આર્થિક નુક્સાન વેઠી રહેલી આઠ રમતોને બચાવવા સરકાર તૈયાર

Tuesday 29th September 2020 15:50 EDT
 

લંડનઃ મેદાનમાં દર્શકોની ગેરહાજરી વિન્ટરના અંત સુધી અને કદાચ એપ્રિલની શરૂઆત સુધી રહે તેવી ચેતવણી સરકારે રમતજગત માટે જાહેર કરી હતી. કોરોના મહામારીને લીધે દર્શકોના પ્રવેશ પર પ્રતિબંધને કારણે ઘણી ક્લબોને જંગી આર્થિક નુક્સાન થઈ રહ્યું હોવાની ચેતવણી પછી સરકાર લગભગ આઠ રમતો માટે રાહત પેકેજ તૈયાર કરી રહી છે. ફૂટબોલ, રગ્બી યુનિયન, ક્રિકેટ, હોર્સરેસિંગ અને અન્ય ત્રણ રમતોનાં સિનિયર ખેલાડીઓ પરિસ્થિતિ સતત વણસી રહી હોવાનું જણાવવા માટે ૨૨ સપ્ટેમ્બરે કલ્ચર સેક્રેટરી ઓલિવર ડાઉડનને મળ્યા હતા. તેમણે તેમને મદદ કરવાની ખાતરી આપવાની સાથે પ્રીમિયર લીગ અને આર્થિક રીતે સદ્ધર અન્ય સંસ્થાઓને પણ ક્લબોને મદદ કરીને આ મુશ્કેલી ઘટાડવા અનુરોધ કર્યો હતો. જોકે, તેમણે રમતો માટેના જોખમની પણ સ્પષ્ટતા કરી હતી.

• રગ્બી ફૂટબોલ યુનિયને ચેતવણી ઉચ્ચારી હતી કે તેની આવકમાં ૧૨૨ મિલિયન પાઉન્ડ જેટલો ઘટાડો થશે અને સમગ્ર ઈંગ્લેન્ડની કોમ્યુનિટીઓમાં લોકપ્રિય રગ્બી ક્લબો કાયમ માટે બંધ થઈ જવાનું જોખમ છે.• પ્રીમિયર લીગે ફૂટબોલની રમત દર મહિને ૧૦૦ મિલિયન પાઉન્ડ ગુમાવી રહી હોવાનો પુનરુચ્ચાર કરતા જણાવ્યું હતું કે પ્રશંસકો વિના ‘ફૂટબોલનું અર્થતંત્ર’ ટકી શકે તેમ નથી.

• નેશનલ લીગ યેઓવિલના ચેરમેન સ્કોટ પ્રિસ્ટનેલે જણાવ્યું કે માત્ર ક્લબો જ નહિ, લીગ વન, લીગ ટુ અને કેટલીક ચેમ્પિયનશિપ સ્પર્ધાઓ માટે પણ તેમને ડર છે. • બ્રિટિશ હોર્સરેસિંગ ઓથોરિટીએ આ અહેવાલને ગંભીર ફટકારૂપ ગણાવ્યા હતા અને ચેતવણી આપી હતી કે રેસિંગ ઉદ્યોગ ગંભીર ખતરાનો સામનો કરી રહ્યો છે. અને લાખો પાઉન્ડનું નુક્સાન થઈ રહ્યું છે.

રમતજગત માટે કેટલી રકમનું પેકેજ અપાશે તેનો હજુ સરકારે અણસાર આપ્યો નથી. જોકે, ગાર્ડિયનના અહેવાલ મુજબ ગ્રાન્ટ, લોન અને રેટ રિલીફ બધું ગણીને જે પેકેજ અપાશે તે જુલાઈમાં આર્ટ્સને અપાયેલ ૧.૫૭ બિલિયન પાઉન્ડથી તો ઓછું જ હશે.


    comments powered by Disqus