ગયા સપ્તાહે નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા આયોજીત ઝૂમ મીટીંગમાં મુખ્ય અતિથિ વિશેષ વક્તા તરીકે ભારત સરકારના કૃષિ અને ખેડૂત સુખાકારી રાજ્ય મંત્રી મહોદય શ્રી પુરૂષોત્તમ રૂપાલાજીએ માતૃભાષા અને માતૃભૂમિ પ્રત્યે પ્રેમ, આદર, સન્માન ભાવનાની વાત કરી યુવા પેઢીમાં એના સિંચનની જવાબદારી લોકનાયકોની હોવાનો ઉલ્લેખ કર્યો હતો. એ સંદર્ભમાં આજે આપની સમક્ષ એવા બહેનની વાત કરવી છે જેઓ લગભગ ૭૮ વર્ષની વય વટાવી ચૂક્યા છે અને માતૃભાષાની સેવામાં છપ્પનેક વર્ષ અણમોલ ફાળો આપી યુવા પેઢીમાં ભાષા જ્ઞાનની જ્યોત જલતી રાખવાનો ભગીરથ પ્રયાસ કરેલ છે.
મૂળ કેન્યામાં જન્મેલ અને સીનીયર કેમ્બ્રીજ પાસ કર્યા બાદ યુ.કે. આવી ટીચર્સ સર્ટિફિકેટ અને એજ્યુકેશન ડીપ્લોમા મેળવીને શિક્ષણ પ્રવૃત્તિમાં પરોવાયેલ કાન્તાબેન શાહ ઓશવાળ સમાજ સહિત યુ.કે.ના સમગ્ર ગુજરાતી ભાષા શિક્ષણ જગતમાં જાણીતાં બન્યાં છે. પ્રેમાળ કુટુંબમાં જન્મેલ અને બાળપણથી જ ગુજરાતી પુસ્તકો અને નવલકથાઓ વાંચવાના શોખે એમને સમાજમાં ભાષાના પ્રચાર-પ્રસારમાં પ્રેર્યાં. લંડનના હેરિંગે બરોથી એમની શિક્ષક તરીકેની યાત્રાનો પ્રારંભ થયો. ત્યાર બાદ લગ્ન જીવનમાં પ્રવેશ કરી પતિશ્રી જગદીશભાઇ સાથે હેરો બરોમાં રહેવા આવ્યા અને ત્રણ બાળકોના માતા-પિતા બની એમના ઉછેર સાથે શૈક્ષણિક ખાતામાં જોડાયાં. પોતાની કારકિર્દીમાં પતિશ્રી અને કુટુંબના સાથની નોંધ સગર્વ લે છે, કાન્તાબહેન!
ઇંદુબેન શેઠની પ્રેરણાથી કાન્તાબહેને પ્રૌઢો માટે અંગ્રેજી શીખવવાના વર્ગોમાં ય અનુદાન આપ્યું. પ્રૌઢોને વૈજ્ઞાનિક પધ્ધતિએ ભણાવી શકાય એ માટે હેરોની કોલેજમાંથી ૧ વર્ષનો પાર્ટ ટાઇમ ડીપ્લોમા TESFL (ટીચીંગ ઇંગ્લીશ એઝ સેકન્ડ એન્ડ ફોરિન લેંગ્વેજ) કર્યો. વડિલોને પર્યટન પર લઇ જઇ જ્ઞાન સાથે આનંદનો અનભવ કરાવ્યો.
ઓશવાળ સમાજની ગુજરાતી શાળઓમાં વર્ગો શરૂ કરવા તેમજ અભ્યાસક્રમ તૈયાર કરી બીજા શિક્ષકોને પણ દોરવણી આપી તૈયાર કરવામાં એમનું અનુદાન નોંધનીય છે. શિક્ષકો માટે ટ્રેનિંગ કોર્સ તેમજ કોન્ફરન્સોનું આયોજન કર્યા છે. જુદી જુદી સંસ્થાઓને ગુજરાતીના વર્ગો શરૂ કરવા માર્ગ દર્શન આપ્યું. ૧૯૮૫માં મેઇન સ્ટ્રીમની નિશાળોમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ સ્કીમમાં કામ કર્યું. નિશાળના બાળકોને આપણી સંસ્કૃતિની સમજ આપવા સાથે તહેવારોનું મહત્વ સમજાવ્યું.
હાઇસ્કૂલોમાં નિશાળ પછીના સમયમાં બાળકોને ગુજરાતી ભાષાની પરીક્ષા માટે તૈયાર કરતાં. પરિણામે બે શાળઓના ટાઇમ ટેબલમાં ગુજરાતી વિષય દાખલ થયો. કોલેજોમાં પણ વિધ્યાર્થીઓને Oઅને A લેવલ્સ માટે તૈયાર કર્યા તેમજ બાઇલેંગ્યુઅલ અને ઇન્ટરપ્રીટીંગના નવા કોર્સ કરીને વર્ગો શરૂ કર્યાં. પરીક્ષાઓ માટે વિધ્યાર્થીઓને તૈયાર કરવા યોગ્ય પુસ્તકો ઉપલબ્ધ ન હતા એથી "ગુજરાતી લેંગ્વેજ ફોર જી.સી.એસ.સી.” નામની ચોપડી લખી. ૧૯૮૯માં લંડન બોર્ડ સાથે અને પછી મિડલેન્ડ બોર્ડ સાથે જી.સી.એસ.સી.ની પરીક્ષાનો કાર્યભાર સંભાળ્યો. અને ૧૯૯૫માં કેમ્બ્રિજ બોર્ડ સાથે પરીક્ષક તરીકેની જવાબદારી નિભાવી. આ દેશના મૂળ પ્રજાજનો સાથે સમાનતા મેળવવા તેમજ પરીક્ષા માટે આપણી લઘુમતિ ભાષાઓને યુરોપીયન ભાષાઓની સમકક્ષ માન્યતા મળે એ માટે સરકારમાં આપણો અવાજ પહોંચાડવા ઝૂંબેશ કરી. એમાં રેસ રીલેશન્સ કાઉન્સિલ, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ગૃપ્સ, એસોસિએશન ફોર લેંગ્વેજ લર્નિંગ, સેન્ટર ફોર ઇન્સ્ટીટ્યુટ ઓફ લેંગ્વેજ લર્નીંગ વગેરે સંસ્થાઓ સાથે સહકાર સાધી સેમીનારો અને કોન્ફરન્સોના આયોજન દ્વારા સમાજમાં જાગૃતતા લાવવા અથાક્ પ્રયાસો કર્યા. સદ્નસીબે એમાં સફળતા મળી. પરંતુ હવે ગુજરાતી શીખનારાઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે એ જાણી દુ:ખ થાય છે. દરેક ગુજરાતી કુટુંબે પોતાના બાળકોને માતૃભાષા શીખવવા સક્રિય બનવું રહ્યું. માતૃભાષા આવડતી હશે તો જ સંસ્કૃતિ અને ધર્મ જીવતાં રહેશે.
"શિક્ષક તરીકેની કારકિર્દી મને ગૌરવ અપાવે છે”, એમ કહેતાં કાન્તાબહેન ગદ્ ગદ્ થઇ જાય છે. અને કહે છે, "હું ક્યાય પણ જાઉં તો આજે ય મારા વિધ્યાર્થીઓ પોતે માતા-પિતા થયા પછી મળે તો હરખભેર યાદ દેવડાવે કે, બેન ...તમે મને ગુજરાતી શીખવ્યું હતું, તમે મારી પરીક્ષા લીધી હતી..એ જ રીતે પ્રૌઢો પણ મને બાથ ભરીને કહે કે, ઓ..મારા ટીચર, તમે અમને કોચમાં ફરવા લઇ જતા હતાં..” એ સૌનો પ્રેમ મારી સૌથી મોટી મૂડી હોવાનો આનંદ મારૂં મન ખુશીઓથી ભરી દે છે.”