લંડનઃ તપાસ હેઠળની શીખ ચેરિટીમાં વચગાળાના મેનેજર નીમવાના ચેરિટી કમિશનના નિર્ણયને ચેરિટી ટ્રિબ્યુનલે રદ કરી દીધો છે. શીખ ચેનલ કોમ્યુનિટી બ્રોડકાસ્ટીંગ કંપની લિમિટેડે એન્થોની કોલિન્સ સોલિસિટર્સના ફિલિપ વોટ્સ અને સારાહ ટોમાલિન્સનને ચેરિટીના વચગાળાના મેનેજર નીમવા માટે કમિશને આપેલા નિર્ણય સામે અપીલ કરી હતી. શીખ ધર્મ અને કોમ્યુનિટીની ધાર્મિક અને ચેરિટેબલ પ્રવૃત્તિઓને આગળ ધપાવવા અને શીખ ધર્મના જ્ઞાનના પ્રસાર માટે આ ચેરિટીનું રજિસ્ટ્રેશન કરાયું હતું.
કમિશને ૧૩ નવેમ્બર ૨૦૧૯ના રોજ કાયદેસર તપાસ હાથ ધરી હતી અને ૧૯ માર્ચ ૨૦૨૦ના રોજ વચગાળાના મેનેજર નીમવાનો આદેશ કર્યો હતો. કમિશનને ચેરિટીમાં કોઈ ગેરવર્તન કે ગેરવહીવટ જણાય અથવા ચેરિટીની પ્રોપર્ટીનું રક્ષણ કરવાની જરૂર જણાય ત્યારે ચેરિટીનો હવાલો સંભાળવા માટે વચગાળાના મેનેજરની નિમણૂક કરાય છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં તેની આવક ૬.૧ મિલિયન પાઉન્ડ અને ખર્ચ ૧.૬ મિલિયન પાઉન્ડ દર્શાવાયા હતા.
ટ્રિબ્યુનલ સમક્ષ ચેરિટી દ્વારા જણાવાયું હતું કે જ્વેલરી ક્વાર્ટરને લગતી બેંક સ્ટેટમેન્ટસમાંની એન્ટ્રી વિશેનો ખુલાસો કમિશને સાંભળ્યો ન હતો. શીખોની ખાસ લાક્ષણિકતાઓની પણ કમિશને નોંધ લીધી ન હતી.
ટ્રિબ્યુનલે વચગાળાના મેનેજરની નિમણુંક જરૂરી અને/અથવા સમય કરતાં વહેલી હતી કે કેમ તેના વિશે વિચારણા કરી હતી. ૩૧ જુલાઈ, ૨૦૨૦ના જજ રેબેક્કા વર્થના ચુકાદામાં ટ્રિબ્યુનલે જણાવ્યું કે નવા ટ્રસ્ટીઓ ચેરિટીની સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ કરતા હતા. તે ટ્રસ્ટીઓએ ચેરિટીના હિતમાં કાર્યવાહી માટે સંનિષ્ઠ પ્રયાસ કર્યો હતો. તેઓ સ્વતંત્રપણે કામ કરતા હતા. કમિશને શીખ પશ્ચાદભૂ ધરાવતા કુશળ ટ્રસ્ટીઓની નિમણૂક ન કરી તે બાબતે ચુકાદામાં ખેદ વ્યક્ત કરાયો હતો. કમિશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ આ ચુકાદા સામે આગામી પગલાં વિશે વિચારી રહ્યા છે.
