નવલા નોરતાની ઉજાણી આડે કોરોનાનું ગ્રહણ

Tuesday 29th September 2020 14:59 EDT
 

આસોની અજવાળી રાતોમાં નવ દિવસ મા જગદંબાની આરાધના, અર્ચના કરતું પાવન પર્વ નવરાત્રિ એ ગુજરાતનો પરંપરાગત અને ભાતીગળ સૌથી મોટો મહોત્સવ. ૨૦૨૦ને કોરોનાએ આખાય વિશ્વને ભરડામાં લીધું છે ત્યારે વિશ્વભરમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરનાર આયોજકો, સંસ્થાઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે આ વર્ષે જાહેરમાં, મોટાપાયે ગરબાનું આયોજન કરવું એ અનૈતિકતા ગણાશે. કોવડ-૧૯ એ લાઇફ થ્રેટનીંગનો ઇશ્યુ છે, આ જીવલેણ મહામારીના ખપ્પરમાં લાખ્ખો હોમાઇ ગયા છે, દરેક દેશની સરકાર કોરોનાનો કહેર ડામી શકે એ માટે પ્રયત્નશીલ છે.
બ્રિટનમાં પણ કોવિડ-૧૯નો બીજો ખતરનાક વેવ આવી રહ્યાના સંકેત મળી રહ્યા છે ત્યારે વડાપ્રધાન બોરિસ જહોન્સન સરકારે સાવચેત બની બ્રિટનવાસીઓને છ વ્યક્તિથી વધુ નહિ મળવા અને કલબો, રસ્ટોરન્ટોને પણ રાતના દશ પછી બંધ કરવા તાકીદ કરી છે. ત્યારે કોઇપણ જવાબદાર વ્યક્તિ કે સંસ્થા નવરાત્રિ ગરબાનું આયોજન ના કરે એ સ્વાભાવિક છે, આવકાર્ય છે.
ગુજરાતમાં સરકારી પ્રતિબંધ હોવા છતાં કેટલાક ગરબા ઉત્સુક ખેલૈયાઓ અને આયોજકોએ શેરી ગરબા કરવા તૈયારી કરી હતી પણ કોરોનાના વધતા સંક્રમણને લઇને સરકારે શેરી ગરબા ઉપર પણ પ્રતિબંધ લાદ્યો છે. મેડિકલ એકસપર્ટના મતે કોરોનાથી સાવચેત રહેવા સૌએ સોશ્યલ ડિસ્ટન્સ રાખવું અને માસ્ક પહેરવા ફરજીયાત છે અને માસ્ક પહેરીને ગરબા કરનાર વ્યક્તિની શ્વાસોચ્છવાસની પ્રક્રિયા વધતાં બેભાન પણ થઇ શકે છે.
ગુજરાતમાં વિશાળ પાયે યોજાતા નવરાત્રિ મહોત્સવમાં ધમાકેદાર મ્યુઝીક ઓરકેસ્ટ્રા ધરાવનારાઓને લગ્નોની સીઝનમાં આર્થિક ફટકો પડતાં હવે નવરાત્રિ ગરબા પર સરકારી પ્રતિબંધ લાગતાં એમની હાલત કફોડી બનશે એવી રજૂઆત પણ થઇ છે પણ આવી ઓરકેસ્ટ્રા ધરાવનારા હવે ઓનલાઇન ઝૂમ ટેકનોજી દ્વારા દેશવિદેશમાં સૌને ઘેરબેઠાં મા જગદંબાના ગરબાનો આનંદ આપી શકે છે.
નાગર સમાજમાં નવરાત્રિ દરમિયાન મા જગદંબાનો ગરબો ઘરમાં બેસીને ગાવાની પ્રથા છે. તેઓ નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા જગદંબાનો માટીનો ગરબો શણગારે છે અને બેઠાં બેઠાં જ ગરબો ગાય છે એમ આપણે સૌ આ કોરોનાકાળમાં ઘરમાં જ મા જગદંબાની શ્રધ્ધાપૂર્વક પૂજા, અર્ચના, આરાધના કરીએ અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરી નવરાત્રિનું પર્વ ઉજવીએ.


comments powered by Disqus