂર્ણ સુંદરતા છે. થેન્ક યુ ઈન્ડિયા.’
મયૂર નૃત્ય ‘વેરી ગૂડ – ગ્રેટ’
આગ્રાનાં ખેરિયા એરપોર્ટ ખાતે ટ્રમ્પ નિયત સમય કરતાં ૩૦ મિનિટ વહેલા આવ્યા હતા. વિમાનમાંથી ઉતર્યા પછી તેઓ મયૂર નૃત્ય જોઈને પ્રભાવિત થયા હતા અને વેલ ડનની સાઈન કરી હતી. બાદમાં તેઓ ‘વેરી ગૂડ – ગ્રેટ...’ એમ બોલી ઉઠયા હતા. એરપોર્ટથી તાજમહેલ સુધીનાં રૂટ પર ૨૧ સ્થળે ૩૦૦૦ કલાકારોએ ભારતની કલા સંસ્કૃતિની ઝલક તેમને દર્શાવી હતી.

