સમગ્ર વિશ્વ આજે અરાજકતાપૂર્ણ અવિશ્વાસના માહોલમાંથી પસાર થઈ રહ્યું છે. કોરોના મહામારીના કારણે ૩.૩૫ કરોડ લોકો સંક્રમણનો શિકાર બન્યા છે અને લગભગ ૧૦ લાખ લોકો મોતને ભેટવા સાથે સામાજિક અને આર્થિક અવદશા સર્જાઈ છે. કોરોના વાઈરસનો ઉદ્ભવ ચીનમાંથી થયો હોવાથી વિશ્વના અમેરિકા સહિત મોટા ભાગના દેશો તેના વિરુદ્ધ થઈ ગયા છે. અગાઉના શીતયુદ્ધના સમયની જેમ નવા ધ્રૂવીકરણો રચાયા છે જેમાં એક તરફ, ભારત-અમેરિકા- જાપાન- ઓસ્ટ્રેલિયા-તાઈવાન અને ઈઝરાયેલ સહિતના દેશો છે તો બીજી તરફ, ચીન, ઈરાન, પાકિસ્તાન સહિતના દેશો છે.
સદીઓથી ચીનની વિસ્તારવાદી નીતિ જાણીતી છે. ભારત સહિત ૧૪ દેશો સાથે સરહદો સંકળાયેલી છે તેવો ચીની ડ્રેગન જ્વાળા ઓકતો જાય છે અને વિસ્તારો કબજે કરતો જાય છે એમ કહેવામાં જરા પણ ખોટું નથી. ચીનની વસ્તી એટલી બધી છે કે તેને વસાવવા અને પોતાની આર્થિક અને લશ્કરી તાકાત વધારવા જમીનો હડપ કરવી તેના માટે એક જરુરિયાત બની ગઈ છે. અનોખી ગુલામીની શંતરંજ ગોઠવવામાં માહિર ચીને બાંગલાદેશ, નેપાળ સહિત નાના દેશોને પોતાના આર્થિક ગુલામ બનાવવા માંડ્યા છે. તેણે ચેકબૂક ડિપ્લોમસી આદરી છે. કેરેબિયન દેશો હોય કે પાકિસ્તાન અને શ્રી લંકા કે પછી પાસિફિક મહાસાગર વિસ્તાર હોય વિકાસ સાધી આપવાના નામે ઢગલાબંધ નાણાસહાય કરી પોતાનો લાભ મેળવી લે છે. તાજેતરમાં જ તેણે નેપાળના ઉત્તરના પ્રદેશોમાં નાના ગામો હડપ કરી લીધાના પણ અહેવાલો આવ્યા છે.
બીજી તરફ, ભારતની વધતી પ્રતિષ્ઠાથી નવો હરીફ ઉભો થવાના ભયે ચીન તેને લશ્કરી ભરડામાં લેવા સતત પ્રયાસ કરી રહ્યું છે પરંતુ, ભારતે યુદ્ધ માટે તૈયાર હોવાના સ્પષ્ટ સંકેતો મોકલી બાજી બગાડી નાખી છે. ભારત-ચીન સરહદે ભારે તંગદિલી સર્જાઈ છે ત્યારે ઘણાના મતે તો સ્થિતિ વિશ્વયુદ્ધ તરફ ઘસડાતી હોવાનું જણાય છે. જોકે, વર્તમાન સંજોગોમાં આ સંભાવના છમકલાં અને હાકલાપડકારાથી આગળ વધે તેમ લાગતી નથી.
સૌથી મહત્ત્વની બાબત એ ગણી શકાય કે વિશ્વના તમામ દેશોના અર્થતંત્રોમાં મંદીનો માહોલ છે ત્યારે ચીનને આવી તકલીફ જણાતી નથી. વૈશ્વિક અર્થતંત્રોની નેગેટિવ વૃદ્ધિ સામે એકમાત્ર ચીનના અર્થતંત્રે વિકાસ સાધ્યો છે. આવા પ્રતિકૂળ સંજોગોમાં પણ તેનું ફોરેક્સ રીઝર્વ વધીને ઓગસ્ટ મહિનામાં ૩,૧૬૪.૬ બિલિયન (જુલાઈમાં ૩,૧૫૪.૪ બિલિ.) યુએસ ડોલરનું છે. ખુદ અમેરિકાનું ફોરેક્સ રીઝર્વ માત્ર ૧૨૯ બિલિયન ડોલર, જાપાન અને ભારતનું રીઝર્વ અનુક્રમે ૧,૩૮૭.૪ બિલિ. અને ૪૭૩.૩ બિલિ. ડોલર છે. આ પરિસ્થિતિ એટલા માટે સર્જાઈ છે કે ચીનમાં કંપનીઓ નહિ પરંતુ, સામ્યવાદી સરકાર જ ધંધો કરે છે. બધી કંપનીઓ પર સરકારનું નિયંત્રણ છે અને મોટા પાયે સસ્તાં અને જંગી ઉત્પાદનો કરી વિશ્વમાં તેનું
ડમ્પિંગ એટલું જોરદાર કરાય છે કે સ્થાનિક ઉત્પાદનો મોંઘા પડે છે અને ચીનની નિકાસો વધતી રહે છે.
ચીનની આર્થિક તાકાત જ તેને જગતકાજી અમેરિકા સહિતના દેશો સામે પડવાની પ્રેરે છે. કાશ્મીરના મુસ્લિમોના નામે સતત કાગારોળ મચાવતા પાકિસ્તાન, તુર્કી અને ઈરાન જેવા મુસ્લિમ ખંડિયા દેશો પણ ચીનમાં ઉઈગુર મુસ્લિમોનો નરસંહાર થાય છે તેની સામે આંખમીંચામણા કરવામાં જરા પણ પાછીપાની કરતા નથી છે. ચીને ઉઈગુર પ્રાંતમાં હજારો મસ્જિદો તોડી નાખી છે, લાખો મુસ્લિમોની કત્લેઆમ ચલાવી છે તેની સામે કોઈ અવાજ ઉઠાવતું નથી તે પણ આ ચેકબૂક ડિપ્લોમસીની જ કમાલ છે. તેના માટે ભલે કમાલ હોય, વિશ્વ માટે તો ખતરો જ છે.
