યુવા પેઢીને સમજીએ અને એમના વાલી નહિ મિત્ર બનીને રહીએ...

Tuesday 29th September 2020 14:59 EDT
 

ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી શિક્ષણને પ્રાધાન્ય અપાયું છે. સર્વ દાનોમાં વિદ્યાદાનને શ્રેષ્ઠ દાન કહેવાયું છે. આ સંસ્કાર વારસો આપણને ઋષિમુનિઓ તરફથી મળ્યો છે. માટે જ ભારતીય સમાજમાં મા-બાપ પેટે પાટા બાંધીને ય સંતાનોને ભણાવવા કમર કસે છે. બ્રિટનમાં હવે કોલેજો, યુનિવર્સિટીઓ ખુલી ગઇ. કોરોનાનો ભય હજી સતાવી રહ્યો છે. યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી વધુ અભ્યાસાર્થે હોસ્ટેલમાં નવા-સવા ગયેલ સંતાનોની ચિંતા મા-બાપ તરીકે આપણને સૌને થાય એ સ્વાભાવિક છે. આપણી વસ્તીના પ્રમાણમાં એક અંદાજ મુજબ યુનિવર્સિટીમાં જનારા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ ૫૦,૦૦૦ હશે. અને ભારતથી અત્રે આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ લગભગ ૩૭,૫૦૦ જેટલી છે.
બ્રિટનની ટોપ ટેન યુનિવર્સિટીઓમાં ગુજરાતી/ભારતીય વિદ્યાર્થીઓ બહુમતિમાં છે. પ્રાઇવેટ સ્કુલોમાં જનારામાં પણ આપણે અગ્ર સ્થાન ધરાવીએ છીએ. કારણ સ્પષ્ટ છે કે આપણે શિક્ષણને વધુ મહત્વ આપીએ છીએ. આપણા સંતાનો ઘર, કુટુંબ, મા-બાપની છત્રછાયા છોડી યુનિવર્સિટીમાં જાય એટલે મા-બાપ કે વાલી તરીકે એમના ભોજન, આરોગ્ય, રહેણી-કરણી વિષે ચિંતિત બનીએ. બિમાર થશે તો શું? એકલા રહેવાની આદત ન હોય, પોતાના કામ જાતે કરવાની ટેવ ન હોય. બધું તૈયાર મળતું હોય. સગવડતાઓ વચ્ચે, કુટુંબની હૂંફ સાથે રહેતા એકાએક હોસ્ટેલનું જીવન માફક આવશે કે કેમ? એમનો કેવો સંગ હશે? સારા મિત્રો હોય તો સારૂં નહિ તો ખોટાની સોબતની ખરાબ અસર થઇ તો ભવિષ્ય ધૂંધળું બનવાની બીક પણ ખરી?
એમના ઉજળા ભવિષ્ય માટે મા-બાપે ઉઠાવેલ જહેમત વસૂલ થાય એવું બધાં જ મા-બાપ ઇચ્છતા હોય.
આપણા સંતાનો યુનિવર્સિટીમાં જતા આવા અસંખ્ય પ્રશ્નો આપણા મસ્તિષ્કમાં ઘૂમરાવા લાગે. આ તો મા-બાપ તરીકે આપણી ચિંતા કે મૂંઝવણની વાત થઇ પરંતુ સંતાનોને પણ કેવા કેવા પડકારો ઝીલવા પડશે એનો વિચાર આપે કર્યો છે ખરો?
સુખ-સાહ્યબી ને બધું હાથમાં મળતું હોય એવા આપણા દિકરા-દિકરીઓ યુનિવર્સિટીમાં જતા જ સ્વતંત્ર જીવન જીવતા થાય એ માટે એમને પણ કેટલાય સવાલો મૂંઝવતા હશે. પ્રથમ દ્રષ્ટિએ યુનિવર્સિટીમાં જઇ હોસ્ટેલમાં બંધન વિના રહેવાનું. સરખી ઉમરના મિત્રો સાથે બિન્દાસ જિંદગી જીવવાની...કેવી મજા આવશે? આતુરતાપૂર્વક કોલેજકાળની જિંદગી માણવા થનગનતા વિદ્યાર્થીઓ જ્યારે એની વાસ્તવિકતા જુએ ત્યારે બનવા જોગ છે કે, પરિસ્થિતિ વિપરિત હોય. ધારી મોજમજાને બદલે ભણવાનું ભારણ વધી જાય તો સ્ટ્રેસ અનુભવે, થાકીને યુનિવર્સિટીમાંથી હોસ્ટેલ પર આવે ત્યારે સેલ્ફ કેટરીંગ હોય તો શું બનાવીશ, શું ખાઇશ..? જેવા અનેક પ્રશ્નો મૂંઝવે. કેટલીક વાર જંક ફુડ પણ ચલાવી લે તો આરોગ્ય બગડે. નવા નવા વિદ્યાર્થીઓ બૂલીનો ભોગ પણ બનતા હોય. કેટલીક વાતો ના કહેવાય ને ના સહેવાય જેવી પણ હોય.
આવા સંજોગોમાં શું કારગત નીવડે? મા-બાપ અને એમના સંતાનો વચ્ચે મિત્રતાનો સંબંધ હોય અને ખુલ્લા મને વાતચીત મા-બાપ સાથે કરી શકતા હોય તો એમને ખોટા માર્ગે જતા અટકાવી શકાય. દરરોજ મા-બાપ અને સંતાનો વચ્ચે નિયમિત વિચાર વિમર્શ થવો જોઇએ જેથી મૂંઝવણમાં રસ્તો નીકળે. કહેવાતી નાની-નાની બાબતો પર ઝીણવટપૂર્વક વિચારણા કરતા રહેવું હિતાવહ છે. સમાજમાં મૂલ્યો, સંસ્કાર, શિક્ષણ અને સહાનુભૂતિ, સહ્દયતા જેવા ગુણોના વિકાસ અને ઉજ્જવળ ભાવિ પેઢી માટે આ પાયાની વાત સમજવા જેવી છે.


comments powered by Disqus